ધીરજના ગુણથી જ મનુષ્ય જીવન ગૌરવશાળી બને છે

ધીરજના ગુણથી જ મનુષ્ય જીવન ગૌરવશાળી બને છે

 

કોઈ પણ બાળક જન્મથી જ બોલતું નથી. એને બોલવાનું શીખવામાં નવથી બાર મહિના લાગે છે. બાળકની સાથે વધુ વાત કરો તો એ જલદી બોલતાં શીખી જાય, પરંતુ છ મહિને બોલવા લાગે નહીં. ઘણાં માતાપિતા પોતાનું સંતાન બોલતાં શીખી જશે એવું ધારીને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી રાહ જોતાં હોય છે. બાળક અચાનક બોલવા લાગશે એવી પણ એમની ધારણા હોય છે. બીજી બાજુ, એવાં પણ માતાપિતા હોય છે, જેઓ બાળક બોલવામાં મોડું કરે તો તેનો ઈલાજ કરાવવા માટે સક્રિય થઈ જતાં હોય છે. એ વાલીઓ બાળકને આવશ્યક મદદ કરવાની ધીરજ ધરાવતાં હોય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બીજને વૃક્ષ બનવામાં વાર લાગતી હોય છે. જો રોપની યોગ્ય માવજત કરવામાં આવે તો એ સારી રીતે વિકસે છે અને ફળ પણ આપે છે. આમ, મહેનતનાં ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડે છે. પ્રકૃતિમાં દરેક વસ્તુ પોતપોતાની પ્રક્રિયા ધરાવે છે અને એના માટે પૂરતો સમય લે છે. એ સમયગાળા દરમિયાન ધીરજ રાખવાની જરૂર હોય છે.

મહાભારતમાં યુધિષ્ઠિર એક રાજા તરીકે નમ્ર અને બુદ્ધિશાળી હતા. પાંડવોને એમના ગુરુએ ઘણી જ સારી કેળવણી આપી હતી. એમના સખા કૃષ્ણ હતા, પરંતુ એમણે પણ અધર્મની સામે લડવું પડ્યું. ભગવાન પહેલેથી પાંડવોની સાથે હતા, પરંતુ એમની અધર્મની સામે જીત મેળવવા માટે ધીરજપૂર્વક લડવાનું કહેતા હતા. તમારી પાસે બુદ્ધિચાતુર્ય, વ્યૂહ, આયોજન, શક્તિ એ બધું જ હોય તોપણ એનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે ધીરજની જરૂર પડતી હોય છે.

પાંડવો કુદરતની રચના શીખે અને યુદ્ધ દરમિયાન દરેક ચાલ મનની સ્થિરતા સાથે ચાલે એવું એમણે શીખવ્યું. તમે બળપૂર્વક ઘણું જીતી શકો છો, પરંતુ ખરી જીત તો ધીરજ રાખવામાં છે. ધીરજ સૌથી મોટો ગુણ છે.

મેં ઘણાં શ્રવણમંદ બાળકો સાથે કામ કર્યું છે અને મારો અનુભવ છે કે ધીરજ રાખીને જ સફળતા મેળવી શકાય છે. એક બાળકનો કિસ્સો અહીં જણાવવા જેવો છે. એ બાળક દોઢ વર્ષનું હતું ત્યારે એનાં માતાપિતા મારી પાસે લઈ આવ્યાં હતાં. એમનું એ એકનું એક સંતાન હતું. આથી દાદા-દાદીએ એને ઘણાં લાડ લડાવ્યાં હતાં. બાળકની શ્રવણશક્તિ ઓછી હોવાનું મેં નિદાન કર્યું હતું, પરંતુ એને કેટલું સંભળાય છે એ જાણવા માટે ઑડિયોગ્રામ જરૂરી હતું. બાળક એટલું જિદ્દી થઈ ગયું હતું કે આ પરીક્ષણ કરાવવા દેતું ન હતું. ઑડિયોગ્રામના મશીનની પાસે જઈને એ રડવા લાગતું અને ઉધામા મચાવતું. સતત પંદર દિવસ સુધી એનાં માતાપિતા એને લઈ આવતાં અને એ રોજ આવું જ કરતું. હું શાંતિથી બેસી રહેતી અને એને કહેતી કે જ્યાં સુધી એ ઑડિયોગ્રામ કઢાવવા નહીં દે ત્યાં સુધી હું એને રૂમની બહાર જવા નહીં દઉં. સોળમા દિવસે એણે સામેથી ઈશારાથી મને કહ્યું કે એ પરીક્ષણ કરાવશે. એ દિવસે એની સાંભળવાની શક્તિનું બરોબર પરીક્ષણ થયું અને અદ્યતન શ્રવણયંત્ર આપવાથી એને થોડા જ વખતમાં સંભળાવા લાગ્યું. આજે એ બાળક સામાન્ય શાળા અને કૉલેજમાં ભણીને એન્જિનિયરિંગની પદવી ધરાવે છે. આજે એનો પોતાનો સંસાર છે અને એ પૈસેટકે પણ સુખી છે. ધીરજ કેવું પરિણામ લાવી શકે છે એનું આ એક ઉદાહરણ છે.

વર્તમાન યુગમાં વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. તંત્રજ્ઞાનને લીધે વિશ્વ નાનકડું લાગવા માંડ્યું છે. જોકે, લોકો એવું માનવા લાગ્યા છે કે પૈસો અને પાવર હોય તો આ દુનિયામાં બધું જ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. ધીરજનો ગુણ ધીમેધીમે ખોવાતો જાય છે. તમે સંતાનોને સારામાં સારી સુવિધા આપો, પરંતુ જો એનામાં ધીરજ નહીં હોય તો એ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ નહીં કરી શકે. જો ક્યારેક એમને સુવિધા મળે નહીં તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને અયોગ્ય વર્તન કરવા લાગે છે. જો એમને સમયસર ભોજન મળે નહીં એવી નાની અમસ્તી વાતમાં પણ તેઓ ડરી જાય છે અને નાસીપાસ પણ થઈ જાય એટલી ગંભીર પરિસ્થિતિ આવી ગઈ છે. સંબંધો ટકાવી રાખવામાં પણ તેઓ ઊણા ઊતરે છે. બીજાઓની સંપત્તિ જોઈને પોતે પણ ઝડપથી શ્રીમંત બનવાની હોડમાં લાગી જાય છે. પૈસા મળે નહીં તો ડિપ્રેશનમાં આવી જાય છે. ક્યારેક એ સ્થિતિમાં તેઓ આત્મહત્યા પણ કરી લે છે.

ધીરજની બાબતમાં એક નાનકડું ઉદાહરણ પણ આપવા જેવું છે. બાળક નાનું હોય ત્યારે એ જરાક રડવા લાગે ત્યાં જ એની માતા એને દૂધ પીવડાવવા લાગે છે અને પછી દૂધ પીવડાવ્યે જ રાખે છે. જોકે, બાળકને નિયમિત સમયાંતરે અને એ જ્યારે બરોબર ભૂખ્યું થાય ત્યારે જ દૂધ પીવડાવવું જોઈએ.

ધીરજ રાખ્યા વગર ધનવાન થવાની વૃત્તિને લીધે માણસો ખોટાં કામ કરવા લાગે છે. ખરી રીતે જોઈએ તો, ધીરજના ગુણથી જ મનુષ્ય જીવન ગૌરવશાળી બને છે.

ધીરજ સફળતા અપાવે એ નિશ્ચિત છે. અમે વર્ષ 2004માં સાવ નાના પાયે જોશ ફાઉન્ડેશનની સ્થાપના કરી. અમારો ઉદ્દેશ્ય શ્રવણશક્તિની ખામી બાબતે લોકોમાં જાગરૂકતા લાવવાનો હતો. મેં વર્ષ 2000માં ડેન્માર્કના એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટેક્નૉલૉજીની મદદથી અમે બાળકોને સાંભળતાં તો કરી શકીશું, પરંતુ એમ કરતી વખતે માતાપિતામાં વિશ્વાસ જગાવવો ઘણો જરૂરી છે. માતાપિતાએ પણ બાળકને અદ્યતન શ્રવણયંત્ર મળ્યા બાદ ધીરજ રાખીને એને સાંભળતાં અને પછી બોલતાં શીખવવું જોઈએ. અમે પણ આ કાર્ય ધીરજપૂર્વક કર્યું અને તેને લીધે જોશ ફાઉન્ડેશન મારફતે અમે 1300 કરતાં વધુ બાળકોને ડિજિટલ શ્રવણયંત્રો અપાવ્યાં છે અને અમને હજી પણ વધુ બાળકો સુધી પહોંચવા માટેનું ભંડોળ મળતું જાય છે. નીતિમત્તા અને ધીરજ રાખીને કરેલું કાર્ય સાર્થક ઠરે છે.

ધીરજનું સૌથી મોટું ઉદાહરણ સગર્ભાવસ્થાનું છે. મહિલા સગર્ભા બન્યા પછી કુદરત જ્યાં સુધી પ્રસૂતિ કરાવે નહીં ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવી પડે છે. બાળક જન્મ્યા પછી પણ એ ઘૂંટણિયે ચાલે, બોલવા લાગે, એને દાંત આવે, એ ચાલવા લાગે, એ બધી જ પ્રવૃત્તિઓ માટે રાહ જોવી પડે છે. એટલું જ નહીં, એને યોગ્ય ઉંમરે જ શાળામાં પ્રવેશ મળે છે. જો આ બધા કાર્યમાં ધીરજ રાખવામાં આવતી હોય તો બીજામાં કેમ નહીં? આજે એટલું જ કહેવાનું કે કારકિર્દીમાં ધીરજપૂર્વક આગળ વધો, રોજિંદા જીવનમાં ધીરજ રાખીને પરિવારજનો સાથે આનંદિત રહો, ધીરજ રાખીને સમાજ અને પ્રકૃતિ માટે કંઈક કરો, તો તમને પોતાને પણ ઘણું સારું લાગશે.

------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...