પ્રકૃતિનું રક્ષણ એ જ આપણા જીવનનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ

 પ્રકૃતિનું રક્ષણ એ જ આપણા જીવનનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ


કુદરત અને મનુષ્ય એકબીજાનાં પૂરક છે. પ્રકૃતિ માનવીને પોષણ આપે છે અને મનુષ્યો તેનું સંવર્ધન કરે છે. આપણે કુદરતથી જરાપણ અળગા નથી. એના વગર મનુષ્યજીવન સંભવ નથી. પ્રકૃતિના તમામ ઘટકો આપણને ઈશ્વરની સમીપ રહેવાની અનુભૂતિ કરાવે છે, જેમાં પક્ષીઓનો કલરવ, પવનનો સુસવાટો, દરિયાનાં મોજાંનો અવાજ, મોરને થનગાટ, વરસાદનાં છાંટાનો અવાજ, ફૂલોનાં રંગ અને સુગંધ, પતંગિયાંની સુંદરતા એ બધાનો સમાવેશ થાય છે. આથી જ જ્યારે પણ આપણે એ બધાની નિકટ જઈએ છીએ ત્યારે આપણને અવર્ણનીય આનંદની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે મનુષ્ય તરીકે સુખી રહેવા માટે આપણે એ બધી વસ્તુઓનું જતન અને સંવર્ધન કરવું જોઈએ. જળ વિના માછલી જીવી ન શકે એ જ રીતે કુદરત વિના આપણું જીવન શક્ય નથી. જો આપણે પ્રકૃતિને નુકસાન કરીએ તો પરોક્ષ રીતે આપણને જ નુકસાન થાય છે. કોરોના રોગચાળાએ આપણને આ વાત સમજાવી દીધી છે. એ જ રીતે હવામાનમાં આવી રહેલા ફેરફારો પણ તેનું પરિણામ છે.

આપણે કુદરત પાસેથી ઘણું શીખવાનું પણ છે. દા.ત. નદી ક્યારેય પોતાનું પાણી પીતી નથી, ઝાડ ક્યારેય પોતાનાં ફળ ચાખતાં નથી. એ જ રીતે આપણે પોતાના જીવનનો ઉપયોગ પોતાના માટે નહીં, પણ બીજાના માટે કરવાનો હોય છે. કોરોના હોય કે ન હોય, આપણે બીજા મનુષ્યોને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થવું જ જોઈએ.

કુદરત આપણને બગાડેલી બાજી સુધારવાની તક પણ આપે છે. મનુષ્ય હોય કે પશુ-પક્ષીઓ હોય, દરેક જીવને કુદરત પાસેથી ખોરાક-પાણી મળે છે. માણસ ભૂખ્યો ઊઠે છે, ભૂખ્યો સૂતો નથી. આ એક જ તથ્ય આપણને એ સમજાવવા પૂરતું છે કે કુદરતી રચના સાથે ચેડાં કરવાં જોઈએ નહીં. આપણે એને નુકસાન કરીએ એ બાબત પોતે બેઠા હોઈએ એ જ ડાળીને તોડવા સમાન છે.

નોંધનીય છે કે આપણે ગમે તેટલું કરીશું, કુદરતનું ઋણ ક્યારેય પૂરેપૂરું ચૂકવી નહીં શકીએ, કારણ કે તેની પાસેથી આપણને અઢળક વસ્તુઓ પ્રાપ્ત થયે રાખે છે.

કોરોનાના બીજા મોજા વખતે હૉસ્પિટલોમાં ઑક્સિજનની અછત સર્જાઈ ત્યારે આપણને સમજાયું કે કુદરત પાસેથી આપણને ચોવીસે કલાક મળતા ઑક્સિજનનું મૂલ્ય કેટલું છે.

કુદરતને કરેલા નુકસાનને લીધે જ જ્યાં ત્યાં ધરતીકંપ, કમોસમી વરસાદ, ભૂસ્ખલન, વાવાઝોડાં, વગેરે કુદરતી આપદાઓ આવે છે. જો આપણે પ્રકૃતિને નુકસાન કરવાનું બંધ નહીં કરે તો ડાયનાસોરની જેમ આપણે પણ પૃથ્વી પરથી નાશ પામીશું.

કુદરત જે કામ કરી શકે છે એ કામ મનુષ્યથી સંભવ નથી. આથી જ મનુષ્યે પોતાની તમામ પ્રવૃત્તિઓ કુદરતને નુકસાન થાય નહીં એ પ્રકારે જ કરવી જોઈએ. તેનું રક્ષણ એ જ આપણા જીવનનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ.

----------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...