ઉત્કૃષ્ટતાના પંથે આગળ વધો, પણ નીતિમૂલ્યોનું જતન કરીને
ઉત્કૃષ્ટતાના પંથે આગળ વધો, પણ નીતિમૂલ્યોનું જતન કરીને
તમે કૂનુર પર્યટન
સ્થળે જાઓ તો ત્યાંની મદ્રાસ રેજિમેન્ટની છાવણીમાં એનો મુદ્રાલેખ લખેલો છેઃ 'ઉત્કૃષ્ટતાના પંથે'. છાવણીની બહાર લખ્યું છેઃ "પોતાની ફરજ પર અવસાન થાય એ ગૌરવનો વિષય છે."
આ એક છાવણીની
મુલાકાત પરથી આટલી મોટી વાત જાણવા મળે છે, તો વિચાર કરો કે દેશનાં તમામ લશ્કરી
સ્થળોએ કેટલી બધી કામની વાતો જાણવા-જોવા મળશે! આપણાં લશ્કરી જવાનો દેશની રક્ષાના એકમેવ ધ્યેય સાથે
કામ કરે છે અને દેશ માટે કુરબાની આપવામાં ગર્વ અનુભવે છે.
જેઓ પોતાનાં બાળકોને
લશ્કરમાં મોકલવા ઈચ્છે છે તેઓ ખરેખર હિંમતવાળા કહેવાય. સામાન્ય માણસો દેશ મારા
માટે શું કરી શકે છે એવું વિચારતા હોય છે, જ્યારે લશ્કરી જવાનો પોતે દેશ માટે શું
કરી શકે છે એવું વિચારતા હોય છે. કોરોના રોગચાળાની સ્થિતિ પણ એમને અસર કરી શકી ન
હતી. એમને જોઈને મને પણ પ્રેરણા મળી છે અને હું પણ ઉત્કૃષ્ટતાના પંથે આગળ વધવા
માગું છું.
ભગવદ્ ગીતામાં પણ
ઉત્કૃષ્ટતાના માર્ગે જવા વિશે મહત્ત્વપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે. કર્મયોગી અને
જ્ઞાનયોગી એ બન્નેમાંથી કોણ વધારે મહત્ત્વનું છે એવું અર્જુને કૃષ્ણને પૂછ્યું
ત્યારે કૃષ્ણ કહ્યું હતું કે બન્નેનું સમાન મહત્ત્વ છે. અધર્મની સામે લડવા માટેનું
જ્ઞાન આપનાર અને અધર્મની સામે પ્રત્યક્ષ લડનાર એ બન્ને જણ સમાન મહત્ત્વ ધરાવે છે.
રામાયણની વાત કરીએ
તો, રામની સાથે શિક્ષણ પામેલા લક્ષ્મણે પણ ત્યાગ કર્યો હતો અને કોઈ જ ઔપચારિક
વિદ્યા પ્રાપ્ત નહીં કરનારા હનુમાને પણ ત્યાગ કર્યો હતો.
આપણા માટે ગૌરવની
વાત છે કે આપણા દેશમાં ઘણા કર્મયોગીઓ અને જ્ઞાનયોગીઓ થઈ ગયા છે.
મેં સાંભળ્યું છે કે
ફક્ત સાતમા ધોરણ સુધી ભણેલી એક વ્યક્તિએ પોતાના ગામમાં સૌને શિક્ષણ મળે એ માટે
પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. અન્ય એક વૃદ્ધાએ પર્યાવરણનું રક્ષણ કરવા
માટે લગભગ 30,000 વૃક્ષો વાવ્યાં છે. આપણા દેશે એમના કાર્યની નોંધ લીધી છે. આવા
બીજા અનેક લોકોના કર્તૃત્વની નોંધ લેવાની જરૂર છે.
કોરોના રોગચાળાને
કારણે બાળકોએ બે વર્ષ ઘરમાં રહેવું પડ્યું તેને કારણે ઘણું નુકસાન થયું છે. બીજી
બાજુ એમને સોશિયલ મીડિયામાં એટલી બધી માહિતી મળી રહી છે કે એમાંથી સાચા-ખોટા
વચ્ચેનો ભેદ પારખવાનું મુશ્કેલ બની ગયું છે. બીજી બાજુ આપણા જ દેશની 14 વર્ષની એક
કન્યાએ વિશ્વના નેતાઓ સમક્ષ પર્યાવરણના રક્ષણ માટે વક્તવ્ય આપ્યું હતું.
ઉક્ત મુદ્દાને
લક્ષમાં લેતાં એમ કહી શકાય કે આજની યુવા પેઠીને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવાની
જરૂર છે. એમને બધી ખબર છે, પરંતુ યોગ્ય દિશા બતાવવાની જરૂર છે. એમને ઉત્કૃષ્ટતાના
પંથે અગ્રેસર રહેવા માટે આદર્શ પૂરા પાડવાની આવશ્યકતા છે.
મારી નાની દીકરીએ
મને એક દિવસ પૂછ્યું કે દસ વર્ષમાં હું કયા મુકામે પહોંચવા માગું છું. એને મારો
જવાબ ખબર હતી, છતાં એણે પૂછ્યું હતું. મેં કહ્યું, દસ વર્ષ પછી હું અત્યારે છું
એના કરતાં વધુ સારી મનુષ્ય બનવા માગું છું. હું હજી વધારે શ્રવણમંદ બાળકોને મદદરૂપ
થવા અને એમનામાં આશાનો સંચાર કરીને એમને જીવનમાં પ્રગતિ કરવા માટે
પ્રેરણા-પ્રોત્સાહન આપવા માગું છું.
એક દિવસ બે યુવા મહિલા
ફેશન ડિઝાઇનરોને મળવાનું થયું એમને મેં આ જ સવાલ પૂછ્યું. એમાંથી એકે કહ્યું કે એ
ભારતની બહાર પોતાનું આઉટલેટ ખોલવા માગે છે અને બીજીએ કહ્યું કે પોતે સમગ્ર વિશ્વના
ફેશનના ટ્રેન્ડ વિશે જાણકારી ધરાવતી ડિઝાઇનર તરીકે ખ્યાતિ મેળવવા માગે છે અને
વિશ્વમાં બદલાતી ફેશન લાવવામાં યોગદાન આપવા માગે છે. આ બન્ને વ્યક્તિઓ કંઈક મોટું
કરવા ધારે છે એ જાણીને આનંદ થયો. એમના આ ધ્યેયમાં મારે એટલો જ ઉમેરો કરવો છે કે
તેઓ પોતાનું કામ નૈતિકતા સાથે કરે.
આપણે નીતિમૂલ્યોનું
જતન કરીને પ્રગતિ કરવાના આપણા વડવાઓએ આપેલા સંસ્કારોનું અનુસરણ કરવાનું છે એટલું
યાદ રાખીએ તો ઘણું.
-----------------
Comments
Post a Comment