સારું જીવન એ એક પ્રક્રિયા છે, અંતિમ મુકામ નહીં
સારું જીવન એ એક પ્રક્રિયા છે, અંતિમ મુકામ નહીં
વિશ્વાસે વહાણ ચાલે એ અમસ્તું જ નથી કહેવાયું. દરેક
સંબંધમાં અને દરેક સંવાદમાં વિશ્વાસ જરૂરી હોય છે. વિશ્વાસ હોય તો તમે સારી રીતે
જીવન જીવી શકો છો. સારું જીવન એ એક પ્રક્રિયા છે, અંતિમ મુકામ નહીં. વિશ્વાપૂર્વક
ભરેલું દરેક પગલું આપણી જીવનની પ્રક્રિયાને આનંદદાયક બનાવે છે.
વળી, કોઈ પણ પ્રક્રિયાને પોતાનો નિશ્ચિત સમય લાગતો
હોય છે. તમે દૂધમાં મેળવણ રાખ્યા બાદ એ આખી રાત એમને એમ પડ્યું રહે ત્યારે જતાં એ
દહીં બને છે. જો તમે ફ્રીજમાં મૂકી દો તો એ દહીં બને પણ નહીં. એટલું જ નહીં, દૂધને
થોડું નવશેકું કર્યા પછી એમાં મેળવણ ઉમેરવાનું હોય છે. આમ, તમે સંપૂર્ણ પ્રક્રિયા
કેવી રીતે કરો છો એના આધારે દહીંની ગુણવત્તા નક્કી થાય છે. વરસાદનું પાણી આખરે
સમુદ્રમાં ભળે છે, પરંતુ માર્ગમાં એ કેટકેટલીય જગ્યાએથી પસાર થાય છે.
જે માણસ કોઈ પરિવર્તન લાવવા ઈચ્છતો હોય એણે સમગ્ર
પ્રક્રિયા પર વિશ્વાસ રાખીને ચાલવાનું હોય છે અને મહેનત કરતાં જવું પડે છે. ભગવાન
રામે પણ 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો અને સીતાજીએ અગ્નિપરીક્ષામાંથી પસાર
થવું પડ્યું હતું. રામ પોતે ભગવાન હોવા છતાં એમણે રાવણના વધ સુધી પહોંચવા માટે ઘણી
જહેમત ઉઠાવવી પડી હતી અને વિશ્વાસપૂર્વક આગળ વધવું પડ્યું હતું. મહેનત અને વિશ્વાસ
વગર કોઈ કામ શક્ય બનતું નથી.
ભગવાન કૃષ્ણે પણ પોતાની જનેતાથી દૂર જવું પડ્યું
હતું. પછી રાધાથી વિખૂટા પડવાનો પણ પ્રસંગ આવ્યો.
દરેક મનુષ્યના જીવનમાં ઉતાર-ચડાવ આવ્યા કરતા હોય છે,
પરંતુ આપણે જીવનરૂપી પ્રક્રિયામાં વિશ્વાસ રાખીને ચાલતાં જવાનું હોય છે. અને
હા....આપણે પોતાનો ધર્મ બજાવતાં જવાનું હોય છે.
વર્તમાન સમયમાં દરેક માણસને બધું ઝડપથી જોઈએ છે.
રાતોરાત કરોડપતિ થવાથી માંડીને એક ટીકડી દવા લઈને સાજા થઈ જવાની ઈચ્છા રાખવા
સુધીની કેટલીય બાબતોમાં આપણને ઝડપી પરિણામ જોઈએ છે. આવા વખતે આપણે ભૂલી જઈએ છીએ કે
ઉતાવળે આંબા પાકતા નથી. તમે પ્રક્રિયાને અનુસરવાને બદલે સીધા પરિણામ પર નજર રાખો
તો સફળતા મળતી નથી. સતત પોતાનું કામ કર્યે રાખવાથી અને ઈશ્વર પર બધું છોડી દેવાથી
તમારાં કામ પાર પડી શકે છે. એ શ્રદ્ધા વગર જીવનમાં અસલામતી વધી જાય છે. આ વાસ્તવિકતા
તરફ ઘણા ઓછા લોકોનું ધ્યાન જાય છે.
દરેક જણ ઈશ્વરરચિત સુંદર જગતમાં પ્રક્રિયાને
અનુસરીને કામ કરે તો બધું સારું થાય છે. જોશ ફાઉન્ડેશનના માધ્યમથી અમારે ઘણાં
શ્રવણમંદ બાળકો સાથે કામ કરવાનું થાય છે. ટેક્નૉલૉજીની મદદથી આ બાળકોને સાંભળતાં
કરી શકાય છે, પરંતુ તેના માટે પણ સમય આપવો પડે છે. રાતોરાત કંઈ થઈ જતું નથી. અહીં
એક ખાસ વાત કહેવા જેવી છે. સામાન્ય બાળકોને પણ બોલવાનું શીખવામાં સમય લાગે છે.
બાળક નવ મહિનાનું થયા પછી ધીમેધીમે બોલતું થાય છે.
મને અત્યાર સુધી ઢગલાબંધ સારા માણસોનો સંપર્ક થયો છે
અને મેં મારાં માતાપિતા તથા ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા રાખીને કામ કર્યાં છે.
શ્રવણમંદ બાળકો સાથે કામ કરીને મને ઘણું સારું લાગ્યું છે અને એમને સારી રીતે
બોલતાં કરવાં એ મારા જીવનનું ધ્યેય પણ છે.
આ કહી રહી છું ત્યારે મને એક અનુભવ યાદ આવે છે.
વૈશ્વિક બધિર દિવસની આ વાત છે. એ વર્ષે આ દિવસ નવરાત્રિની અષ્ટમીના દિવસે આવ્યો
હતો. માતાજીના એક પંડાલમાં શ્રવણમંદ બાળકોને મહા આરતી માટે બોલાવવામાં આવ્યાં
હતાં. કેટલાક સેલિબ્રિટી પણ આ બાળકો સાથે મળીને આરતી કરવાનાં હતાં. મારે એ બાળકોને
પંડાલમાં લઈ જઈને એમની સાથે રહેવાનું હતું. છ મહાનુભાવો આરતી માટે આવવાના હતા,
પરંતુ કોઈક કારણસર આવી શક્યા નહીં. તેને કારણે મને 100 બાળકો સાથે મહા આરતી કરવાની
તક મળી. આને હું ચમત્કાર જ ગણું છું. આવા તો કેટલાય પ્રસંગો છે. શ્રવણમંદતા એ
પંગુતા નથી એ સૂત્રને હું દેશ-વિદેશમાં ઘરેઘરે પ્રચલિત કરવા માગું છું અને એને
સાર્થક કરવા માગું છું. આ કામ કરી શકવાની મને શ્રદ્ધા અને વિશ્વાસ છે.
---------
Comments
Post a Comment