ચાલો, જીવનના અનુભવોનું ભાથું બાંધીને પ્રબુદ્ધત્વ તરફ પ્રયાણ કરીએ
ચાલો, જીવનના અનુભવોનું ભાથું બાંધીને
પ્રબુદ્ધત્વ તરફ પ્રયાણ કરીએ
ગૌતમ બુદ્ધને જીવનનો
બોધ થયો અને એથી એમણે પ્રબુદ્ધત્વ પ્રાપ્ત કર્યું કહેવાય છે. સમગ્ર સૃષ્ટિની રચના
અને એમાં આપણા અસ્તિત્વ વિશેનો બોધ પ્રાપ્ત કર્યાની આ સ્થિતિ પામવાનો દરેક
મનુષ્યનો યત્ન હોવો જોઈએ. ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાપ્રભુજીએ કર્મ જ ધર્મ
છેનો સંદેશ આપ્યો છે. આ વિશ્વમાં પ્રેમ અને કર્મ એ બન્નેને સૌથી વધુ મહત્ત્વ
આપવાની વાત એમણે કરી છે.
બૌદ્ધ અને હિન્દુ
ધર્મમાં કહ્યું છે કે આ સૃષ્ટિ સાથે તમે એકરૂપતા અનુભવો ત્યારે તમારામાં કોઈ ઈચ્છા
બાકી રહેતી નથી અને ઈશ્વરે આપેલી સભાનતા જાગૃત થાય છે. ખ્રિસ્તી અને ઇસ્લામ
ધર્મમાં પણ કહેવાયું છે કે મનુષ્યમાં સભાનતા જાગૃત થાય ત્યારે પ્રભુ સાથે
તાદાત્મ્ય સધાય છે.
આજે સમય આવી ગયો
છે, જ્યારે આપણે પોતાના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરવો રહ્યો.
મહાપ્રભુજીએ આ
સૃષ્ટિનાં પાંચ તત્ત્વો – જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને અગ્નિની પણ વાત કરી હતી.
સૂર્ય ક્યારેય રજા લેતો નથી. હવામાં ઓક્સિજનનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે. તમામ
જીવોનું એક જીવનચક્ર ચાલતું હોય છે.
તેમણે એમ પણ કહ્યું
છે કે પોતાની પાસે જે છે એના પ્રત્યે પણ સભાન થવું જોઈએ. જો એ સભાનતા જાગૃત ન થાય
તો બધું ટૂંક સમયમાં ગુમાવી બેસવાનો વારો આવે છે.
મનુષ્યે પોતાના
પુરુષાર્થ વડે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની પ્રગતિ કરી છે તથા અનેક વસ્તુઓનું સર્જન
કર્યું છે. પણ શું આપણે વિચારીએ છીએ કે એક દિવસ સૂર્ય ઊગે નહીં તો શું થશે?
મનુષ્યે બંધ
બાંધ્યા અને વરસાદી જળસંચયની વ્યવસ્થા કરી, પણ જો આકાશમાંથી વરસાદ વરસે નહીં તો
શું થાય?
આપણે રેલવેના પાટા,
બિલ્ડિંગો, પરિવહનનાં સાધનો બધું બનાવ્યું, પણ જ્યારે ધરતીકંપ થાય અને ધરતી ધ્રૂજે
ત્યારે શું થાય છે?
આપણે સ્વાદિષ્ટ
વાનગીઓ બનાવીએ છીએ, પણ જો અગ્નિ સાથ આપે નહીં તો શું?
આપણે રોબોટ
વિકસાવ્યા છે અને હવે ઑટોમેશનનો જમાનો આવ્યો છે, પણ જો ભગવાન આપણને સાથ આપવાનું
બંધ કરી દે તો શું?
ભગવદ્ ગીતામાં
કહેવાયું છે કે પોતાની આસપાસ શું છે એનું ભાન નહીં રહે તો મનુષ્ય પોતાની સાથે,
પરિવાર સાથે, સમુદાય સાથે અને દુનિયા સાથે લડવા લાગશે.
એક દિવસ
મહાપ્રભુજીના જન્મસ્થળ ચંપારણની મુલાકાતે ગઈ હતી. મહાપ્રભુજી પ્રેમના સંદેશનો
પ્રસાર કરવા અનેક સ્થળોએ ગયા હતા. એમાં 84 સ્થળો ખાસ છે. તમે અન્ય મનુષ્યોને જેટલો
પ્રેમ આપશો એટલો જ તમને પણ મળશે એવો એમનો સંદેશ છે. ચંપારણમાં પ્રેમની સરવાણી સતત
વહ્યા કરે છે. છ માણસો જમે કે 600 જમે, અહીં ક્યારેય ભોજનની ખોટ પડતી નથી. મહાપ્રભુજીનું
ચૈતન્ય હજી આ સ્થળે અનુભવાય છે. હું ફરી એક વખત બીમારીમાંથી સાજી થયા બાદ ત્યાં ગઈ
હતી. મને ત્યાં દીવાલ પર લખેલું દેખાયું, "મનુષ્ય તું શીદને ચિંતા કરે છે?" એ જ વખતથી મારી
વિચારપ્રક્રિયા બદલાઈ ગઈ. આવાં સ્થળો સદા સકારાત્મક ઊર્જાનો ફેલાવો કરતાં હોય છે.
આવી જ એક બીજી જગ્યા ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે. એ મથુરાથી ફક્ત 45 કિ.મી.ના
અંતરે છે. ત્યાં એક વટવૃક્ષ છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ત્યાં ગાય ચરાવવા જતા
અને વાંસળી વગાડતા. ત્યાં રહેનારા લોકોને હજીય વાંસળીના સૂર સંભળાય છે. ઘણા
વિજ્ઞાનીઓએ ત્યાં સંભળાતા સૂર વિશે સંશોધન કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ
લૌકિક વસ્તુ દેખાઈ નથી.
આવા બધા અનુભવોએ મને સમૃદ્ધ કરી છે. મેં મારા અનુભવોને શ્રવણમંદ બાળકોને
મદદ કરવામાં ઉપયોગમાં લીધા છે. સકારાત્મકતાના પ્રસારમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભગવાનના આશીર્વાદથી આપણે પોતાનો અને બીજાઓનો ભાર હળવો કરી શકીએ છીએ.
ક્યારેક કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો એને પણ કસોટી સમજીને સ્વીકાર કરી લેવો. તેનાથી
આપણે વધારે મજબૂત થઈએ છીએ. ચાલો, જીવનના બધા અનુભવોનું ભાથું બાંધીને પ્રબુદ્ધત્વ
તરફ પ્રયાણ કરીએ.
------------------------------------
Comments
Post a Comment