આપણે દુનિયાને જેટલું સુખ આપશું એટલું જ પાછું પણ મળશે

આપણે દુનિયાને જેટલું સુખ આપશું એટલું 


જ પાછું પણ મળશે  

 

મેં ક્યાંક વાંચ્યું હતું, તમારી આવડત ભગવાને તમને આપેલી ભેટ છે. તમે એ આવડતની મદદથી કયું સારું કામ કરો છો એ તમે ભગવાનને આપેલી ભેટ છે.”  

અત્યારે વિશ્વભરમાં જોઈ શકાય છે કે લોકોની રચનાત્મકતા ચરમસીમાએ છે. ભગવાને આપણને બ્લેક ઍન્ડ વ્હાઇટ ટીવી આપ્યું હતું, હવે આપણે એમાં નવા રંગ ઉમેરી રહ્યા છે. આ રંગ લાગણીઓના, કૌશલ્યના, વિચારોના અને આપણી રચનાઓના હોઈ શકે છે.  

જાપાનની એક રેસ્ટોરાંમાં માછલીની એક વાનગી છેલ્લાં 80 વર્ષોથી અલગ અલગ રીતે બનાવવામાં આવી રહી છે. આ રેસ્ટોરાંમાં દર વખતે એ વાનગીનો રંગ અલગ હોય છે. તેનો સ્વાદ એવો ને એવો જ છે, પણ રંગ દર વખતે બદલાય છે. તેને કારણે લોકોનું તેના પ્રત્યેનું આકર્ષણ ટકી રહ્યું છે. કોઈકે એ વાનગી વિશે પૂછ્યું હતું કે શું તમે એકની એક વાનગી બનાવીને કંટાળી ગયા નથી?” એમને જવાબ મળ્યો, અમે દરરોજ અમારી કુશળતાનો અને નવા વિચારોનો ઉપયોગ કરીએ છીએ. એને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય એવો જ અમારો પ્રયત્ન હોય છે. એક જ કામને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય તેનો આ ઉત્તમ નમૂનો છે. તેના પરથી કહી શકાય કે આપણને મળેલી આવડતમાં આપણે જાતે જ નવા રંગ ભરી શકીએ છીએ અને જીવનને વધુ સુંદર બનાવી શકીએ છીએ.  

પુષ્ટિમાર્ગમાં ભગવાન કૃષ્ણનાં દર્શન દિવસમાં આઠ વખત કરવામાં આવે છે. મહાપ્રભુજીના ઉપદેશ અનુસાર અલગ અલગ વિચારો, લાગણીઓ સાથે આઠ દર્શન કરવામાં અને કરાવવામાં આવે છે. તેમાં ભગવાન કૃષ્ણના જીવનના વિવિધ રંગ દેખાય છે. તેમાં તમને યશોદા, રાધા, ગોવાળો, ગોપીઓ, વગેરે પ્રત્યેના કૃષ્ણના પ્રેમની ઝાંખી થાય છે.  

મંગળા દર્શન સાથે શરૂઆત થાય છે. તેમાં માતા યશોદા કૃષ્ણને લાડપૂર્વક ઊંઘમાંથી ઉઠાડે છે. યશોદા દરરોજ એમનો નવો શ્રૃંગાર કરે છે. તેને શ્રૃંગાર દર્શન કહેવામાં આવે છે. કૃષ્ણ ગાય ચરાવવા જાય એને ગ્વાલા દર્શન કહેવાય છે. ત્યાર પછી આવે છે ભોજનનો સમય. એને રાજભોગ દર્શન કહેવામાં આવે છે. પછી કૃષ્ણ વામકુક્ષી કરે છે અને રાધા સાથે થોડો સમય વિતાવે છે અને વાંસળી વગાડે છે. એને ઉત્થાપન દર્શન કહેવાય છે. પછી કૃષ્ણ ગોપીઓમાં સૂકો મેવો વહેંચીને પાછા ઘરે આવે છે. એને ભોગ દર્શન કહેવામાં આવે છે. ત્યાર બાદ તેઓ માતા યશોદા પાસે પાછા ફરે છે અને એમની આરતી થાય છે. એ આરતી દર્શન તરીકે ઓળખાય છે. ત્યાર પછી કૃષ્ણ માતાપિતા સાથે સમય વિતાવીને વાળુ કર્યા બાદ પોઢવા જાય છે. એને શયન દર્શન કહેવામાં આવે છે. આમ, રોજિંદી પ્રવૃત્તિઓમાં વિવિધ રંગ ભરવાનું માહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. એ ક્રિયા દરરોજ એવી રીતે કરવામાં આવે છે કે દરરોજ એમાં નવીનતા અને તાજગી હોય છે.  

આપણે જીવનના એકેએક દિવસને ઊજવવાનો હોય છે. ભગવાન કૃષ્ણ તો એમના મિત્રો અને ભક્તો સાથે લગભગ એક મહિના કરતાં વધુ સમય સુધી હોળી રમતા. આ બધા રંગ આપણને એવું પ્રતીત કરાવે છે કે ભગવાન હંમેશાં આપણી સાથે છે. આપણે ભગવાનનાં આ આઠ દર્શન પરથી બોધ લઈને પરિવાર સાથેના વ્યવહારમાં રંગ ભરી શકીએ છીએ.  

આપણી સંસ્કૃતિમાં મંદિરે દર્શન કરવા જવાનો મહિમા ઘણો જ છે. આથી જ આપણામાં પ્રભુ પ્રત્યેની પ્રીતિ ક્યારેય ઓછી થતી નથી અને તેથી જ આપણા જીવનના રંગ કદી સુકાતા નથી. મંદિરે જઈને આપણને માનસિક શાંતિ અનુભવાય છે. ત્યાંનો પ્રસાદ લઈને આપણે તૃપ્ત થઈએ છીએ. આ બધું બીજું કંઈ નહીં, પણ સકારાત્મકતા છે. આ જ સકારાત્મક ઊર્જા સાથે રાખીને આપણે જીવનમાં ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ ભરવાનો હોય છે.  

મેં શ્રવણમંદ બાળકો સાથે કામ કરીને જોયું છે કે ટેક્નૉલૉજીની મદદથી એમના જીવનમાં રંગ ઉમેરી શકાય છે. એ કામ કરવાથી મારા જીવનમાં પણ રંગ ભરાય છે. જોશ સંસ્થાએ શ્રવણમંદ બાળકો માટે ખેલકૂદ સ્પર્ધા યોજીને નવા રંગ ઉમેર્યા છે. અમે એ વખતે અલગ અલગ વયજૂથ પ્રમાણે અલગ અલગ રંગનું ટી-શર્ટ આપ્યું હતું. તેનાથી પ્રસંગની શોભા ઘણી વધી ગઈ હતી.  

આપણે જીવનમાં ખરેખર તો કોઈ ચિંતા કરવાની કે ગુનાહિત ભાવ રાખવાની જરૂર નથી. જીવનને માણીને એમાં નવા રંગ ઉમેરવાના છે. તેમાં પ્રભુને સાથે રાખવાના છે. આપણે દુનિયાને જેટલું સુખ આપશું એટલું જ પાછું પણ મળશે.  


Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...