દરેક વ્યક્તિને ખીલવા માટે મોકળાશ-સ્વતંત્રતા જોઈતી હોય છે
દરેક વ્યક્તિને ખીલવા માટે મોકળાશ-સ્વતંત્રતા
જોઈતી હોય છે
એક વખત મેં કલ્પના કરી હતી કે જો આપણા અવયવો એકબીજા સાથે વાતચીત કરતા હોય તો શું કહેશે. કાન એમ કહેશે કે હું બધાને શ્રવણશક્તિ આપું છું, આંખ કહેશે મારા લીધે લોકો જોઈ શકે છે, નાક કહેશે બધા જીવ મારા થકી સુગંધ માણી શકે છે, મગજ કહેશે કે હું જ લોકોને વિચારશક્તિ આપું છું અને હૃદય કહેશે કે મારા કારણે જ લોકોને લાગણીઓ અનુભવાય છે. તેઓ એમ પણ કહેશે કે આપણે બધા એકબીજાથી સ્વતંત્ર રહીને કામ કરીએ છીએ, પરંતુ આપણને ટકી રહેવા માટે એકબીજાના સહારાની જરૂર પડે છે. બધી ઇન્દ્રિયો એકબીજાને કેવી રીતે સ્વતંત્રતા અને મોકળાશ આપે છે એના વિશે વાત કરે તો શું કહેશે એવો પણ વિચાર આવ્યો છે. હૃદય કહેશે, મને હંમેશાં સકારાત્મક લાગણીઓ જ અનુભવાય છે. એની વાત સાંભળીને આંખ, કાન અને નાક કહેશે કે હૃદય બધે સકારાત્મક લાગણીઓ જન્માવતું હોવાથી તેઓ પણ સકારાત્મકતાનો અનુભવ કરે છે. મગજ કહેશે મારામાં લાગણીઓ નથી, પરંતુ જો મને હૃદય મારી રીતે લાગણીઓ અનુભવવાની સ્વતંત્રતા આપે તો હું સકારાત્મક જ વિચાર કરીશ. આ સંવાદના આધારે એમ લાગે છે કે મનુષ્યના આત્માને સ્વતંત્રતા અને મોકળાશ વધારે ગમે છે.
આજે પાછું ભગવાન કૃષ્ણનું એક ઉદાહરણ લઈએ. એમનાં માતાપિતાએ એમને રાજકુંવર તરીકેના બધા ધર્મ નિભાવવાનું શિક્ષણ આપ્યું હતું. એ બધું શીખ્યા બાદ પણ નિર્દોષતા, નમ્રતા, સ્વતંત્ર વિચાર અને જેમને જરૂર હોય એવા લોકોને મદદ કરવાના ગુણ પણ એમણે યાદ રાખ્યા. એમની અનેક બાળલીલાઓમાં એનો પરિચય થાય છે. એમણે સામાન્ય બાળકની જેમ સજાનો પણ સ્વીકાર કર્યો અને નીતિ-નિયમોનું પાલન કરવાનો બોધ આપ્યો. તેઓ મસ્તી કરતા, પરંતુ સાથે સાથે માતાનો આદર કરતા અને ગોપ-ગોપીઓ સાથે એમના જેવા બનીને રહેતા.
લાંબી પ્રતીક્ષા પછી સંતાનપ્રાપ્તિ કરનાર એક યુગલ એક વખત મારી પાસે આવ્યું હતું. એમને એકનું એક બાળક હતું. બાળક અઢી વર્ષનું થયું ત્યાં સુધી બોલતાં શીખ્યું ન હતું. માતા બાળકને પોતાનાથી વળગાડીને જ રાખતી હતી, ક્યાંય જવા દેતી ન હતી. એ પોતે પણ બાળકને બગીચામાં રમવા લઈ જતી નથી. મનુષ્ય તરીકે સૌને સ્વતંત્રતા અને મોકળાશ જોઈતી હોય છે એ વાત મેં એમને સમજાવી. વાલી તરીકે તમારે ફક્ત ધ્યાન રાખવાનું હોય છે, બાકી એને જાતે દુનિયા શીખવા-સમજવા દેવાની જરૂર હોય છે. એ બાળકને કાનમાં મેલ હોવાને કારણે બરોબર સંભળાતું ન હતું અને તેથી એ બોલતું ન હતું. કોરોનાનાં બે વર્ષ બાદ એ માતા મને મળવા આવી અને મારો આભાર માન્યો. હવે બાળક પણ ખુશ છે અને માતા પણ.
દરેક બાબતમાં સકારાત્મક અભિગમ અપનાવીને અને ભગવાનમાં શ્રદ્ધા રાખીને તમે જીવનને આનંદમય બનાવી શકો છો. બીજાને સ્વતંત્રતા આપવાથી પોતે પણ એનો અનુભવ કરી શકો છો એટલું યાદ રાખવું.
Comments
Post a Comment