શું તમે કુદરત અને ઈશ્વર સાથે મૈત્રી કરી છે?
શું તમે કુદરત અને ઈશ્વર સાથે મૈત્રી કરી છે?
ચંદ્ર અને તારાને તથા સમુદ્ર અને વાદળાંને એકબીજાના મિત્રો ગણી શકાય. આ જ રીતે પ્રકૃતિ અને મનુષ્ય પણ એકબીજાના ઉત્તમ મિત્રો છે.
પ્રાચીન સમયમાં રામ પોતાના ભાઈના ઉત્તમ મિત્ર જેવા હતા અને હનુમાનજી ઉત્તમ સેવક હતા. આ જ રીતે કૃષ્ણ પાંડવોના, ખાસ કરીને અર્જુનના ઉત્તમ મિત્ર હતા.
કૃષ્ણને તો અનેક બીજા મિત્રો પણ હતા. સુદામા સાથેની એમની મૈત્રી વિશે આજે પણ આપણે વાત કરીએ છીએ. બાળપણમાં ગોપ-ગોપીઓ એમના મિત્રો હતા.
કૃષ્ણલીલાની બધી વાતોમાં આપણે જોઈ શકીએ છીએ કે એમણે મિત્ર તરીકેની ફરજ સારી રીતે નિભાવી હતી.
મનુષ્ય જ્યારે પ્રકૃતિ પ્રત્યેની દોસ્તી નિભાવે ત્યારે એને દવાની જરૂર રહેતી નથી. કુદરતને નુકસાન કરવામાં આવે ત્યારે કોરોના જેવા રોગચાળા આવે છે. જૂના સમયમાં પ્રકૃતિ સાથેનો નાતો ગાઢ હતો અને તેથી બીમારીઓ ઓછી હતી. આજે નાની-નાની વાતોમાં ડૉક્ટર પાસે દોડી જવું પડે છે, કારણ કે કુદરત સાથેનો આપણો સંબંધ ક્ષીણ થતો જાય છે. આપણે પોતાના મિત્રો, સ્વજનો સાથે ખૂલીને વાત કરતા નથી, જેને પરિણામે આપણને યોગ્ય ઉપાયો મળતા નથી.
મારી મોટી દીકરી દસમા ધોરણમાં હતી ત્યારે દસમા પછીના અભ્યાસ વિશે અમે વાતો કરતા. બીજા બધા વાલીઓની જેમ મારા પતિએ પણ દીકરી માટે દસમા ધોરણ પછીના અભ્યાસ વિશે ઘણાં સૂચનો મેળવ્યાં. વધુ સ્પષ્ટતા માટે અમે એક કાઉન્સેલર પાસે ગયા. એમણે ઉપયોગી સૂચનો કર્યાં અને એના ભવિષ્ય માટેનો પ્લાન તૈયાર કરી આપ્યો. કાઉન્સેલર સાથે વાત કર્યા પછી અમે એમને 10,000 રૂપિયાની ફી આપી. આજથી દસ વર્ષ પહેલાંની આ વાત છે. એ વખતે એ રકમ ઘણી મોટી હતી. દીકરીને જ્યારે આ ફી વિશે ખબર પડી ત્યારે એણે મારા પતિને કહ્યું, "આના કરતાં તો મમ્મી વધારે સારું કાઉન્સેલિંગ કરે છે, તમારે એને આ પૈસા આપવા જોઈએ." ઘણી વાર આપણે પોતાનું મહત્ત્વ સમજી શકતા નથી. આવા પ્રસંગોને કારણે આપણને એ મહત્ત્વ સમજાય છે. આથી, હું કહેવા માગું છું કે બાળકોની સાથે મિત્ર બનીને રહીને આપણે એમની ઘણી મદદ કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે બીજા બધા કરતાં આપણે પોતાનાં સંતાનોને વધુ સારી રીતે ઓળખીએ છીએ. પરિવાર તરીકે એકબીજાનો સધિયારો બનીને રહીએ, સાથે મળીને નિર્ણયો લઈએ તો સમગ્ર પરિવારનું શારીરિક અને માનસિક આરોગ્ય સચવાઈ રહે છે.
મારા પતિ સાથે પહેલાં મારી મિત્રતા થઈ હતી અને પછી લગ્ન થયાં હતાં. અમે હંમેશાં એકબીજાની સાથે સુખ-દુઃખની વાતો કરતાં રહીએ છીએ. બાળકોના ઉછેર બાબતે પણ અમે સાથે મળીને નિર્ણયો લીધા છે. અમારાં બાળકો પણ જાણી ગયાં છે કે અમારામાંથી એક જણ હા કે ના કહે તો બીજાનો પણ એ જ મત હોવાનો.
આજકાલ હું જ્યારે પણ માતાપિતાઓ સાથે વાત કરું છું ત્યારે જોવા મળે છે કે જો માતાપિતા ના પાડે તો એમનાં દાદા-દાદી હા પાડતાં હોય છે અને લાડ લડાવતાં હોય છે. આવામાં બાળકો જિદ્દી બને છે અને નિષ્ફળતા પચાવી શકતાં નથી. જો માતાપિતા એક સાથે મળીને ઉછેર કરે તો બાળકોને કોઈ જ માનસિક સમસ્યા નડતી નથી.
અર્જુનની જેમ પણ ભગવાન કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા રાખી છે અને તેનો મને લાભ થયો છે. આજે હું મારાં માતાપિતા જોડે પણ મિત્રની જેમ જ વાત કરી શકું છું.
ક્યારેક એવું બનતું હોય છે કે ઘણા બધા મિત્રોમાંથી કોણ ખરું મિત્ર છે એ ઓળખવાનું મુશ્કેલ બની જાય છે. મને લાગે છે કે જે મિત્રો કોઈ પણ અપેક્ષા વગર મૈત્રી નિભાવે એ જ ઉત્તમ મિત્રો હોય છે. તેઓ આપણા મુશ્કેલ સમયમાં આપણા માટે પ્રાર્થના કરતા હોય છે. તેઓ આપણા સુખમાં સુખી અને દુઃખમાં દુખી હોય છે.
આપણી સાથે સાથે મોટા થયા હોય એ જ ફક્ત મિત્રો હોય છે એવું નથી. આપણાં માતાપિતા, જીવનસાથી, સંતાનો, સહ-કર્મચારીઓ, બોસ, પાડોશી, એ બધા પણ મિત્રો બની શકે છે. ઘણી વાર તો સાથે પ્રવાસ કરનારાઓ સાથે પણ મિત્રતા કેળવાય છે. આ બધાં કુદરતી ઋણાનુબંધ હોય છે. જેમની સાથે વિચારો મળતા હોય અને જેમની સાથે રહેવાથી સકારાત્મક ઊર્જાનો અનુભવ થતો હોય એ વ્યક્તિ આપણી મિત્ર બની શકે છે.
આપણા પૂર્વજોએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો તમે વનસ્પતિ સાથે પણ મિત્ર તરીકે વાત કરશો તો તેઓ સાંભળશે. ભગવાનને પણ જો મિત્ર ગણીને એની સાથે આપણી લાગણીઓ વ્યક્ત કરીશું તો એ પણ મિત્ર બનીને આપણી પ્રાર્થના સાંભળશે.
Comments
Post a Comment