શિક્ષકો છે આપણા સાન્તાક્લોઝ
શિક્ષકો છે આપણા સાન્તાક્લોઝ
સાન્તાક્લોઝ ફક્ત પશ્ચિમી જગતના નહીં, પરંતુ સમગ્ર વિશ્વના બની ગયા છે. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાં પણ 'સિક્રેટ સાન્તા' નામની પદ્ધતિ પ્રચલિત થઈ છે, જેમાં ભેટ આપનારનું નામ જણાવ્યા વગર ભેટની આપ-લે કરવામાં આવે છે. આવા સમયે ભારતીય પરંપરાનો પણ વિચાર આવે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુ, જેઓ આપણને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભણાવે છે, આપણને શિક્ષણની ભેટ આપે છે, તેઓ પણ સિક્રેટ સાન્તા જ છે. આપણા વડવાઓએ આપણને શીખવ્યું છે એ આ વિશ્વમાં આપણા આદ્ય દેવતા, માતા પિતા અને આધ્યાત્મિક ગુરુઓ તથા શિક્ષકોનો આદર કરવો જોઈએ, કારણ કે તેઓ બધા આપણને યોગ્ય રાહ ચિંધે છે. આપણે વિશ્વમાં ગમે તેટલા મોટા થઈએ પરંતુ એની પાછળ સૌથી મોટું પરિબળ તો શિક્ષકોએ આપણને આપેલી શિક્ષણની ભેટ છે.
ભગવાન શ્રીકૃષ્ણને પણ ગુરુઓ જ્યારે ભણાવતા હતા ત્યારે એમને પૂરેપૂરી ખબર હતી કે ધર્મનું રક્ષણ કોણ કરવાનું છે. ભગવાન કૃષ્ણ અને સુદામાના ગુરુ એક જ હતા. તેઓ બંને મિત્રોને અમુક કામ સોંપતા. વનમાં જઈને પ્રાણીઓનો અભ્યાસ કરવો એ કામ એમને સોંપવામાં આવતું. બંનેને એક સમાન ભાથું બાંધી આપવામાં આવતું, પરંતુ સુદામાની ભૂખ એટલી તીવ્ર હતી કે તેઓ ભગવાન કૃષ્ણના ભાગનું ભાથું પણ ખાઈ લેતા હતા. કૌરવો અને પાંડવો પણ એ શિક્ષકો પાસે ભણ્યા હતા. ગુરુઓએ કહ્યું હતું કે જો એમના વિદ્યાર્થીઓ ભણતરનો યોગ્ય ઉપયોગ નહીં કરે તો તેઓ વાદ-વિવાદમાં અટવાઈ જશે. એમની આગાહી સાચી પડી.
ગુરુ વિશે ઘણું બધું કહેવાયું છે પરંતુ આજના દિવસે એમ જ કહી શકાય કે તેઓ આપણા જીવનના વાસ્તવિક સાંતા ક્લોઝ છે. તાજેતરમાં મારી શાળા - નવ સમાજ મંડળનો 70 મો વાર્ષિક દિવસ ઉજવાયો. આ શાળા લાયન્સ જૂહુ હાઈસ્કૂલ અથવા ચેતન હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાય છે શાળાનાં અમારાં આચાર્યં આદરણીય ઇન્દુબેન પટેલ 94 વર્ષની ઉંમરે આ વાર્ષિક પ્રસંગે ઉપસ્થિત હતાં. એમને જોઈને તરત જ સાન્તાક્લોઝ યાદ આવે. શાળા તરફથી એમનું બહુમાન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ કાર્યક્રમ યોજ્યો એ એમને ઘણું ગમ્યું એમણે શાળાના મોટાભાગના વર્તમાન શિક્ષકોનો પણ પરિચય કર્યો અને શિક્ષકોને સલાહ આપી કે તેઓ આત્મવિશ્વાસ કેળવે અને બાળકોને ભણાવવા પાછળ ઘણી મહેનત કરે. શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓને એક તાંતણે બાંધવાનું છે કારણ કે વિદ્યાર્થીઓ અલગ અલગ પાર્શ્વભૂ, સંસ્કારો, સંસ્કૃતિ અને વાતાવરણમાંથી આપતા હોય છે. શિક્ષકો કોઈપણ પૂર્વગ્રહ રાખી શકે નહીં.
હું ભણતી હતી ત્યારની વાત મને યાદ આવે છે. અમારાં ઇન્દુબેન કહેતાં કે દરેક વિદ્યાર્થીને પોતાની રુચિ અનુસાર ભણવાની તક મળવી જોઈએ. એમને શિક્ષણ હોય કે ખેલકૂદ હોય કે અન્ય પ્રવૃત્તિઓ હોય, તેમની ઈચ્છા મુજબ ભાગ લેવા દેવો જોઈએ. અમારાં આચાર્યા ઇન્દુબેન પણ આ જ મત ધરાવતાં હતાં.
આજે ગર્વપૂર્વક કહી શકાય કે અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પ્રતિષ્ઠિત ડોક્ટરો, ખ્યાતનામ હસ્તીઓ અને સમાજના પ્રબુદ્ધ વર્ગમાં બિરાજમાન છે. ઇન્દુબેન એટલે કે અમારા સાન્તાક્લોઝ શિસ્તના આગ્રહી હતાં અને સાથે સાથે પ્રેમાળ પણ હતાં. તેઓ 94 વર્ષની ઉંમરે કાર્યક્રમમાં આવ્યા. તેઓ હજી પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. આ પ્રસંગે અનેક વિદ્યાર્થીઓએ પોતપોતાની યાદગીરી વ્યક્ત કરી હતી. મને પોતાને પણ એક વિદ્યાર્થીનો કિસ્સો યાદ આવે છે. એ વિદ્યાર્થી આજે ફિલ્મ સ્ટાર છે. સ્કૂલમાં ભણતા ત્યારે એને એક દિવસ ધ્વજવંદન માટે બોલાવવામાં આવ્યો. એ લઘરવઘર આવ્યો હતો, પણ આચાર્યા ઇન્દુબેને એને યોગ્ય રીતે પોશાક પહેરીને આવવાનું કહ્યું હતું. રાષ્ટ્રધ્વજનું માન રાખવું જોઈએ એ જ એમનો આગ્રહ પાછળનો હેતુ હતો.
અમારી શાળા ગુજરાતી માધ્યમની હતી અને ઇન્દુબેન અમારા અંગ્રેજીનાં શિક્ષિકા હતા. એમણે એટલું સરસ અંગ્રેજી શીખવ્યું કે આજે અમારા વ્યાવસાયી જીવનમાં એનો અમને ઘણો જ ઉપયોગ થઈ રહ્યો છે. મને જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર માનવવાદી એવોર્ડ મળ્યો અને એને બધા સમક્ષ મેં વક્તવ્ય આપ્યું એ પ્રસંગે ઇન્દુબેન ખૂબ જ રાજી થયાં હતાં. એમણે હંમેશાં ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા રાખી છે અને અને બાળકોને ભણાવ્યાં છે. એક દિવસે મને શાળામાં બોલાવીને બધા વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને મારો દાખલો આપતાં કહ્યું કે મહેનત કરનાર માટે કંઈ પણ મુશ્કેલ નથી. થોડા સમય પહેલા હું જ્યારે એમને મળવા ગઈ ત્યારે મને પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો કે તે પ્રકાશિત કરેલું તારું અંગ્રેજી પુસ્તક ક્યાં છે. આવા આ શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં કચાશ રાખી નથી. હું આદરણીય આચાર્યા ઇન્દુબેન તથા તમામ શિક્ષકોને વંદન કરું છું.
Comments
Post a Comment