જીવનની નાની-નાની વાતોમાં ખુશી-સુખ અનુભવો

 જીવનની નાની-નાની વાતોમાં 

ખુશી-સુખ અનુભવો  


કોઈ પણ પરિસ્થિતિમાં આનંદિત રહો, જે કરો એમાં ખુશ રહો, પોતાની પાસે છે એનાથી સંતુષ્ટ રહો, તમે જીવતા છો એ એક હકીકત તમારા પ્રસન્ન રહેવા માટે પૂરતી છે, હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ પણ ખુશીની જ વાત છે. આવાં અનેક વિધાનો આપણને સાંભળવા મળે છે, પરંતુ મને વિચાર આવે છે કે આપણામાંથી કેટલા લોકો આ બાબતે શાંતિપૂર્વક વિચાર કરીને ખરેખર સુખી-ખુશ રહે છે.  

આજકાલની ભાગદોડભરી જિંદગીમાં ખુશ રહેવાનું અઘરું બની રહ્યું છે ત્યારે એના માટે સભાનતાપૂર્વક પ્રયાસ કરવા જરૂરી બની રહે છે.  

જો તમે કુદરતી ઘટનાઓ-પરિબળોનું બારીકીપૂર્વક નિરીક્ષણ કરો તો તમને ઘણું શીખવા મળી શકે છે. સમુદ્રમાં ક્ષણભર માટે જ મોજાં કાંઠે આવે છે. એવા વખતે એમાં છબછબિયાં કરીને મોજ કરી લેવી જોઈએ. આ જ આજની આપણી વાતનો મુખ્ય મુદ્દો છે. દરેક પરિસ્થિતિમાં જ્યારે મળે, જેટલી મળે એટલી ખુશી પ્રાપ્ત કરી લેવી જોઈએ. પતંગિયાં પણ સતત બાગમાં ફર્યા કરતાં હોય છે અને એક ફૂલમાંથી ક્ષણભરમાં મધ લઈને ઊડી જાય છે. પક્ષીઓ પણ ચણ ચણીને પાછાં તરત ઊડી જાય છે.  

તમે જોયું હશે કે કુદરત અને કુદરતી વસ્તુઓમાં ક્યારેય સુખની કમી હોતી નથી; આપણે મનુષ્યો જ નાની-નાની બાબતોમાં આનંદ પામવાનું ચૂકી જાય છે.  

કૌરવો અને પાંડવો બધા જ કૃષ્ણના મિત્રો હતા, પરંતુ બધાને ખબર છે કે અર્જુન સૌથી વધુ નિકટ હતા. રુક્મિણી પણ વિચાર કરતાં કે રાધાજીનું કૃષ્ણ સાથેનું સખ્ય આટલું ગાઢ કેમ છે આપણે જીવનની અદભુત ક્ષણોને માણી શકતા નથી, કારણ કે આપણે સતત વિચાર કરતા હોઈએ છીએ, સતત બીજાઓ સાથે પોતાની તુલના કરતા હોઈએ છીએ. અન્યો પાસેથી શીખવા માટે આપણે ઉત્સાહી નથી. ક્યારેક આપણે ફક્ત લોકોનું ધ્યાન પોતાના તરફ દોરવા માટે અમુક રીતે વર્તીએ છીએ, નિજાનંદ માટે નહીં.  

ભગવાન કૃષ્ણે નાની-નાની પ્રવૃત્તિઓમાં આનંદ માણવાનું આપણને શીખવ્યું છે. એમણે મટકીમાંથી માખણ ઉપાડી લેવું, ગોવાળો સાથે રમવું, ગાયો ચરાવવી, ગાયો સાથે ગોઠડી કરવી, ઝાડની પાછળ સંતાઈ જવું, વગેરે અનેક લીલાઓ કરીને પોતે આનંદ કર્યો અને બીજાઓને પણ કરાવ્યો. આમાંથી કેટલીક લીલાઓમાં એમની મસ્તી હતી, પરંતુ એ મસ્તી પણ મનથી સૌને ગમતી હતી.  

આપણે જ્યારે મનુષ્યોમાંથી વિશ્વાસ ગુમાવી દઈએ છીએ ત્યારે ભગવાનમાંથી પણ આપણી શ્રદ્ધા ઓછી થતી જાય છે. આપણે પોતાને બદલે બીજાઓની સમીક્ષા કરતા હોઈએ છીએ. આજની તારીખે આપણો મોટાભાગનો સમય ટેક્નૉલૉજિકલ ગેજેટ્સનો ઉપયોગ કરવામાં વીતે છે. એમાંથી ઘણી વસ્તુઓ બિનજરૂરી હોય છે.  

થોડા વખત પહેલાં હું સલૂનમાં ગઈ હતી. ત્યાં બે સખીઓ હેર મસાજ કરાવી રહી હતી. તેઓ મસાજનો આનંદ માણવાને બદલે એકબીજા સાથે ગપ્પાં મારવામાં વ્યસ્ત હતી.  

હંમેશાં કંઈક સારું અને ઉપયોગી કરતાં રહેવાનું બીડું ઉઠાવનાર જોશ ફાઉન્ડેશને શનિવાર, 28મી જાન્યુઆરીના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ નામનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં શ્રવણમંદ બાળકોની શાળાઓમાંથી પંદર એન્ટ્રી આવી છે. એમાં 200 કરતાં વધુ બાળકો સ્ટેજ પર કળા દર્શાવશે. તેઓ છેલ્લા બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આ કાર્યક્રમ માટે શિક્ષકો પણ ઉત્સાહી બની ગયા છે. એમનો ઉત્સાહ જોઈને બાળકોને પણ ઘણું સારું લાગશે એ નિશ્ચિત છે. આવા શિક્ષકોને સલામ. આજ સુધીમાં ફાઉન્ડેશને આશરે 250 બાળકોને ડિજિટલ શ્રવણયંત્રો આપ્યાં છે અને શિક્ષકો તથા વાલીઓની મહેનતથી બાળકો ઘણું સારી રીતે સાંભળી-બોલી શકે છે.  

આવા જ એક બાળકને મેં પ્રોત્સાહિત કરતાં કહ્યું કે એ બહુ જ સારી રીતે બોલી શકે છે. એ બાળક મારી સાથે સેલ્ફી લેવા પોતાની માતા પાસે મોબાઇલ લઈ આવ્યું. આ ક્ષણ મારા માટે અવિસ્મરણીય બની ગઈ. આવા અનેક પ્રસંગોએ મેં બાળકોનાં ઉત્સાહ-ઉમંગ જોયાં છે અને એમાંથી મને પણ પ્રેરણા મળતી ગઈ છે.  

છેલ્લે, એટલું જ કહેવાનું કે પોતાનાં બાળકો સાથે પૂરતો સમય ગાળો, એમને હૂંફ આપો, પરિવારના અન્ય સભ્યોની સાથે હસી-ખુશી રહો, ગીત-સંગીતને માણો, સમાજ-દેશ માટે કંઈક કરો.....આ બધી નાની-નાની બાબતો આખરે તો આપણા સુખમાં ઉમેરો જ કરે છે. આ નવા વર્ષનો અને આગામી વર્ષો માટેનો આપણો સંકલ્પ પોતે ખુશ-સુખી રહીને બીજાઓને ખુશ-સુખી રાખવાનો અને સકારાત્મકતા ફેલાવવાનો હશે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...