વૈભવી જીવન કોને કહેવાય?

વૈભવી જીવન કોને કહેવાય?  

 

 ભરપૂર સુખસુવિધાઓ હોય એવું ભૌતિક જીવન વૈભવી જીવન કહેવાય છે. શ્રીમંતો પોતાની સમૃદ્ધિ દર્શાવવા માટે ઠાઠમાઠભર્યું જીવન જીવતા હોય છે. જો કે, એ સ્થિતિમાં એમનું માનસિક આરોગ્ય સારું છે કે નહીં તથા તેઓ અન્ય લોકો સાથે યોગ્ય વ્યવહાર કરે છે કે નહીં એ કહેવું મુશ્કેલ હોય છે. તેઓ પોતાની તુલના બીજાઓ સાથે કરવા તૈયાર હોતા નથી.  

ખરેખર તો વૈભવી જીવન વિશે આપણા વડવાઓ કહી ગયા છે કે મનુષ્ય જીવનનાં મૂલ્યોનું પાલન કરીને જીવવામાં આવતું જીવન એટલે વૈભવી જીવન. આજકાલ લોકો જેને વૈભવ માને છે એ ફક્ત ભૌતિક સુખ-સુવિધાઓ હોય છે. જીવન ત્યારે જ વૈભવી ગણાય, જ્યારે એમાં નમ્રતા હોય. આવું જીવન જીવનારી વ્યક્તિઓમાં શાણપણ, જ્ઞાન, શાલીનતા, શુદ્ધતા એ બધા ગુણો હોય છે.  

થોડા વખત પહેલાંની વાત છે. એક ઇન્ટરનૅશનલ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ મારી ક્લિનિકમાં આવ્યા હતા. એમને એ જોવું હતું કે શ્રવણમંદતા ધરાવતાં બાળકો કેવી રીતે પોતાના અવરોધો દૂરકરતા હોય છે. આ બધા વિદ્યાર્થીઓ સાધન-સંપન્ન પરિવારના અને 11-12મા ધોરણમાં ભણનારા હતા. એમાંથી કેટલાંક બાળકો શરીરે ત્યાં હાજર હતાં, પરંતુ એમનાં મન ક્યાંક બીજે ભમી રહ્યાં હતાં. એમની શાળાના પ્રૉજેક્ટને કારણે શિક્ષક એમને લઈ આવ્યા હોવાથી તેઓ આવ્યાં હતાં. જો કે, બીજાં કેટલાંક વિદ્યાર્થીઓએ શ્રવણમંદ બાળકોના જીવનમાં ઘમો રસ લીધો. કેટલાક બાળકોએ સવાલો પણ પૂછ્યા. એમની બુદ્ધિપ્રતિભા એમના પ્રશ્નોમાં ઝળકતી હતી. અમે એમની સામે જ આર્થિક રીતે પછાત એવા એક બાળકને શ્રવણયંત્ર ફિટ કરી આપ્યું. જેને જરાય સંભળાતું ન હતું એવું બાળક શ્રવણયંત્ર પહેર્યા બાદ સાંભળવા લાગ્યું એ એમણે જોયું. આ એક પ્રસંગ પરથી ખયાલ આવે છે કે બાળકોને યોગ્ય કેળવણી અને યોગ્ય દિશા મળે તો તેઓ ઘણું બધું શીખી શકે છે અને ખરા અર્થમાં વૈભવી જીવન જીવી શકે છે.  

આજકાલ બાળકોની દૃષ્ટિ સંકુચિત થઈ રહી છે. તેઓ વધુ ને વધુ સ્વકેન્દ્રી બની રહ્યા છે. ઉપરોક્ત પ્રસંગની ખાસ વાત તો  હતી કે સામાન્ય બાળકોએ પંગુ બાળકોને જોયાં ત્યારે તેઓ એમને લગતી કેટલીક પ્રવૃત્તિઓમાં સહભાગી થવા પણ તૈયાર થઈ ગયા. મનોચિકિત્સકે માત્ર સાત વર્ષના એક શ્રવણમંદ બાળકને ફક્ત પર્વતની એક તસવીર આપી અને એણે એના પરથી એણે પર્વત વિશે વિચાર-વિસ્તાર કર્યો હતો. એણે પર્વતને પ્રગતિ અને આશાનું પ્રતીક ગણાવ્યો. એણે એમ પણ કહ્યું કે પર્વત પર ચડી જાઓ અને જો ધ્યાન આપો નહીં તો એના પરથી ગબડી જવાનું જોખમ પણ હોય છે. એણે સર્વોચ્ચ માઉન્ટ એવરેસ્ટ વિશે પણ વાત કરી. એણે પોતાના મુદ્દાઓ રજૂ કરવા માટે લેખન, ચિત્રકામ અને સાંકેતિક ભાષાનો ઉપયોગ કર્યો.  

ઇન્ટરનૅશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ખરેખર આ શ્રવણમંદ બાળકના જીવનમાં વૈભવ દેખાયો અને એમના ચહેરા પર એક અનોખો અહોભાવ આવી ગયો. હું આશા રાખું છું કે મુશ્કેલીઓનો હસતાં-હસતાં સામનો કરનારાં શ્રવણમંદ બાળકો પાસેથી આ સામાન્ય બાળકો ઘણું શીખ્યાં હશે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...