ઠાલાં વચનો કરતાં પ્રયત્નો સારા
ઠાલાં વચનો કરતાં પ્રયત્નો સારા
કોરોનાને યાદ કરવાથી એક પ્રશ્ન થાય છેઃ મનુષ્યે ક્યાં ભૂલ કરી કે જીવલેણ રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયો અને લાખો લોકોને ભરખી ગયો? આપણે બધાએ આનો વિચાર કરવો જોઈએ અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ.
આપણે ભાગ્યશાળી છીએ કે આપણે મનુષ્ય તરીકે જન્મ પામ્યા છીએ. ઈશ્વરે ઉદાર થઈને આપણને તેજસ્વી વિચારો કરવા માટે મગજ આપ્યું છે.
આપણે ખાસ કરીને મુશ્કેલ સમયમાં, મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાનને અને આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ. શું આપણે ખરેખર એ વચનોને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરીએ છીએ?
હું માનું છું કે ઠાલાં વચનો આપવાને બદલે આપણે સંબંધો સુધારવા, કરુણામય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે.
અર્જુને એકવાર ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, "તમે કહો છો તેમ, આપણે આપણા ધર્મનું પાલન કરવા માટે સારાં કાર્યો કરવાં જોઈએ. પરંતુ વ્યક્તિ કેવી રીતે નક્કી કરશે કે એણે જે કર્યાં તે સારાં કાર્યો જ છે?"
ભગવાન કૃષ્ણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું કે "સારા કર્મનું સર્જન ત્યારે થાય છે જ્યારે તમે કોઈના પ્રત્યે કરુણામય-દયાળુ વર્તન કરો અને પછી એ વ્યવહારનો ઘમંડ ન કરો. ખરાબ કર્મ ત્યારે બને છે, જ્યારે તમે દયાળુ હોવાના બદલામાં કોઈપણ અપેક્ષા રાખો."
મેં સાંભળ્યું છે કે કોરોના રોગચાળાનું જોર હતું ત્યારે ભારતમાં 2000 ટ્રસ્ટ હતાં, પરંતુ માનવીય પ્રયત્નોને કારણે હવે આખા દેશમાં લગભગ 6000 ટ્રસ્ટ છે.
ખરા અર્થમાં સારાં કર્મ કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આપણે મનુષ્યોએ ઠાલાં વચનો આપવાને બદલે આ બ્રહ્માંડમાં ટકી રહેવા માટે પ્રયત્નો કરવા મહત્ત્વપૂર્ણ છે.
સૈનિકો રણમેદાનમાં જતાં પહેલાં દેશની રક્ષાના શપથ લે છે અને તેને પૂરા કરવા માટે સખત મહેનત કરે છે, પરંતુ અન્ય મનુષ્યોનું શું? પોતાના દેશની સેવા કરવા રાજકારણી બનેલા લોકો, અલગ અલગ ક્ષેત્રના કર્મચારી તરીકે કામ કરનારા મનુષ્યો, લગ્ન કરનારાં પાત્રો, વગેરે બધા એક યા બીજા સ્વરૂપે વચન આપતાં હોય છે, પરંતુ એના પાલન માટે ખાસ જહેમત લેનારા કેટલા?
શું તમે ખરેખર માનો છો કે પૃથ્વી પરની સરેરાશ વ્યક્તિ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે? પરિણીત વ્યક્તિઓનું જ ઉદાહરણ લઈએ તો, જો એમણે સપ્તપદીનાં વચનનું પાલન કરવાના પ્રયાસ કર્યા હોય તો છૂટાછેડા થાય જ કઈ રીતે? રાજકારણીઓનાં વચનો વિશે તો આપણે બધા જાણીએ જ છીએ!
માતા કૈકેયીના કહેવાથી ભગવાન રામે રાજપાટ છોડી દીધાં અને પોતાના ભાઈ માટે બલિદાન આપ્યું. તેમના શિક્ષણે તેમને નમ્ર બનવાનું શીખવ્યું હતું, પરંતુ આજકાલ આવું શિક્ષણ કોઈ લે છે ખરું?
આવા સંજોગોમાં સકારાત્મક બનવું એ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે. મને સકારાત્મકતા ફેલાવવામાં આનંદની પ્રાપ્તિ થાય છે અને હું સદકર્મો કરવાના મારા વચનનું પાલન કરી રહી હોઉં એવી લાગણી થાય છે.
Comments
Post a Comment