ભગવાને આપણને આપેલું જીવન જ અમૂલ્ય છે; એનાથી મોટા ખજાનાની જરૂર નથી
એનાથી મોટા ખજાનાની જરૂર નથી
લોકોની પાસે જાતજાતના ખજાના હોય છે. કેટલાક લોકોને રોકડનો સંગ્રહ કરવાનો શોખ હોય છે, તો કોઈની પાસે સોના-ચાંદી, તો કોઈની પાસે ઘણી બધી પ્રોપર્ટી હોય છે. મારા મતે જીવનમાં સૌથી મોટો ખજાનો તો પોતાનાં સંસ્મરણોનો છે. એ એવાં સંસ્મરણો, જેમાં તમને સારામાં સારી લાગણીનો અનુભવ થયો હોય અને તમે જેનું ખૂબ જ જતન કરીને સાચવવા માગતા હો.
કહેવાય છે કે, જીવન ઘણું ટૂંકું હોય છે, આથી એને ભરપૂર જીવી લો. પ્રેમ વધારો, ગુસ્સાનો ત્યાગ કરો, ડરને ભૂલી જાઓ અને સારામાં સારી યાદો ભેગી કરો.
જો કે, વાસ્તવમાં એવું બને છે કે આપણે રોજબરોજના જીવનમાં સારી યાદો ભેગી કરીને રાખી મૂકવાનું ભૂલી જઈએ છીએ. આપણને જન્મદિવસ, લગ્નદિવસ કે કોઈના પ્રસંગો યાદ રહી ગયા હોય છે, પરંતુ બીજી એવી અનેક ક્ષણોની યાદગીરી છૂટી જાય છે, જેને સાચવીને રાખવાની જરૂર હોય છે.
ભગવાન કૃષ્ણે કહ્યું છે કે એમણે બાળપણની યાદોના સહારે જ કપરા સમયનો સામનો કર્યો હતો. મારાં માતાપિતાએ જે રીતે મહેનત કરીને અમારાં ભાઈ-બહેનોનો ઉછેર કર્યો, એ યાદ આજે મને ઘણી હૂંફ આપે છે.
આપણે દૂધ ચોવીસ કલાકમાં વાપરી નાખવાનું હોય છે, એમાંથી બનતું દહીં બે દિવસ ટકે છે, માખણ એનાથી થોડું વધારે ચાલે અને ઘી એનાથી પણ વધારે ચાલે, પરંતુ આપણે સંઘરેલી સારી યાદો જીવનભર સાથ નિભાવે છે. આ જ રીતે સંઘરેલી ભૌતિક સંપત્તિ થોડા સમય સુધી જ રાહત આપે છે. એ ખરી દૌલત નથી. આપણી ખરી દૌલત આપણે કરેલાં સારાં કાર્યો અને એની યાદગીરી છે.
અમારી સંસ્થા – જોશ ફાઉન્ડેશને શ્રવણમંદ બાળકો સાથે આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કર્યું હતું. એમાં બાર શાળાઓનાં 200 વિદ્યાર્થીઓએ 15 નૃત્ય રજૂ કર્યાં હતાં. દરેક ગ્રુપે આઝાદીનાં વિવિધ આયામો દર્શાવતું નૃત્ય રજૂ કર્યું હતું. દરેકની ખાસિયત જુદી હતી. આ કાર્યક્રમ આયોજકો, દર્શકો અને સહભાગીઓ એ બધા માટે યાદગાર બની રહ્યો. એને લીધે બાળકોના આત્મવિશ્વાસમાં ઘણો જ વધારો થયો. સામાન્ય બાળકોને મળે છે એવો જ મંચ શ્રવણમંદ બાળકોને મળ્યો અને એમણે ઘણી સારી રીતે રજૂઆત કરી. કાર્યક્રમ દ્વારા ફરી એક વખત પુરવાર થયું કે આ બાળકોને સહાનુભૂતિની નહીં, પરંતુ ટેકાની, સામાન્ય નજરે જોવાની અને સામાન્ય ગણવાની જરૂર છે.
આજકાલ લોકો બીજાઓનું ધ્યાન જાય એના માટે ઘણો દેખાડો કરતા હોય છે, છતાં ક્યારેક એમને સંતોષ જાય એટલું લક્ષ કોઈ આપતું નથી. આથી સમાજમાં નિરાશાની લાગણી પેદા થાય છે. ખરી રીતે તો, લોકોએ આવાં દિવ્યાંગ બાળકોને જોઈને એમનામાંથી ઘણા બોધપાઠ લેવા જોઈએ. પોતાના ધનનો ઉપયોગ જો આવાં બાળકોના વિકાસ માટે કરવામાં આવે તો એમાંથી ખૂબ જ સારી યાદોનો ખજાનો ભેગો થઈ શકે છે.
ભગવાને આપણને આપેલું જીવન જ અમૂલ્ય છે. એનાથી મોટા ખજાનાની જરૂર નથી. આપણે જો આ જીવન સદ્કાર્યોમાં વાપરી દઈશું તો એ સાર્થક થયું ગણાશે. આડંબર દ્વારા અને કૃત્રિમ રીતે ખુશ રહેવાથી કંઈ થવાનું નથી. બીજાઓને મદદ કરીને મળતો આનંદ જ પ્રસન્નતા બક્ષે છે.
Comments
Post a Comment