પ્રામાણિકતાને શ્રીમંતાઈ કરતાં વધુ મહત્ત્વ મળે છે ખરું?

પ્રામાણિકતાને શ્રીમંતાઈ કરતાં વધુ મહત્ત્વ મળે છે ખરું?  


થોડા વખત પહેલાં વિચાર કરતાં કરતાં પ્રામાણિકતા વિશે કંઈક કહેવાનું મન થયું. આજના વિશ્વમાં એવું જોવામાં આવ્યું છે કે શ્રીમંતોને વધારે મહત્ત્વ અને પ્રાથમિકતા આપવામાં આવે છે, જ્યારે પ્રામાણિકતાને પૂરતું મહત્ત્વ કે માન મળતું નથી. સોશિયલ મીડિયા જુઓ કે પછી વિવિધ પ્રકાશનો જુઓ, બધે કરોડપતિઓની અને અબજોપતિઓની વાતો થયા કરે છે. આપણું ભવિષ્ય કહેવાતાં આજનાં બાળકોને આ વાતાવરણમાંથી શું શીખવા મળશે? એક બાજુ શાળાના અભ્યાસમાં એમને મહાત્મા ગાંધી તથા અન્ય મહાન નેતાઓ વિશે ભણવાનું આવે છે અને બીજી બાજુ સમગ્ર વિશ્વમાં એમને કરોડપતિઓનાં ગુણગાન ગવાતાં જોવા મળે છે. આવી સ્થિતિમાં તેઓ મુંઝાઈ જાય એવું શક્ય છે.  

કોરોનાના સમયમાં આપણે જોયું છે તે સોશિયલ મીડિયા આજના સમયમાં ઘણી અસર ધરાવે છે. તેનાથી વિપરીત, આપણી પાસેનાં સારાં પુસ્તકોનો પ્રભાવ ઘણો ઓછો જોવા મળે છે. વધુ ને વધુ આવક કમાવાની લાયમાં પ્રામાણિકતા બાજુએ રહી ગઈ છે. ભગવાન અસ્તિત્વ ધરાવે છે એ વાતનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ જીવનમાં પ્રામાણિકતા રાખવાનું છે. તકલીફ એ છે કે આજના યુવાનોમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ જોવા મળતી નથી.  

તાજેતરમાં મને મારા જૂના સહયોગી મળ્યા. એમને સાંભળવામાં તકલીફ થતી હતી અને તેમને ખબર હતી કે મારી પાસે આવવાથી એમની શ્રવણશક્તિની તપાસ થઈ જશે અને તેનો ઉપાય પણ મળી રહે છે. જોકે એમને વધુ મોંઘાં શ્રવણ યંત્રો પરવડે એવું નહીં હોવાથી તેઓ મારી પાસે આવતા સંકોચાતા હતા. આમ છતાં દિવસે ને દિવસે સાંભળવામાં તકલીફ વધારે વધી ગઈ તેથી તેમણે હિંમત કરીને મને બતાવવાનું નક્કી કર્યું. મને મળીને તેમણે કહ્યું પણ ખરું કે તેઓ બીજા કોઈના ઉપર વિશ્વાસ મૂકી શકે એમ નથી.  

મેં એમની સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે શ્રવણયંત્રોના પૈસા વિશે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. એમણે તરત જ જવાબ આપ્યો, હું હજી કમાઉ છું મારે કોઈ વસ્તુ મફતમાં જોઈતી નથી.  

મેં કહ્યું, હું તમને મફતમાં નહીં આપું પણ તમે મને હપ્તે હપ્તે પૈસા ચૂકવી શકો છો.  

મોંઘા શ્રવણયંત્રો પરવડે એવું નહીં હોવા છતાં અને સામેથી ઑફર મળતી હોવા છતાં તેઓ પોતાની પ્રામાણિકતા છોડવા તૈયાર ન હતા.  

મને વિશ્વાસ છે કે આવા લોકોને ઈશ્વર કોઈક ને કોઈક સ્વરૂપે ચોક્કસ સહાય કરે છે. ખરું પૂછો તો જો આ વિશ્વમાં પરિવર્તન લાવવું હોય તો વધુ ને વધુ પ્રમાણમાં આવા લોકોની જરૂર છે. પુષ્કળ ધન હોય એવા લોકો મેં જોયા છે, પરંતુ તેઓ પોતાનાં મા-બાપને પણ મદદરૂપ થતા નથી. પોતાની નામના થાય એ માટે તેઓ કોઈ સેવાભાવી સંસ્થાને મોટાં મોટાં દાન આપી દેશે, પરંતુ માતા-પિતાની પાછળ પૂરતા પૈસા નહીં ખર્ચે.  

મારી 30 વર્ષની કારકિર્દીમાં મેં મારી પોતાની જવાબદારીએ ઘણા લોકોને શ્રવણયંત્ર આપ્યાં છે. પોતાની પાસે જે કંઈ ઉપલબ્ધ છે તેમાંથી બીજાને સહાયરૂપ થવું એમાં હું માનું છું.  

અહીં મને એક ચાર્ટડ એકાઉન્ટન્ટનો કિસ્સો યાદ આવે છે એમને દુબઈમાં નોકરી મળી હતી અને તેથી આખા પરિવારે દુબઈ જવાનું હતું. નવી જગ્યાએ સાંભળવાની તકલીફ હેરાન ન કરે એના માટે એમણે શ્રવણયંત્રો ખરીદવાનું નક્કી કર્યું. તેઓ મારી પાસે આવ્યા અને યોગ્ય શ્રવણયંત્ર લેવાની ઈચ્છા વ્યક્ત કરી. પોતાની પાસે પૂરતા પૈસા નથી, પરંતુ દુબઈ જઈને કમાણી ચાલુ થશે કે તરત તેઓ પૈસા મોકલવા લાગશે તેવું એમણે કહ્યું. એમણે પૈસા મોકલ્યા પણ ખરા. કારકિર્દીમાં એટલી સરસ પ્રગતિ કરી એમને ઓસ્ટ્રેલિયામાં વધુ સારી નોકરીએ જવાનો ચાન્સ મળ્યો. આજે પણ તેઓ મારા સંપર્કમાં છે અને એમની પ્રામાણિકતા હજી અકબંધ છે. ભગવાન અદૃશ્ય રહીને સૌને મદદ કરે છે એવી ભાવના દરેક વ્યક્તિના જાગવી જરૂરી છે

કોરોના રોગચાળા દરમિયાન આપણે જાણી ગયા છીએ કે તંદુરસ્તી ધન કરતાં વધારે મહત્ત્વની છે. ગમે તેટલી શ્રીમંતાઈ હોય, પણ આખરે તો સારાં કર્મો જ આપણી સાથે રહે છે. એક સફળ વ્યવસાયી તરીકે પણ એવું સૂત્ર અપનાવવામાં આવવું જોઈએ કે ઝડપથી પૈસા કમાવા કરતાં ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ સર્વિસ આપવાનું મહત્ત્વ વધારે છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...