સહજ-સકારાત્મક જીવનની આવશ્યકતા
સહજ-સકારાત્મક જીવનની આવશ્યકતા
જ્યાં સુધી તમે શ્વાસ લો છો ત્યાં સુધી બધું જ શક્ય છે. વ્યક્તિએ ક્યારેય હતાશ થવું જોઈએ નહીં; પ્રયાસ કરતા રહો અને બાકીના જીવનને શ્રેષ્ઠ કાળ બનાવો. આવું સકારાત્મક નિવેદન કહેવું સહેલું છે પણ અમલમાં મૂકવું મુશ્કેલ છે.
ઘણી વખત, માતા-પિતા પોતાનાં બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો એનું માર્ગદર્શન લેવા માટે અમારી પાસે આવે છે. પહેલાંના સમયમાં બાળકોને ભણાવવા માટે ક્યારેય કોઈ નિયમો ન હતા. તે વખતમાં બાળકો આસપાસના વાતાવરણમાંથી અને અને અન્ય લોકોનું નિરીક્ષણ કરીને શીખતાં હતાં. આજકાલ સગર્ભાવસ્થામાં, પ્રસૂતિ બાદ તરત અને પછી બાળઉછેર માટે એમ ત્રણ તબક્કામાં લોકોને માર્ગદર્શન આપનારા ઘણા લોકો છે. પોતે કોની પાસેથી માર્ગદર્શન લેવું એ બાબતે માતા-પિતા મુંઝાતાં હોય છે. મને લાગે છે કે માતા-પિતાએ કોઈ ખાસ પ્રયત્નો ન કરવા જોઈએ અને બાળકો સાથે સ્વાભાવિક રીતે રહેવું જોઈએ. માતા-પિતાએ સંતાનોને તેમની આસપાસની દરેક વસ્તુનું અવલોકન કરવા દેવું જોઈએ અને એમનો આત્મવિશ્વાસ કેળવવા દેવો જોઈએ.
થોડા દિવસો પહેલાં મારી મુલાકાત એક દંપતી સાથે થઈ. તેઓ બન્ને ગ્રેજ્યુએટ છે. એમની ત્રણ વર્ષની બાળકી બોલવામાં ઘણી ચબરાક છે, પરંતુ એને ટોઇલેટ મેનર્સ શીખવવામાં આવી નહીં હોવાથી એ ગમે ત્યાં પેશાબ કરી બેસે છે. એ બાળકી બોલવામાં થોથવાવા લાગી હોવાથી એનાં માતા-પિતા એને મારી પાસે લઈને આવ્યાં હતાં. બાળકો નવી ભાષા શીખે ત્યારે થોથવાય એ સ્વાભાવિક છે, પરંતુ જો એના પર વધુપડતું ધ્યાન આપવા લાગીએ તો એ સમસ્યા વકરી શકે છે. પહેલાં તો એ બાળકોને કુદરતી રીતે વિકસવા દેવાં જોઈએ. એમના વિશે ચિંતા કરીએ, એમને સીધું બોલવા માટે ટોકીએ અથવા સતત એના બોલવા પર ધ્યાન આપવા લાગીએ તો એનો વિકાસ રૂંધાઈ શકે છે. મેં એ માતા-પિતાને સલાહ આપી કે એમણે બાળકી સાથે સામાન્ય રીતે જ વર્તવું અને જ્યારે પણ એને બોલવામાં તકલીફ જેવું લાગે ત્યારે એને યોગ્ય ઉચ્ચારણ દ્વારા મદદરૂપ થવું અને પ્રોત્સાહિત કરવી. આ રીતે બાળકીની સમસ્યા દૂર થઈ જશે.
ઘણાં બાળકોને ઘરની અંદર જ રખાતાં હોવાથી તેઓ વધુ સારી અને સ્પષ્ટ રીતે બોલવાનું શીખી શકતાં નથી. આવામાં એમને વધુ લોકો સાથે હળવા-મળવા દેવાં જોઈએ. એક બાળક બીજાં બાળકો સાથે રમે એ પણ ખૂબ જ જરૂરી છે. સાથે જ બીજા લોકો પણ સંપર્કમાં આવે એ આવશ્યક છે.
થોડા વખત પહેલાં મારા ઘરમાં ધ્વજાજીની પધરામણી થઈ હતી. એ વખતે મેં જોયું કે સમગ્ર પરિવાર સાથે મળીને ભક્તિ કરે એ પણ અગત્યનું છે. એનાથી ખૂબ જ સંતોષની પ્રાપ્તિ થાય છે. બાળકોને પણ પરંપરાઓ તરફ વાળવાં જોઈએ અને એમની જિજ્ઞાસા તથા કૂતુહલવૃત્તિને સંતોષવી જોઈએ. એમને તર્કબદ્ધ રીતે ઈશ્વર વિશેની અને આધ્યાત્મિકતાની સમજ આપવી જોઈએ અને સહજ જીવન જીવવાની કેળવણી આપવી જોઈએ. હું મારાં માતા-પિતા સાથે મથુરા, ગોકુળ, વૃંદાવન, વગેરે અનેક સ્થળોએ જઈને ઈશ્વરની અનુભૂતિ કરી આવી હોવાથી આ વાતનું મહત્ત્વ સમજું છું. આવાં સ્થળોએ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.
કુદરતની સાથે રહીને કુદરતી રીતે ખીલવું અગત્યનું હોય છે. જીવનના દરેક પાસા પ્રત્યે સકારાત્મક રહેવું જોઈએ. આ રીતે મગજ વધુ ફ્લેક્સિબલ અને સતેજ બને છે. કુદરતી વિકાસને લીધે તન અને મન બન્ને તંદુરસ્ત બને છે. આવા વિકાસમાં અન્યો સાથેની તુલનાને કોઈ સ્થાન હોતું નથી.
Comments
Post a Comment