સકારાત્મકતાથી સિદ્ધિ
સકારાત્મકતાથી સિદ્ધિ
તમારે રસ્તામાં કોઈપણ અવરોધો અથવા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે, તો ફક્ત સાવચેત રહેવાનું શીખો અને એમાંથી માર્ગ કાઢવાનું શીખો. અવિરત ચાલતાં રહેવું એ જ જીવનનું તત્ત્વચિંતન કહે છે. બાળક ચાલવાનું શીખે ત્યારે આપણે એને વધુ પ્રયાસ કરીને બરોબર ચાલવાનું શીખવીએ છીએ. એ જ કામ આપણે પોતાના જીવનમાં પણ કરવાની જરૂર છે.
થોડા વખત પહેલાં એક માતા-પિતા અમારી ક્લિનિકમાં આવ્યાં. એમની સાથે છ વર્ષનું બાળક પણ હતું. એ છોકરો સતેજ દેખાતો હતો અને માતા-પિતા જે વાત કરી રહ્યાં હતાં એ સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો. બાળકને નાની ઉંમરે ફિટ આવવાનું શરૂ થયું હતું. અઢી વર્ષે એને વાચા આવી હતી અને ચાલવાનું પણ મોડું શરૂ કર્યું હતું. એના પિતા ડૉક્ટરેટ કરી ચૂકેલા અને માતા ડબલ ગ્રેજ્યુએટ હતાં. માતા-પિતા બંનેએ બાળકના ઉછેર માટે શું શું કર્યું એની બધી વિગતો જણાવી. પોતાનું સંતાન અન્ સામાન્ય બાળકોની જેમ વૃદ્ધિ કરી રહ્યું નથી એ એમની મુખ્ય સમસ્યા હતી. જોકે માતા-પિતાના વર્તનમાં પણ એક ખામી હતી. તેઓ હંમેશાં બાળકની શક્તિઓને બદલે એની નબળાઈઓને કેન્દ્રમાં રાખીને જ વિચાર અને વર્તન કરતાં. એમાં ફેરફાર લાવવાનું મેં એમને સૂચન કર્યું. એ વખતે મને ભગવાન કૃષ્ણના કિસ્સાઓ પણ યાદ આવ્યા. કૃષ્ણે નાની ઉંમરથી અનેક આફતોનો-રાક્ષસોનો સામનો કરવો પડ્યો. હજી તો એમની માતાનું દૂધ પીવાની ઉંમર હતી ત્યાં જ પૂતના એમને મારવા માટે આવી હતી. આમ, એમણે અનેક દૈત્યોનો સામનો કર્યો અને નાશ પણ કર્યો. તેઓ એનાથી વિચલિત થયા નહીં કે ડર્યા નહીં. એમણે પોતાનો વિકાસ સતત કર્યો રાખ્યો.
અહીં મને બીજો એક કિસ્સો પણ યાદ આવે છે, જે સામાન્ય જીવનમાં ઘણી વાર જોવા મળે છે. એવી ઘણી મહિલા વાહનચાલકો છે જેઓ ક્યારેક કોઈ ભૂલ કરી બેશે તો એમને પુરુષો તરફથી ઠપકો આપવામાં આવે છે અથવા તો એમની ખામીઓને ગંભીર રીતે દર્શાવવામાં આવે છે. આવામાં એ મહિલાઓ ડ્રાઇવિંગ કરવાનું સદંતર બંધ કરી દેવાનો નિર્ણય લેતી હોય છે. કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી. ભૂલો તો બધાથી થતી હોય છે. આથી આવો અંતિમ નિર્ણય લેવાની જરૂર હોતી નથી. મને યાદ છે કે મારી મોટી દીકરી પહેલીવાર શાળામાં થતી ચૂંટણીમાં હારી ગઈ હતી. એ ઘરે આવીને ઘણું રડી. એને એમ પણ લાગ્યું કે એના મિત્રોએ એને સપોર્ટ આપ્યો નહીં. થોડીવાર રહીને મેં એને સમજાવ્યું કે સ્પર્ધામાં આવું બધું થતું જ હોય છે; એણે ક્ષમાભાવ રાખીને પોતાના પ્રયાસ ચાલુ રાખવા જોઈએ. હાર કે જીતના વિચાર કરવાને બદલે પોતાના માર્ગ પર અડગ રહેવું જોઈએ. સાથે સાથે અગાઉ પોતે કઈ ભૂલો કરી હતી એની સમીક્ષા કરીને ભૂલોનું પુનરાવર્તન અટકાવવું જોઈએ. થયું એવું કે સતત પ્રયત્ન કરતાં રહીને એણે શાળામાં હેડ ગર્લ બનવા સુધીની મજલ મારી.
અહીં કહેવું જરૂરી છે કે સતત નકારાત્મક વિચારો કરવાથી સમસ્યા વધુ વકરતી હોય છે. આપણું જીવન આનંદ અને માનસિક શાંતિથી વંચિત રહી જાય છે. સતત નકારાત્મક વિચાર કરવાની આદત આખરે ઉદાસી, ચિંતા અને લઘુતાગ્રંથિમાં પરિણમે છે. આથી જ સકારાત્મક વિચારો ખૂબ જ જરૂરી છે. જીવનમાં જે સારું છે એના માટે ઈશ્વરનો આભાર માનીને અને જે કંઈ અપ્રિય કે થયું છે એને એક બોધપાઠ ગણીને જીવનમાં આગળ વધતાં રહેવું આવશ્યક છે. શારીરિક કે માનસિક ખામી ધરાવતાં બાળકોનાં માતા-પિતાએ સમજી લેવું જોઈએ છે કે એ બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનની જરૂર હોય છે.
આપણે સામાન્ય માણસોએ પણ દરરોજ થોડો થોડો વિકાસ કરવાનું અને સતત નવું શીખવાનું ચાલુ રાખવું જોઈએ. જીવનમાં હતાશાને કોઈ સ્થાન આપવું ન જોઈએ. વિદ્યા અને જ્ઞાન બંને અમર્યાદિત છે. એને ઉંમરનો બાધ નડતો નથી. પોતાનામાં વિશ્વાસ રાખો ,સમસ્યાઓને બરોબર સમજી લો અને સતત પ્રયાસ કરતાં રહીને મનના ડરને દૂર કરો. બીજા લોકો શું કહે છે એનો વિચાર જરા પણ ના કરો. જે પણ થયું એ સારા માટે હતું અને ભગવાનનું ધાર્યું હતું એવો વિચાર કરીને આગળ વધતાં રહો. તમારે વધવું છે, શીખવું છે, કોઈ અવરોધરૂપ બને તો એ અવરોધને દૂર કરવો છે અને સાથે સાથે ક્ષમાભાવ રાખવાનો છે તથા સકારાત્મક બનીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, કારણ કે ઈશ્વરે તમારા માટે એ જ નિર્ધાર્યું છે. આ વિચાર ખરેખર ઉપયોગી થાય છે અને જીવનમાં પ્રસન્નતા લાવે છે.
Comments
Post a Comment