દેવાંગી દલાલ
દેવાંગી દલાલ
આપણામાં કહેવત છે, 'ઉતાવળે આંબા પાકે નહીં.' એકદમ સાચી વાત છે. આ કુદરતમાં દરેક વસ્તુનો અમુક નિશ્ચિત કાળ લખેલો છે અને વિવિધ કાર્યો-પ્રક્રિયાઓનો નિશ્ચિત સમય હોય છે. આજના ઝડપી યુગમાં રહેનારા અને રાચનારા લોકોને એનો ખ્યાલ નથી. અત્યારે બધું જ યંત્રવત્ ચાલી રહ્યું છે. એકાગ્રતા, ધીરજ, પ્રામાણિકતા, એ બધા શબ્દોની લોકોને ખબર જરૂર છે, પરંતુ જીવનમાં એનો અમલ કરતા નથી. બધાને બધું જ રોકેટ ગતિએ જોઈતું હોય છે. લોકો ટૂંકા ગાળાની દૃષ્ટિ રાખે છે અને ટૂંકા ગાળામાં ઝડપથી લાભ મેળવી લેવાની વૃત્તિ સર્વત્ર જોવા મળે છે. લાંબા ગાળાનાં લક્ષ્યો વિશે ઘણા ઓછા લોકો વિચાર કરે છે. જે રીતે આંબા ઝડપથી પાકતા નથી એ જ રીતે સંબંધો પણ તત્કાળ કેળવાતા નથી. એમને નિભાવવા પડે છે અને સમય જતાં જ એ વધુ મજબૂત બને છે. એનાથી વિપરીત આજના સોશિયલ મીડિયાના યુગમાં ઝડપથી સંબંધો બંધાય છે અને ઝડપથી તૂટે છે. સંબંધો કેળવવા માટે આવશ્યક ધીરજ અને મહેનત અને ખંત લોકોમાં નથી.
મેં જ્યારે સકારાત્મકતા વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે મેં જોયું કે દરેક કાર્ય કે પ્રવૃત્તિ પાછળ અમુક નિશ્ચિત દિશા અને હેતુ હોવાં જરૂરી છે. દિશા અને ઉદ્દેશ્યનું મહત્ત્વ ઝડપ કરતાં વધારે હોય છે. એક દિવસ એક શ્રવણમંદ યુવતી પાસેથી જાણવા મળેલી વિગતોથી મને બહુ નવાઈ લાગી. એ યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સક્રિય છે. અમુક સમય પહેલાં કૅન્સરને કારણે એનાં મમ્મીનું અવસાન થયું હતું. એને મમ્મી સાથે ઘણો જ લગાવ હતો અને તેથી એમના અવસાન પછી એ ભાંગી પડી હતી. એને ફરીથી ઠેકાણે આવતાં ઘણો સમય લાગી ગયો. થોડા સમય પહેલાં એનાં ભાભીના કૅન્સર વિશે જાણ થઈ. આખા પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ. એ વિચારવા લાગી કે હવે પછી શું. એના પરિવારજનોએ એને કોઈ કાઉન્સેલરની મદદ લેવાની સલાહ આપી અને એણે એ સાંભળી. શ્રવણમંદ હોવા છતાં એણો જીવનમાં અનેક પડકારોનો સામનો કરીને સફળતા પ્રાપ્ત કરી છે. આથી એને વિચાર આવ્યો કે પોતાની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે કાઉન્સેલરની શું જરૂર છે. આખરે એણે પોતાના માટે એક નિશ્ચિત દિશા નક્કી કરી લીધી અને સમસ્યામાંથી બહાર આવવાનું લક્ષ્ય નક્કી કરી લીધું. આવા જ લોકો બીજાઓને પણ પ્રેરણા આપતા હોય છે.
મારી સકારાત્મકતાનાં મૂળ પણ આવા જ શ્રવણમંદ બાળકોની શક્તિ અને સકારાત્મકતામાં રહેલાં છે. એમના માટે વધુમાં વધુ સારું કાર્ય કરવું એ મારા જીવનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય બની ગયો છે. વર્ષ 2004માં અમે જ્યારે જોશ ફાઉન્ડેશનની સ્થાપના કરી ત્યારે ઘણા લોકોને વિશ્વાસ પણ બેસતો ન હતો કે કેવી રીતે કામ આગળ ચાલશે. છેલ્લાં 19 વર્ષોમાં અમે તંત્રજ્ઞાનની ઘણી જ મદદ લીધી છે અને શ્રવણમંદ બાળકોને જીવનના મુખ્ય પ્રવાહમાં ભેળવ્યાં છે.
જીવનમાં દિશાનું શું મહત્ત્વ છે એ મહાત્મા ગાંધીની સ્વતંત્રતા ચળવળ પરથી જોઈ શકાય છે. એમણે પોતાને થયેલા અનુભવો અને જાણેલી-જોયેલી પરિસ્થિતિના આધારે દેશને સ્વતંત્રતા અપાવવા માટે ચળવળ શરૂ કરી. પોતાનું કામ અહિંસા અને સવિનય કાનૂનભંગ દ્વારા કરવું એવી દિશા એમને નક્કી કરી. આથી જ આજે એમના માટે કહેવાય છે, "દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ..." ગાંધીજીએ તદ્દન અનોખી ચળવળ ચલાવી હતી અને પોતાના વ્યવહાર દ્વારા એમણે દુનિયાને ઘણી બધી વસ્તુઓ સમજાવી દીધી. આથી જ એમણે કહ્યું છે, "મારું જીવન એ જ મારો સંદેશ."
પર્યાવરણની રક્ષા માટેનું ચિપકો આંદોલન પણ મનુષ્યના ખંત, દિશા અને મહેનતનું પ્રતીક છે. વૃક્ષને વળગી પડવું અને કપાવા ન દેવું એવો દૃઢ નિર્ધાર રાખીને ચિપકો આંદોલનના ચળવળકર્તાઓએ પોતાના ધ્યેયને આગળ વધાર્યું. ફૂટબૉલ અને હૉકી જેવી રમતોમાં આપણે જોઈએ છીએ કે દડાને આગળ-પાછળ લઈ જવા માટે ઝડપ નહીં, પરંતુ એની દિશાનું વધારે મહત્ત્વ હોય છે. ગૉલ કરવા માટે બૉલને યોગ્ય દિશામાં ફટકારવાનો હોય છે. ક્યારેક એમાં ઓછી અને ક્યારેક વધારે ગતિની જરૂર પડે છે. આમ, જીવનમાં ગતિ કરતા દિશાનું મહત્ત્વ વધારે છે.
Comments
Post a Comment