સુસંસ્કૃત સમાજ માટે જરૂરી છે સાંસ્કૃતિક વારસાનું જતન
સુસંસ્કૃત સમાજ માટે જરૂરી છે સાંસ્કૃતિક વારસાનું જતન
કોઈ કન્યાનું આ વિધાન મેં ક્યાંક વાંચ્યું હતું, "મારી મમ્મીનો કૅટરિંગનો બિઝનેસ છે. હું શાળાએથી ઘરે આવ્યા બાદ મારી મમ્મીને એના કામમાં મદદ કરું છું. મને એ ઘણું ગમે છે. મમ્મી ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એને જોઈને મને પણ અન્ન પ્રત્યે અહોભાવ જાગ્યો છે. અન્ન મારા અસ્તિત્વ માટે જરૂરી છે એટલું જ નહીં, એ મારી ઓળખનો પણ એક હિસ્સો છે." આ વિધાન વાંચ્યા બાદ મને મારા પરિવારની વાત યાદ આવી. મારી દીકરીઓ નાની હતી ત્યારે 'જોશ ફાઉન્ડેશન'ના એક કાર્યક્રમમાં ગવાતું "હમ હોંગે કામિયાબ..." ગીત સાંભળીને એમને પણ પ્રેરણા મળી અને તેઓ બધાની સાથે ગાયનમાં જોડાઈ. ઉક્ત બન્ને વાત પરથી હું કહી શકું છું કે બાળકો મોટાઓનું જોઈને ઘણું બધું શીખતા હોય છે. આથી આપણી ફરજ બની જાય છે કે એમને સાંસ્કૃતિક મૂલ્યો, આદર, કરુણા, વગેરેનું મહત્ત્વ સમજાવવા માટે આપણે એને અનુરૂપ વર્તન કરવું જોઈએ.
થોડા વખત પહેલાં હું મારાં માતાપિતા અને બહેન સાથે ગોકુળ, મથુરા અને વૃંદાવન ગઈ હતી. મારા કામકાજ વિશે ખબર હોવાથી પપ્પાએ મને પૂછ્યું કે આટલા બધા દિવસ કેવી રીતે ફાળવીશ. મેં કહ્યું, અમે નાનાં હતાં ત્યારે તમે પણ અમારા માટે સમય કાઢ્યો હતો અને તેથી અમે પણ હવે સમય કેવી રીતે કાઢવો એ શીખી ગયાં છીએ.
વર્તમાન સમયમાં ઘણા લોકો વડીલોની સેવા કરવાનું કર્તવ્ય ચૂકી જાય છે. આપણા જીવનમાં માતાપિતાનું યોગદાન વિસરાવું જોઈએ નહીં. આપણું એ વર્તન જોઈને આપણાં બાળકો પણ કંઈક સારું શીખશે. વિદેશી સંસ્કૃતિના જોરદાર વાવાઝોડા સામે ટકી રહેવા માટે આપણા સંસ્કારોનો આ વારસો જ ઉપયોગી થશે.
જાત્રાની વાત નીકળી છે, તો કહી દેવું ઘટે કે આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટે આ જાત્રાઓ ઘણી ઉપયોગી નીવડે છે. મથુરામાં બહુલા વન કરીને એક જગ્યા છે. ઘણા વખત પહેલાં એ વનમાં એક વાઘ શિકાર શોધી રહ્યો હતો. એને ઘાસ ચર્યા બાદ ઘરે પાછી ફરી રહેલી ગાય દેખાઈ. વાઘ એને ખાવા દોડ્યો ત્યારે ગાયે વિનંતી કરી કે એ ઘરે વાછરડાને દૂધ પીવડાવીને પાછી આવશે અને ત્યારે ભલે એ એને ખાઈ જાય. વાઘે ગાયને જવા દીધી. વાછરડાને એની માતાની ચિંતાનો ખયાલ આવી ગયો. આથી એણે કારણ પૂછ્યું ત્યારે માતાએ વાઘની વાત કહી. વાછરડાએ કહ્યું કે "મા, તું નહીં હોય તો મારે પણ નથી જીવવું. હું તારી સાથે આવીને વાઘને વિનંતી કરીશું કે તને જવા દે. જો એ નહીં માને તો હું એને કહીશ કે મારો પણ શિકાર કરી લે." આ વાર્તાનો બોધપાઠ એ છે કે પ્રાણીઓમાં પણ પ્રેમ, વફાદારી, બલિદાન, વગેરે લાગણીઓ હોય છે. મથુરામાં યમુના આરતી વખતે એક નાનકડો સાપ પ્રગટ થતો હોવાની વાયકા છે. હું ત્યાં ગઈ ત્યારે મેં સગી આંખે આ વાયકાને વાસ્તવિક સ્વરૂપે જોઈએ. સાપ દર્શન આપીને તરત જ અદૃશ્ય થઈ જાય છે. આ તો ફક્ત બે વાતો કરી. આવી તો હજારો વાતો અને વાર્તાઓ આપણા વડવાઓ આપણા માટે સાંસ્કૃતિક વારસા તરીકે મૂકી ગયા છે. આપણે આવી વધુ ને વધુ વાતો જાણીને એમાંથી પ્રેરણા લેતાં રહેવું જોઈએ અને જીવનમાં એનો અમલ કરવો જોઈએ. સુસંસ્કૃત સમાજ માટે એ ખૂબ જ જરૂરી છે.
Comments
Post a Comment