માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી સફળ જીવનનો આધાર
માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી સફળ જીવનનો આધાર
માનસિક બીમારીઓ વિશે પહેલા જાહેરમાં વાતો થતી નહોતી, પણ હવે લોકો સજાગ થયા છે અને મેન્ટલ હેલ્થ વિશે જાહેરમાં ચર્ચા કરી રહ્યા છે. સ્પર્ધાત્મક યુગમાં અને દોડધામભરી લાઈફસ્ટાઈલમાં માનસિક રીતે મજબૂત રહેવું પ્રાથમિકતા બની ગઈ છે. માનસિક રીતે સ્વસ્થ હશો તો પરિસ્થિતિને સારી રીતે સમજી શકશો અને સાચી દિશામાં વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ શકશો. પરિવાર માટે મેન્ટલ હેલ્થની સાથે ઈમોશનલ હેલ્થને જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. આજકાલ નાની નાની વાતોમાં લોકો તણાવનો અનુભવ કરવા લાગ્યા છે અને શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની પણ અવગણના કરે છે, પરિણામે સમસ્યા એટલી વકરી જાય છે કે ડિપ્રેશનમાં સરી પડતાં તેઓ આત્મહત્યાનું જીવલેણ પગલું લઈ લે છે. આવું ન થાય તે માટે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
ભારત એ સંસકૃતિ અને વિવિધતાનો દેશ છે. રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા જેવા ગ્રંથો આપણને આજની તારીખમાં પણ દિશા દર્શાવે છે. પરિવારના મૂલ્યોની સાથે વ્યક્તિગત રીતે આગળ કેવી રીતે વધવું તથા નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મક દિશા તરફ કેવી રીતે જવું તેનું જ્ઞાન આપે છે. આજે તો માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવા માટે ડોક્ટર્સ અને કાઉન્સેલર્સ ઉપલબ્ધ છે પણ પહેલાના જમાનામાં આ સુવિધાઓ લોકોને મળતી નહોતી કારણ કે ત્યારે લોકો વધુ આધ્યાત્મિક અને દૃઢ આત્મવિશ્વાસુ હતાં. મારા મતે આધ્યાત્મિકતામાં વિશ્વાસ ગુમાવવો અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પર નિર્ભર રહીને જીવન જીવનારા લોકોને માનસિક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. અગાઉ ગર્ભવતી સ્ત્રીઓને ભગવદ ગીતા અને અન્ય ધાર્મિક પુસ્તકોનું પઠન કરાવવામાં આવતું હતું, જેથી માતાના ગર્ભમાં રહેલા બાળકને ફાયદો થાય. જ્યારે બેબી પ્લાનિંગ કરવામાં આવે ત્યારથી જ આધ્યાત્મિકતા તરફ એક પગલું વધુ આગળ વધારો જેથી બાળકને ગર્ભસંસ્કાર મળી શકે.
માતાપિતા તરીકે, આપણે આપણા બાળકોમાં તે આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે કારણ કે આપણે તેમના પ્રાથમિક રોલ મોડેલ છીએ. મનોવૈજ્ઞાનિક અભ્યાસો સૂચવે છે કે આપણે આપણા પર્યાવરણમાંથી 80% અને શિક્ષણમાંથી 20% શીખીએ છીએ, અને 80% પર્યાવરણીય શિક્ષણ માતાપિતા પાસેથી આવે છે. તેથી, માતા-પિતા તરીકે, આપણે આપણા બાળકોમાં આ આત્મવિશ્વાસ કેળવવો પડશે જેથી કરીને તેમનો માનસિક વિકાસ સકારાત્મક અભિગમ સાથે થાય. બાળક જન્મતાની સાથે જ તેના ઉછેર પર સરખું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તે માનસિક રીતે મજબૂત બને છે. જોકે, આજના સમયમાં એવું થતું નથી. માતા-પિતા નોકરીને પ્રાધાન્ય આપીને બાળકના ઉછેર પર પૂરતું ધ્યાન આપતા નથી, પરિણામે 20થી 30 ટકા બાળકો અતિ સંવેદનશીલ (હાઈપર સેન્સિટિવ) હોય છે. તેથી હું ઈચ્છું છું કે તમે બધા મારી જેમ, તમારા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેના તમારા સકારાત્મક અભિગમ સાથે દરરોજ હકારાત્મકતાની કદર કરો.
Comments
Post a Comment