બાળપણ હરિફાઈ નહીં, પ્રવાસ છે

 બાળપણ હરિફાઈ નહીં, પ્રવાસ છે


આજકાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા યુવાનોએ અભ્યાસ તો કર્યો છે, ઘરેથી બધું મળ્યું છે, પરંતુ શારીરિક અને માનસિક હેલ્થ વચ્ચે સંતુલન જાળવી શકતા નથી. તેને બેલેન્સ કરવામાં સંઘર્ષનો અનુભવ કરી રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં સારા ઘરના, સારા શિક્ષણ ધરાવતા છોકરાઓ જીવનમાં એકલા પડી જતાં હોય છે, પછી તેઓ માનસિક રીતે તૂટવા લાગે છે. બાળપણથી મળેલી ખોટી પરવરિશ અને અત્યંત લાડ-પ્યાર ક્યારેક બાળકોને જાતે નિર્ણય લેવાનું, જવાબદારી ઉઠાવવાનું શીખવા દેતી નથી.

હમણાં એક એવા યુવકના વિશે વાત થઈ, જે ૩૨ વર્ષની ઉંમરે પણ કામ કરવા તૈયાર નથી. બધું મળ્યું છતાં જીવનમાં ઉદ્દેશ નથી. સમય જતાં શરીર અને મન પર અસર થવા લાગી, અને અંતે એક દિવસ તેને બ્રેન સ્ટૉક આવ્યો અને હૉસ્પિટલમાં દાખલ થયો, પણ પછી દુખની વાત એ હતી કે સારવારમાં પણ તેને સહકાર આપવો ગમતો નહોતો. આ કિસ્સામાંથી એ ખબર પડી કે બાળપણથી મળેલી પરવરિશમાં સ્વતંત્રતા અને જવાબદારીના અભાવથી આ સ્થિતિ આવી છે અને આ તેના જીવનનું સૌથી કટુ સત્ય છે. તેના પરિવારજનો ખાસ કરીને બહેન તેને સમજાવવાનો બહુ પ્રયાસ કરે છે, પણ તે કંઈ જ સાંભળવા તૈયાર નથી. જ્યારે બાળકને દરેક વસ્તુ તૈયાર મળતી હોય છે, ત્યારે તેનું મૂલ્ય સમજાતું નથી. આજે માતા-પિતા વૃદ્ધ છે, અને પોતાની જવાબદારી ઉઠાવવી તેને મુશ્કેલ પડી જાય છે.

આજે આપણા બાળકો ભવિષ્યમાં શું કરશે? શું આપણે સાચા અર્થમાં માનવી ઘડીએ છીએ કે બસ સફળતા પાછળ દોડતા યંત્ર બનાવીએ છીએ? આજે મોટા ભાગે દરેક ઘરમાં એક કે બે બાળકો હોય છે. તેમના પર પરિવારની જવાબદારી નાખવામાં આવે છે. પરંતુ ઘણીવાર માતા-પિતા પોતાની ભૂમિકા ભૂલી જાય છે. ક્યારેક અત્યંત લાડ કરે તો ક્યારેક સંપૂર્ણ અવગણના. આ બંને પ્રકારની પેરેન્ટિંગ અસંતુલન ઊભું કરે છે. ઘણા માતા-પિતા આજે બાળકો માટે બધું કરીને આપે છે. બાળકો જાતે ન ખાય તો ખવડાવે છે, પોતાની પાસે ભલે સારી સુવિધા ન હોય પણ બાળકોને મોબાઈલ, ટેબલેટ આપી દે છે. ૧૦મું ધોરણ આવે ત્યાં સુધી પણ જાતે શૂઝની લેસ બાંધી દેવી પડતી હોય છે. તેઓ નાના હોય ત્યારે તેમને દરેક સુવિધા આપવી સારી વાત છે, પરંતુ તેમનું ઘડતર કેવળ સુખ આપવાથી નહીં થાય.

બીજી બાજુ એવી પણ પરિસ્થિતિ છે જ્યાં બાળકોને સંભાળવાની જવાબદારી કોઈ ત્રીજી વ્યક્તિને આપવામાં આવે. તેમને દર મહિને સેલેરી આપે, તેને બદલે એ વ્યક્તિ બાળકનું ધ્યાન રાખે, એવું પણ ચલણ અત્યારે છે. ઘણા પેરેન્ટ્સ બાળકને દાદી-નાનીના ભરોસે રાખીને પોતે પોતાની રીતે લાઈફ જીવતા હોય છે. માતા-પિતા પોતે ધ્યાન નથી આપતા, પછી ખ્યાલ આવે ત્યારે ઉંમર નીકળી જાય છે. અને તેમને લાગે છે કે હવે તો પોતે જેમ દુનિયામાં લડીને આગળ વધ્યા, એમ સંતાન પણ વધશે. પણ સાચું કહીએ તો આજનો જમાનો અલગ છે. અહીં બાળક સાથે ચાલવું પડે છે, એને સમજવું પડે છે. અને ત્યારબાદ એ આત્મવિશ્વાસથી પોતાની જિંદગી જીવી શકે છે.

આજે ઘણાં યુવાઓ અભ્યાસ પછી પણ નોકરી નથી કરી શકતા. તેમને લાગે છે કે જે અભ્યાસ કર્યો છે, તેમાં જ ઊંચી નોકરી મળે તો જ કામ કરવું. ખરેખર જીવનમાં માત્ર ડિગ્રી નહિ, તમારા વર્તન, નમ્રતા, મહેનત કરવાની તૈયારી આ બધાનું મહત્ત્વ છે. એક તરફ માતા-પિતા વૃદ્ધ થઈ ગયા છે અને હજુ કામ કરી રહ્યા છે, જ્યારે સંતાન ઘેર બેસી રહ્યું છે. આવા કિસ્સામાં જવાબદારી કોની છે? સમયની, સમાજની, ટેક્નોલોજીની કે માતા-પિતાની પરવરિશની?

અહીં એક મોટું સવાલ છે: બાળપણ કેવળ સફળતા માટેની તૈયારી છે કે જીવવાની, શીખવાની, અનુભવવાની એક સુંદર સફર છે? આપણાં પૂર્વજો સાદગીથી જીવતા, કુદરતી ખોરાક લેતા, આયુર્વેદ માનતા, પરિવાર સાથે રહેતા અને શ્રદ્ધા ધરાવતા. આજે આપણે એ બધું ખોઈ બેઠા છીએ. નમ્રતા, સહિષ્ણુતા, કુટુંબતત્વ અને આધ્યાત્મ. આજે આપણને સમય નથી, ભક્તિનો નહિ, વાત કરવાનો પણ નહિ.

માતાપિતા તરીકે આપણું કાર્ય એ છે કે બાળક સાથે ચાલવું, તેમને માર્ગ બતાવવો, તેમને જીવન સમજાવવું. બાળકને દોડાવવાનું નહિ, પણ સાથે ચાલીને જીવનની સફરને યાદગાર બનાવવી. જેમ મુસાફરી વખતે આપણે બધું પ્લાન કરીએ, સહેજ રહીને આનંદ લઈએ, તેમ જીવન પણ બાળકો સાથે વહેંચવાનું, શીખવાનું, અને શીખવવાનું એક યાત્રા છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...