દયાળુ સ્વભાવ એ વીકનેસ નહીં સ્ટ્રેન્થ છે
દયાળુ સ્વભાવ એ વીકનેસ નહીં સ્ટ્રેન્થ છે
ધણા લોકોને એવું લાગે છે કે સ્વભાવ દયાળુ હોય તો તે એની વીકનેસ છે, પણ એવું નથી. દયા ક્યારેય વ્યર્થ નથી જતી. હું જાણું છું કે દયાળુ બનવા હિંમત જોઈએ, પણ મને એ પણ ખબર છે કે ભારતીય નાગરિકો તરીકે આપણામાં એ હિંમત છે. આપણે દેવ-દેવીઓથી અનંત આશીર્વાદ પામેલા છીએ. તાજેતરમાં, મેં ફોન પર એક જાહેરાત જોઈ હતી તેમાં આપત્તિઓ, અચાનક મૃત્યુ અને પરિવારને સુરક્ષિત બનાવવા માટે વીમા, મ્યુચ્યુઅલ ફંડ, બેંકિંગ સુવિધાઓ વગેરેના મહત્વ વિશે બોલીને શરૂ થઈ. આ બધું જરૂરી છે, પરંતુ મને વિચાર આવ્યો, શરૂઆત નકારાત્મકતાથી કેમ કરવી? સકારાત્મકતાથી કેમ નહીં? જીવનમાં જે થાય, આપણે બધા સુરક્ષિત રહેવું ઈચ્છીએ છીએ. જો આપણે સમજદારીપૂર્વક રોકાણ કરવાનું શીખીએ તો વધુ સારું અને સુંદર જીવન જીવી શકીએ. એ પછી વિશ્વમાં સકારાત્મક લહેરો ફેલાય. મારે ઘણી વાર કુટુંબના તહેવારોમાં જો કોઈ કાળો ડ્રેસ કે સાડી પહેરવા માગતો હોય, તો ચોક્કસ કોઈક વ્યક્તિ તરત કહી દે કે “આજે ઘરમાં કેટલો શુભ પ્રસંગ છે, કાળા કપડાં કેમ પહેરી રહ્યા છો?” ઘણીવાર મને વિચાર આવે છે કે વર્ષો જૂની માન્યતા માટે નાની બાબતોમાં એટલું મોટું પ્રતિક્રિયા આપીએ છીએ, જ્યારે મોટા પાયે થતી નકારાત્મક જાહેરાતો સહજતાથી સ્વીકારી લઈએ છીએ. એક જ વિચાર કે દયાભર્યો શબ્દ સમાજ પર સકારાત્મક અસર પેદા કરી શકે છે, તો આપણે એ તરફ વધુ ધ્યાન કેમ ન આપીએ? કહેવાય છે કે, દયાળુ હૃદય બગીચા જેવા હોય છે, દયાળુ વિચારો મૂળ જેવા હોય છે, દયાળુ શબ્દો જ્યાં જાય ત્યાં ફૂલ ખીલે છે અને દયાળુ કાર્ય આપણા જીવનના ફળ છે. આપણે થોડું વધુ દયાળુ થવું શીખીને આખું જીવન એને સાચવી શકીએ એમ કેમ નહીં?
શ્રવણબાધિત બાળકો સાથેના મારા સકારાત્મક અભિગમે મારું જીવન પણ વધુ સકારાત્મક બનાવી દીધું છે. આ બાળકો પાસેથી મેં દયા અને વિનમ્રતા શીખી છે. એક વખત 100 બહેરા બાળકો સાથે મા અંબાની આરતીમાં મને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. અન્ય છ આમંત્રિત મહેમાનો આવી શક્યા ન હતાં, તેથી મને બાળકો સાથે મા અંબાની આરતી કરવા મળી.આવી ઘણી તક મને મળી છે જ્યાં આ બાળકો સાથે ધાર્મિક પ્રસંગોનો સાક્ષી બની બની છે. તાજેતરમાં, જોશ ફાઉન્ડેશનના 26 બાળકો મહેંદી સ્પર્ધામાં ભાગ લીધેલો, જેમાંથી 9 ઈનામ અમારા બાળકો જીતી ગયા. એ પળે મને ખૂબ ગર્વ અનુભવાયો. મારા માટે તો દયાળુપણું જ જીવનનું સૌથી મોટું બળ છે.
જ્યારે આપણે સારા પર ધ્યાન આપીએ છીએ ત્યારે સારું જ વધે છે. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણે સ્પષ્ટ કહ્યું છે કે આપણને મગજ આપવામાં આવ્યું છે જેને નિષ્ઠાપૂર્વક વિકસાવવું છે. ફળ પર નહીં પણ શ્રેષ્ઠ પ્રયત્ન પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે જીવનની અડધી લડાઈ પહેલાથી જ જીતી લીધેલી ગણાય. આ જ વિચાર આપણાં મનમાં દરરોજ અને દરેક ક્ષણે હોવો જોઈએ. જીવન ચઢાવ-ઉતારથી ભરેલું છે, ભગવાન કૃષ્ણ પણ તેનો અપવાદ નહોતાં. બંનેને સમાન સૌમ્યતાથી સ્વીકારવા જોઈએ. મુશ્કેલ સમય આપણને શક્તિ અને આત્મવિશ્વાસ આપે છે, જ્યારે સુખી સમય આપણને ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું શીખવે છે. આપણે અનેક કુદરતી આફતો જોઈ છે, અનેક કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર આવ્યા છીએ. વિચારીએ તો જે ક્ષણોએ આપણું જીવન સાચે બદલ્યું, એ દયાળુપણું જ આપણું બળ બન્યું અને અશક્ય લાગતું શક્ય બનાવી દીધું.
ભારત આર્થિક, ટેકનોલોજી અને સંસ્કૃતિમાં સતત વિકાસ કરી રહ્યું છે, પણ આપણું સાચું બળ માત્ર ગગનચુંબી ઈમારતો, ઉદ્યોગો અથવા વૈશ્વિક સિદ્ધિઓમાં નથી. એ તો એ મૂલ્યોમાં છે, જે સદીઓથી આપણને ટકાવી રાખે છે. તેમાં દયા એ શાંતિપૂર્ણ શક્તિ છે જે અબજો હૃદયોને એક કરે છે. જેમ આપણું દેશ પોતાના નાગરિકોની કૌશલ્યથી આગળ વધે છે, તેમ જ આપણી દરેક દયાળુ ક્રિયા દેશના ભવિષ્યમાં અદૃશ્ય રોકાણ બને છે, જે સમાજને મજબૂત બનાવે છે, અંતર દૂર કરે છે અને એક એવા સમાજની રચના કરે છે જ્યાં વિકાસ માત્ર આંકડાઓમાં નહીં પરંતુ આપણે આપેલી કરુણામાં માપવામાં આવે છે.
દયાળુ હૃદય એવા ઘા ભરી શકે છે જેને કોઈ દવા ભરી ન શકે, અને એક કરુણાપૂર્ણ કાર્ય ત્યાં આશા જગાવી શકે છે જ્યાં આશા જ નહોતી. દયા આપણું સામૂહિક બળ બને છે, ત્યારે કોઈ પડકાર મોટો નથી, કોઈ સપનું દૂર નથી અને કોઈ ભવિષ્ય અનિશ્ચિત નથી. સાથે મળીને આપણે એવું ભારત બનાવી શકીએ જ્યાં પ્રગતિ માનવતાની સાથે હાથમાં હાથ નાખીને ચાલે.
Comments
Post a Comment