ઉંમર એ ફક્ત એક આંકડો જ છે, જે મન થાય એ કરવું જ જોઈએ
ઉંમર એ ફક્ત એક આંકડો જ છે, જે મન થાય એ કરવું જ જોઈએ
અમારી ક્લિનિકમાં ઘણી વાર વડીલ દર્દીઓ આવે છે, અને તેઓ જીવનને જુદા જુદા દૃષ્ટિકોણોથી જુએ છે. કોઈ કહે છે ‘હવે નિવૃત્ત થયા છીએ, હવે મિત્રો સાથે અને ખાસ કરીને પૌત્ર-પૌત્રીઓ સાથે વાતચીત કરવાનો સમય છે. તેથી મારી સાંભળવાની ક્ષમતા સુધારો.’ એક જીવંત વૃદ્ધાએ કહ્યું ‘હું એકલી રહું છું અને ઘણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાયેલી છું. તેમાં ભાગ લેવા માટે મને સારી રીતે સાંભળવું જ જોઈએ, તો કૃપા કરીને મારી મદદ કરો.’ કોઈ કહે છે ‘મારી ઉંમર વધી ગઈ છે, થોડી મુશ્કેલીઓ છે, પણ હું મારા સંતાનોને ભાર ન બનું, એટલે થોડું સાંભળું એ પૂરતું છે.’ તો કોઈ કહે છે ‘મને થોડું સાંભળાય છે, લોકો મને જોરથી બોલે છે, અને હું એ રીતે સંભાળી લઉં છું.’
દરેક વ્યક્તિની સાંભળવા અંગે પોતાની દૃષ્ટિ હોય છે. કોઈ માટે ઉંમર અમૂલ્ય છે, તો કોઈ માટે ભારરૂપ. કોઈ માટે તે ઉજવણી છે, તો કોઈ માટે દુઃખ. આવા વડીલોને મળતાં મને અમારા પ્રખ્યાત ગાયિકા સ્વ. લતા મંગેશકરજી યાદ આવે છે, જેઓ ૯૨ વર્ષની ઉંમરે પણ અંતિમ શ્વાસ સુધી મીઠી ધૂન ગાતાં રહ્યાં. તેમના માટે ઉંમર માત્ર એક આંકડો હતી. તેમણે પોતાનું જીવન પૂરેપૂરૂં પોતાના શોખ સાથે જીવ્યું. આવા લોકો જગતમાં દુર્લભ હોય છે.
હું ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના હજારો ચિત્રો જોયાં છે, પરંતુ એકેયમાં શ્રીકૃષ્ણને વૃદ્ધ અવસ્થામાં દર્શાવ્યા નથી. શાસ્ત્રોમાં જણાવાયું છે કે તેમણે ૧૨૫ વર્ષ જીવન જીવ્યું, છતાં તેમનો તેજસ્વી રૂપ હંમેશાં ૧૫ વર્ષના યુવક જેવો હતો. કોઈ દેવ-દેવીને વૃદ્ધાવસ્થામાં દર્શાવવામાં આવ્યા નથી. તેઓ પણ આ જગતમાં આવ્યા, પોતાનું કર્મ કર્યું અને માનવજાત માટે કથાઓ છોડી. તેમણે ઉંમર વિશે કોઈ માહિતી આપી નથી. કદાચ તેમની ધર્મ-કર્મની શિક્ષા મુજબ, ઉંમર માત્ર એક આંકડો છે. માણસ પોતે કેવું અનુભવે છે અને જીવનમાં કેવી રીતે વર્તે છે, એ જ એની ઉંમર નક્કી કરે છે.
થોડા સમય પહેલા એક એજ્યુકેટેડ લેડી અમારા ક્લિનિકમાં આવી. પાંચ વર્ષથી તેને સાંભળવામાં તકલીફ થતી હતી. તેને ઘણા હેલ્થ ઈશ્યુઝ હોવાને કારણે શ્રવણશક્તિ નબળી પડી હોવા પર ધ્યાન આપી શક્યા નહોતા, જેને કારણે તે પોતાના પતિ સાથે વાત કરે અને તેમની વાતો સંભળાય કે સમજાય નહીં તો ઘણી ગેરસમજ ઉભી થતી હતી. તેમ છતાં પતિએ ઘણી સહનશીલતા દાખવી. તેમણે પહેલાં ઘણા હિયરીંગ એઇડ અજમાવ્યાં હતાં, પરંતુ કોઈ કામ ના લાગ્યાં. અમે તેમની આરોગ્ય સમસ્યાઓ ધ્યાનમાં લઈને યોગ્ય હિયરીંગ એઇડ આપ્યાં. હવે તેઓ ખૂબ ખુશ છે. ખુશીના પળોમાં તેમણે પોતાના પતિને મજાકમાં કહ્યું ‘હવે ગયા પાંચ વર્ષનું પૂરું વળતર આપશુ.’ તેમની ઉંમર આશરે ૫૦ વર્ષની હશે, છતાં તેઓ અને તેમના પતિ અત્યંત ઉર્જાસભર અને સકારાત્મક હતા.
ઘણાં વખત નકારાત્મક વિચારો આપણા શરીર અને મન પર ભારે પડી જાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે મૂડ સ્વિંગ, ઉદાસીનતા, થાક કે એકલતા અનુભવાય છે. આ સમયમાં પતિ કારકિર્દીના શિખરે વ્યસ્ત હોય છે, તેથી સ્ત્રીઓ વધુ એકલતાનો અનુભવ કરે છે. પરંતુ જો દંપતી એકબીજાને માનસિક અને નૈતિક સહારો આપે, તો ઉંમર ખરેખર માત્ર એક આંકડો બની જાય છે અને જીવન વધુ આનંદમય બને છે. કહેવાય છે કે સકારાત્મક ઉર્જા વધારવી જરૂરી છે, જેથી પ્રેમ, આનંદ અને સુખજીવનનો સ્વીકાર કરી શકાય.
અમે તાજેતરમાં એક માતાને મળ્યા. તેમના બે પુત્રો છે. બીજા બાળકને જન્મ આપવા માટે તેમને દસ વર્ષ રાહ જોવી પડી અને વચ્ચે અનેક આરોગ્ય સમસ્યાઓ આવી. બીજા સંતાનને લઈને તેઓ હંમેશાં ચિંતિત રહેતાં. આજકાલ, વિજ્ઞાનની પ્રગતિ અને કારકિર્દી અંગેની લાગણીઓના કારણે ઘણી સ્ત્રીઓ મોડા વયે માતા બને છે અથવા વિવિધ સારવારથી માતૃત્વ મેળવે છે. આ પરિસ્થિતિ ક્યારેક માનસિક દબાણ લાવે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે બાળક પર પ્રતિકૂળ અસર પડશે. બાળક પોતાનાં ગતિમાન વિકાસ સાથે આગળ વધે છે. માતાપિતાની સાચી કાળજી અને પ્રેમથી પાલનપોષણ કોઈપણ ઉંમરે સરળ અને આનંદમય બની શકે છે.
મેં ક્યાંક વાંચ્યું છે કે નકારાત્મક વિચારોને હંમેશાં આભારી ભાવના સાથે બદલવા જોઈએ. જો નકારાત્મકતા પરેશાન કરે, તો તેને થોડી વાર માટે દૂર મૂકી, ભવિષ્ય તરફ સકારાત્મક કાર્ય કરવું જોઈએ. હું મારા અડખેલા દર્દીઓને કહું છું કે ‘તમને બોલવામાં મુશ્કેલી છે, એ સ્વીકારો, પરંતુ સાથે સારા બોલવાનો અભ્યાસ કરો.’ આ અભિગમ તેમને સશક્ત બનાવે છે. એટલે માણસ ક્યારેય પણ બદલાવ લાવી શકે છે, ઉંમરનો અહીં કોઈ મતલબ નથી.
મારા પોતાના જીવનમાં સકારાત્મક દૃઢનિશ્ચયે મને અંદરથી વિકસાવ્યો છે. દરરોજનો મારો સંકલ્પ કે ‘સાંભળી ન શકે એવા બાળકોની મદદ કરવી’ તેના કારણે હું અત્યાર સુધી અમારા જોશ ફાઉન્ડેશનની મદદથી ૨૫૦૦ થી વધારે ગરીબ બાળકોને મદદ કરી શકી છું.માનસિક સ્વાસ્થ્ય માટેનો સંકલ્પ મને સ્પષ્ટ નિર્ણયો લેવા મદદ કરે છે અને એક સકારાત્મક લેખક તરીકે ઊભું કરે છે. શારીરિક તંદુરસ્તી માટે કરેલો સંકલ્પ મને કિકબોક્સિંગ શીખવા પ્રેરિત રહી જેનાથી મને માનસિક સ્થિરતા મળી. નૃત્ય માટેનો મારો શોખ મને ખુશી આપે છે અને આંતરિક રીતે મજબૂત બનાવે છે. માણસ કોઈપણ ઉંમરે પોતાને બદલી શકે છે, વિશ્લેષણ કરી શકે છે અને નવા પગલાં લઈ શકે છે ઉંમર ખરેખર માત્ર એક આંકડો છે. વિજ્ઞાન કહે છે કે શારીરિક પ્રવૃત્તિ અજાણતાં ઉદ્ભવતા વિચારો અને ભાવનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ધ્યાન, યોગ, દોડવું, ચાલવું, નૃત્ય, રમતગમત જે ગમે તે શરીરને ચેતનાશીલ બનાવે છે. આવા પ્રવૃત્તિઓ એન્ડોર્ફિન્સ ઉત્પન્ન કરે છે, જે તણાવ અને દુઃખ દૂર કરે છે.
Comments
Post a Comment