સોશિયલ મીડિયાની સરખામણી કે સેલ્ફ-રિફ્લેક્શન? આપણે શું સાંભળવું અને શું જોવું તે નક્કી કરવું જરૂરી
સોશિયલ મીડિયાની સરખામણી કે સેલ્ફ-રિફ્લેક્શન? આપણે શું સાંભળવું અને શું જોવું તે નક્કી કરવું જરૂરી
ધ્વનિ અને દ્રશ્યમાં છુપાયેલી સકારાત્મકતાને એક પ્રજ્ઞાચક્ષુ કે શ્રવણની ક્ષતિ ધરાવતી વ્યક્તિ જેવી રીતે સમજી શકે, તેવી રીતે કદાચ બીજું કોઈ નહીં સમજી શકે. તાજેતરમાં જ મને મારી એક પેશન્ટને મળવાનો લ્હાવો મળ્યો, જેમના શ્રવણની તકલીફમાં છેલ્લા ૨૦ વર્ષથી હું તેમને મદદ કરી રહી છું. આજે તેઓ ૯૧ વર્ષના છે અને ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમના મુખેથી નીકળતો દરેક શબ્દ ભક્તિનો અર્ક છે.
તેમની ઈચ્છાને માન આપીને જ્યારે હું તેમને મળવા ગઈ, ત્યારે તેમણે જે શબ્દો કહ્યા તે મારા હૃદયને સ્પર્શી ગયા. તેમણે અત્યંત કૃતજ્ઞતા સાથે કહ્યું, તમે મને જે સાંભળવાની શક્તિ આપી, તેનો સૌથી મોટો ફાયદો એ નથી કે હું મારા પરિવાર સાથે વાત કરી શકું છું, પણ એ છે કે હવે હું મારો પોતાનો અવાજ સાંભળી શકું છું. મારો પોતાનો અવાજ સાંભળીને મને લાગે છે કે હું મારા પ્રભુ માટે વધુ સારી રીતે ભજન ગાઈ શકું છું. હવે મને ખાતરી થાય છે કે પ્રાર્થના કરતી વખતે મારા ઉચ્ચારો સાચા છે અને હું કોઈ ભૂલ નથી કરી રહી.
એક ૯૧ વર્ષની વયે ઈશ્વર પ્રત્યેનું આવું સમર્પણ જોઈ હું સ્તબ્ધ થઈ ગઈ. તેમણે પોતાના મન, હૃદય અને આત્મામાં ભગવાનની છબી કંડારી છે. પોતાના જ અવાજને સાંભળવાની ક્ષમતાએ તેમની ભક્તિ અને કૃતજ્ઞતાને વધુ મજબૂત બનાવી છે. તેમની વાતો સાંભળીને મને ખરા અર્થમાં સમજાયું કે ધ્વનિ અને દ્રશ્યની સકારાત્મકતા શું છે.
આજના ડિજિટલ યુગમાં, જ્યાં અવાજ અને દ્રશ્યોનો પ્રસાર અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે, ત્યાં આ માજી જેવી વ્યક્તિઓ આપણને એક નવી જ દ્રષ્ટિ આપે છે. સોશિયલ મીડિયા પર 'ઇન્ફ્લુએન્સર્સ' ઘણીવાર હરીફાઈ, સરખામણી, ઈર્ષ્યા અને છીછરાપણું પીરસે છે. તેનાથી વિપરીત, શ્રવણ કે દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો ભક્તિ અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડે છે.
આપણી ઇન્દ્રિયો, જેવી કે સાંભળવું અને જોવું, તેનો ઉપયોગ આપણે ખૂબ જ વિવેકપૂર્વક કરવો જોઈએ. કમનસીબે, આજના ભાગદોડભર્યા જીવનમાં ઘોંઘાટ અને ડિજિટલ ઉપકરણોના અતિરેકને કારણે વર્ષ ૨૦૫૦ સુધીમાં અંદાજે ૨.૫ કરોડ યુવાનો શ્રવણશક્તિ ગુમાવી શકે છે. તેવી જ રીતે, સ્ક્રીન સામે સતત બેસી રહેવાથી દ્રષ્ટિને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આ એક ચેતવણી છે કે આપણે આપણી ઇન્દ્રિયોને સાચવીએ અને તેનો સદુપયોગ કરીએ.
જે બાળકો જન્મથી સાંભળી શકતા નથી, તેઓ જ્યારે હિયરિંગ એડ કે કોક્લિયર ઈમ્પ્લાન્ટની મદદથી અવાજ સાંભળે છે, ત્યારે તેઓ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા મથે છે. તેઓ લિપ-રીડિંગ (હોઠના હલનચલન) જેવા દ્રશ્ય સંકેતોનો ઉપયોગ કરીને સમાજ સાથે જોડાવા પ્રયત્ન કરે છે. તેવી જ રીતે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ દ્રશ્યો જોઈ શકતા નથી, પણ તેમની સાંભળવાની શક્તિ અત્યંત તેજ હોય છે અને તેઓ બ્રેઈલ લિપિ દ્વારા સ્પર્શથી જ્ઞાન મેળવે છે. જો તમારે ધ્વનિ અને દ્રશ્યની સાચી સકારાત્મકતાનો અનુભવ કરવો હોય, તો આવી વ્યક્તિઓ સાથે સમય વિતાવવો જોઈએ. તેમની લડાયક વૃત્તિ અને જીવન જીવવાની રીત આપણને ઘણું શીખવે છે.
અમે પ્રેક્ટિસમાં એવા સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ જે અવાજ અને વાણીની પેટર્નનું વિશ્લેષણ કરે છે. આ ટેકનોલોજી દ્વારા દર્દીને ખબર પડે છે કે તેના અવાજમાં અને સામાન્ય અવાજમાં શું તફાવત છે. સોશિયલ મીડિયાની સરખામણી ઈર્ષ્યા જન્માવે છે, જ્યારે આ ટેકનિકલ વિશ્લેષણ પ્રગતિનો માર્ગ બતાવે છે. જ્યારે કોઈ સાંભળવાની ક્ષતિ ધરાવતી વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જેવો અવાજ કાઢતા શીખે છે, ત્યારે તેના ચહેરા પરની સકારાત્મકતા અને ઉત્સાહ જોવા જેવો હોય છે.
આકાશની જેમ સકારાત્મકતાની પણ કોઈ મર્યાદા નથી. બધું જ આપણી ધારણા પર નિર્ભર છે. કોઈને સચિત્ર પુસ્તકો વાંચવા ગમે છે, તો કોઈને ઓડિયોબુક્સ સાંભળવી ગમે છે. કોઈને ગંભીર સંગીત ગમે છે, તો કોઈને શાંત કે સૂફી સંગીત. આધ્યાત્મિક સ્થળોએ થતી પ્રાર્થનાઓ અને ભજનો આત્માને જે શાંતિ આપે છે, તે અજોડ છે. ઈશ્વરની છબીને હૃદયમાં ધારીને જ્યારે કોઈ ભજન સંભળાય, ત્યારે જીવનની બધી મુશ્કેલીઓ નાની લાગે છે.
ભગવાન શ્રીકૃષ્ણની બાળપ્રતિમા અને તેમની વાંસળીનો મધુર નાદ આખી સૃષ્ટિને મંત્રમુગ્ધ કરી દેતો. એ દ્રશ્ય અને ધ્વનિ લોકોમાં આશા અને ઊર્જા ભરતા. પરંતુ આજે? સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને નકારાત્મક દ્રશ્યોનો મારો ચાલે છે, જે ધીમે ધીમે આપણી માનસિક શાંતિ છીનવી રહ્યા છે. શું આ યોગ્ય સમય નથી કે આપણે શું જોવું અને શું સાંભળવું તેની પસંદગી જાતે કરીએ?
આજના સમયમાં આપણી પાસે આપણા ફોટો-વીડિયો સાચવવાની સુવિધા છે. આપણે ક્યારેક પાછળ વળીને જોવું જોઈએ કે આપણે લીધેલી તસવીરોમાં સ્મિત વહેંચ્યું છે કે અભિમાન? આપણે બોલેલા શબ્દોએ કોઈને પ્રોત્સાહિત કર્યા છે કે કોઈનું દિલ દુભાવ્યું છે? જો આપણે આપણા પોતાના અવાજ અને છબીનું નિષ્પક્ષ વિશ્લેષણ કરીએ, તો આપણે સમજી શકીશું કે આપણે સમાજમાં કેટલી સકારાત્મકતા ફેલાવી રહ્યા છીએ.
કહેવાય છે કે જે વ્યક્તિ અરીસામાં પોતાની જાત સાથે આંખ મિલાવી શકે છે, તે દુનિયામાં ગમે તેનો સામનો કરી શકે છે. સંગીત અને ફિલ્મો પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે. એક નાનકડું ગીત પણ આપણો મૂડ બદલી શકે છે અને એક સારી ફિલ્મ આપણને જીવન જીવવાની પ્રેરણા આપી શકે છે.
Comments
Post a Comment