સંવેદનાનું સ્ટેજ, માનવતાનો વેશ
સંવેદનાનું સ્ટેજ, માનવતાનો વેશ
તાજેતરમાં જોશ ફાઉન્ડેશન દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો, જેનો વિષય હતો વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. આ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ જીવન પ્રત્યેના એક સર્વગ્રાહી અભિગમનું જીવંત ઉદાહરણ હતું. જ્યારે 14 વિવિધ શાળાઓના 230 થી વધુ શ્રવણમંદ બાળકો મંચ પર પરફોર્મ કરવા ઉતર્યા, ત્યારે વાતાવરણમાં એક અદભૂત ઉર્જાનો સંચાર થયો. આ એવા બાળકો હતા જે સાંભળી શકતા નથી, પણ જેમની સંવેદનાઓ દુનિયાના કોઈ પણ સામાન્ય માણસ કરતા કદાચ વધુ તીવ્ર છે.
સામાન્ય રીતે આ ખાસ બાળકોને કોઈપણ વિષય સમજાવવા અને તૈયાર કરવા માટે સમય લાગે છે. અમે તેમને બે મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ પરિણામ જે આવ્યું તે અકલ્પનીય હતું. દરેક શાળાએ આ થીમને પોતાની રીતે રજૂ કરી. કોઈએ માનવ તસ્કરી, સ્ત્રી અત્યાચાર અને ગરીબી જેવા સામાજિક દૂષણો પર પ્રહાર કર્યો, તો કોઈએ ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી વિશ્વને વધુ સુંદર બનાવવાનો સંદેશ આપ્યો.
કેટલીક કૃતિઓમાં ભારતની વિવિધતા અને સંયુક્ત પરિવારના મૂલ્યોની ઝલક જોવા મળી, તો કેટલીક શાળાઓએ પર્યાવરણની જાળવણી, પ્રદૂષણ મુક્તિ અને વડીલો તેમજ પશુ-પંખીઓ પ્રત્યેના આદરને 'એક ધરતી' ના પાયા તરીકે દર્શાવ્યા. આ બાળકો ખરેખર આપણા ગ્રહ માટે શ્રેષ્ઠ સંદેશવાહક સાબિત થયા.
મને ઘણીવાર લાગે છે કે આ બાળકો જીવનની વાસ્તવિકતાને આપણા કરતા વધુ સારી રીતે સમજે છે. કાર્યક્રમ દરમિયાન એક દ્રશ્ય મારી આંખમાં વસી ગયું છે. એક નૃત્ય પ્રદર્શન (લેઝિમ) દરમિયાન, એક બાળકની પાસે એક તરફનું લેઝિમ નહોતું, જ્યારે તેની સામે ઉભેલા બીજા બાળક પાસે ભૂલથી બે લેઝિમ આવી ગયા હતા. સંગીતના તાલે નાચતા-નાચતા, સેકન્ડના પણ વિલંબ વગર, પેલા બાળકે પોતાનું વધારાનું લેઝિમ બીજા સાથીદારને પાસ કરી દીધું. પ્રેક્ષકોને ખબર પણ ના પડી કે કોઈ ભૂલ થઈ હતી.
આ ઘટના શીખવે છે કે ટીમવર્ક અને સંવેદના શું છે. આપણે જેમને સામાન્ય કહીએ છીએ, તેવા લોકો ઘણીવાર નાની ભૂલ પર એકબીજાને ઉતારી પાડતા હોય છે. મને યાદ છે કે એક જાણીતા ડાન્સ ગ્રુપના પરફોર્મન્સમાં જ્યારે એક છોકરીના માથા પરથી માટલું પડી ગયું, ત્યારે તેના શિક્ષકે તેને સ્ટેજ પર જ ખરાબ રીતે ધમકાવી હતી. પરિણામે એ બાળકીનો આત્મવિશ્વાસ કાયમ માટે તૂટી ગયો. જ્યારે અહીં, આ સ્પેશિયલ બાળકોએ સાબિત કર્યું કે સાચું નેતૃત્વ ભૂલો કાઢવામાં નહીં, પણ એકબીજાને સંભાળી લેવામાં છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જે સંદેશ આપ્યો છે કે આપણે સૌ એક જ પરિવાર છીએ, તેનું જીવંત દર્શન આ બાળકોમાં જોવા મળ્યું. જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્તરના ભેદભાવ વગર આ બાળકો એકબીજાને તૈયાર થવામાં મદદ કરતા હતા, ભૂલ પડે તો સાથ આપતા હતા. જ્યારે આપણી પાસે તમામ ઇન્દ્રિયો સલામત છે, અત્યાધુનિક ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, છતાં આપણે ઈર્ષ્યા અને અહંકારમાં રાચીએ છીએ. આ બાળકો પાસે સાંભળવાની શક્તિ નથી, છતાં તેમની પાસે સમજવાની અને પ્રેમ કરવાની અખૂટ શક્તિ છે.
આ પ્રસંગે આધ્યાત્મિક ગુરુ ગૌરાંગ દાસ પ્રભુની હાજરીએ વાતાવરણને પવિત્ર બનાવી દીધું. તેમણે આ બાળકોના ભવિષ્ય માટે માર્ગદર્શન આપવાની ખાતરી આપી. તે જ સમયે, અમે એક 30 વર્ષીય શ્રવણમંદ યુવાનનું સન્માન કર્યું જે એડવર્ટાઈઝિંગ ક્ષેત્રે નેશનલ એવોર્ડ જીત્યો છે. પરંતુ સ્ટેજ પર આવતા પહેલા તેણે જે કહ્યું તે હૃદયને સ્પર્શી ગયું. તેણે કહ્યું કે મારી પત્ની પણ સાંભળી શકતી નથી, પણ તેણે સંઘર્ષ કરીને ત્રણ ડીગ્રી મેળવી છે. જો મારું સન્માન થતું હોય, તો તેનું પણ થવું જોઈએ.
આ પ્રેમ અને પરસ્પર સન્માનની પરાકાષ્ઠા હતી. શું આપણે આપણી સામાન્ય ગણાતી જિંદગીમાં જીવનસાથીના સંઘર્ષને આ રીતે બિરદાવીએ છીએ? આ યુવાનની નમ્રતા અને પોતાની પત્ની પ્રત્યેનો આદર આપણા સૌ માટે શીખવા જેવો પાઠ છે.
એટલું જ નહીં, એ યુવાને મને ફોન કરીને પૂછ્યું કે, શું હું વૃંદાવનથી આવેલા ગુરુજી સાથે વાત કરી શકું? મારે જાણવું છે કે ભગવાને મને આવી સ્થિતિમાં કેમ જન્મ આપ્યો અને હવે હું આધ્યાત્મિકતા દ્વારા મારા જેવા બીજા અનેક લોકોની મદદ કેવી રીતે કરી શકું? તેની વાતોમાં ક્યાંય પોતાની ખામી માટે ફરિયાદ નહોતી, પણ અન્યો માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી.
આ કાર્યક્રમના દરેક ક્ષણે મને એક બહેતર ઇન્સાન બનવાની પ્રેરણા આપી છે. આ બાળકો સમાજનું અંગ માત્ર નથી, તેઓ સમાજના માર્ગદર્શક છે. તેમની એકતા, શિસ્ત અને સ્મિત આપણને યાદ અપાવે છે કે માનવતા ત્યારે જ ખીલશે જ્યારે આપણે અવરોધો છોડીને એકબીજાના પૂરક બનીશું.
Comments
Post a Comment