સોશિયલ મીડિયા શાપ કે વરદાન, પસંદગી આપણી છે

 સોશિયલ મીડિયા શાપ કે વરદાન, પસંદગી આપણી છે


સવારના ઉઠતાની સાથે જ હાથમાં સ્માર્ટફોન અને સ્ક્રીન પર સોશિયલ મીડિયાની નોટિફિકેશન એ આપણી જીવનશૈલીનો અવિભાજ્ય અંગ બની ગઈ છે. ડિજિટલ ક્રાંતિએ માનવજાતને જોડવાની, વાતચીત કરવાની અને માહિતી મેળવવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. સોશિયલ મીડિયા આજે માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ તે માનવીય લાગણીઓ, સામાજિક અભિપ્રાયો અને સંબંધોને આકાર આપતું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. ઘણીવાર ચર્ચાઓ થાય છે કે સોશિયલ મીડિયા આપણને સમાજથી કાપી રહ્યું છે, પણ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો આ સિક્કાની બીજી બાજુ અત્યંત આશાસ્પદ અને પ્રેરણાદાયી છે.


મારા માટે સોશિયલ મીડિયા એ માત્ર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ્સ નથી, પણ તે સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા બાળકો માટેની એક બારી છે. આ એવા બાળકો છે જેમની પાસે વાચા નથી, પણ જેમના સપનાઓમાં પાંખો છે. મેં જોયું છે કે જ્યારે આ બાળકોની સંઘર્ષગાથા, તેમની નાની-નાની સિદ્ધિઓ અને તેમની જીજીવિષાને મેં ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી, ત્યારે તે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી.


જે બાળક ક્યારેય બોલી શકતું નહોતું, તે આજે સંગીત, કલા અને નૃત્ય દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યું છે. જ્યારે આવા બાળકોના હાસ્ય અને તેમની મહેનતના વીડિયો વાયરલ થાય છે, ત્યારે તે માત્ર વ્યુઝ નથી મેળવતા, પણ લોકોની માનસિકતા બદલે છે. તે સમાજમાં રહેલી વિકલાંગતા પ્રત્યેની ગેરમાન્યતાઓને તોડે છે અને સર્વસમાવેશક સમાજ તરફ એક ડગલું માંડે છે. સોશિયલ મીડિયાએ એવા લોકોને અવાજ આપ્યો છે જેઓ વર્ષો સુધી અદ્રશ્ય હતા.


વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ વધી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા ભારતની ભવ્ય વિરાસતને જીવંત રાખવાનું કામ કરી રહ્યું છે. વૃંદાવનની હોળીના રંગો હોય કે મહાકુંભનો અવિરત માનવમહેરામણ આ દ્રશ્યો જ્યારે સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચે છે, ત્યારે યુવા પેઢીમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે કુતૂહલ જાગે છે.


પરંતુ, મારો આગ્રહ છે કે આપણે માત્ર આ સુંદર છબીઓને જોઈને અટકી ન જઈએ. ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો જેમાં પ્રેમ, નિઃસ્વાર્થ સેવા અને એકતાનો સંદેશ છે તેને જીવનમાં ઉતારવાની જરૂર છે. જો આ ડિજિટલ પ્લેટફોર્મ્સ આપણને ફરીથી આપણા પ્રાચીન ગ્રંથો, આધ્યાત્મિકતા અને માનવતાના મૂળ તરફ દોરી જાય, તો ચોક્કસપણે તે આ અંધકારમય યુગમાં પ્રકાશ સમાન સાબિત થશે.


એ વાત નકારી શકાય તેમ નથી કે સોશિયલ મીડિયાએ સંબંધોના સમીકરણો બદલી નાખ્યા છે. આજે ડાઈનિંગ ટેબલ પર આખું પરિવાર સાથે બેઠું હોય છે, પણ દરેકની નજર પોતપોતાના ફોનમાં હોય છે. આપણે મેસેજ પર કલાકો સુધી વાતો કરીએ છીએ, પણ રૂબરૂ મળવાની એ ઉષ્મા ખોવાઈ રહી છે. જોકે, આ જ માધ્યમનો સકારાત્મક પક્ષ એ છે કે તે વર્ષોથી ખોવાયેલા મિત્રોને મેળવી આપે છે. સાત સમંદર પાર બેઠેલા સ્વજનો સાથે વીડિયો કોલ દ્વારા આપણને એવું લાગે છે કે તેઓ આપણી પાસે જ છે.


સોશિયલ મીડિયા એક બેધારી તલવાર છે. તે આપણને જોડી પણ શકે છે અને તોડી પણ શકે છે. જરૂર છે તો માત્ર સજાગ રહેવાની. જો આપણે ઉપરછલ્લી લાઈક્સ અને કોમેન્ટ્સની પાછળ દોડવાને બદલે અર્થપૂર્ણ સંવાદ સાધીએ, તો આ ટેકનોલોજી વરદાન સાબિત થાય.


ડિજિટલ યુગે જ્ઞાનના દ્વાર ખોલી દીધા છે. સ્પેસ એક્સપ્લોરેશનની માહિતી હોય, પર્યાવરણ બચાવવાની ઝુંબેશ હોય કે તબીબી ક્ષેત્રના નવા સંશોધનો બધું જ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. કોઈ ડૉક્ટર જ્યારે સ્વાસ્થ્ય વિશેની ગેરમાન્યતાઓ દૂર કરે છે અથવા કોઈ વૈજ્ઞાનિક બ્રહ્માંડના રહસ્યો સમજાવે છે, ત્યારે સમાજમાં એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે. પરંતુ, સાવચેતી ત્યાં રાખવાની છે કે ફેક ન્યૂઝ કે ખોટી માહિતીના પ્રવાહમાં આપણે તણાઈ ન જઈએ. વિશ્વસનીય સ્ત્રોતો પસંદ કરવા એ આપણી જવાબદારી છે.


આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નકારાત્મક સમાચાર જલ્દી ફેલાય છે. તેવા સમયે સોશિયલ મીડિયા પર સકારાત્મકતા ફેલાવવી એ એક પુણ્યનું કામ છે. કોઈની મદદની નાની અમથી પોસ્ટ, સફળતાની પ્રેરણાદાયી વાર્તા કે પછી પ્રોત્સાહન આપતા બે શબ્દો – આ બધું જ કોઈના જીવનમાં આશાનો સંચાર કરી શકે છે. ઇન્ટરનેટ એક ઉર્જા છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે નકારાત્મકતા ફેલાવવી છે કે પ્રેમ અને હૂંફ?


આપણે પોતાને પૂછવાની જરૂર છે: શું આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ આનંદ ફેલાવવા માટે કરીએ છીએ કે પછી ઈર્ષ્યા અને ટીકા કરવા માટે? આપણે માત્ર સ્ક્રોલ કરીએ છીએ કે કંઈક શીખીએ છીએ? જો આપણે આપણા ડિજિટલ વ્યવહારમાં સુધારો લાવીએ, તો સોશિયલ મીડિયા આપણને કંટ્રોલ કરવાને બદલે આપણી પ્રગતિનું સાધન બનશે.


સોશિયલ મીડિયા એ અરીસો છે; આપણે તેમાં જેવું જોઈએ તેવું દેખાય છે. તે પોતે સારું કે ખરાબ નથી, પણ આપણો ઉપયોગ તેને વ્યાખ્યાયિત કરે છે. તે માનસિક તણાવ પણ આપી શકે છે અને માનસિક શાંતિનો માર્ગ પણ બતાવી શકે છે. ચાલો, આ ડિજિટલ યુગમાં આપણે માત્ર યુઝર જ નહીં, પણ એક જવાબદાર નાગરિક બનીએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા નહીં, પણ માનવતા, એકતા અને પરિવર્તન લાવવા માટે કરીએ

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...