|| શ્રદ્ધા રાખવાથી ચમત્કારો સર્જાશે! ||
'વિશ્વાસે વહાણ ચાલે' એ ઉક્તિ ઘણી પ્રચલિત છે. વિશ્વાસનું બીજું નામ શ્રદ્ધા. જો તમે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને પૂર્ણ રીતે અથવા સારી રીતે સમજી લેશો તો તમને જીવવાની પણ ઘણી મજા આવશે.
આપણે જોઈ શકીએ છીએ કે ભગવાને પર્વતો, નદીઓ, સૂર્ય-ચંદ્ર-તારાઓ, પશુ-પંખીઓ, વગેરે સાથેનું વિશ્વ બનાવ્યું છે. મનુષ્યને એ બધી જ વસ્તુઓ ગમે છે. પ્રભુએ મનુષ્યને એવો બનાવ્યો છે કે એ વિચાર કરી શકે છે અને અકલ્પનીય સર્જનો પણ કરી શકે છે. જો કે, એ બધું સર્જન કર્યા પછી માણસે સમજી લેવું જોઈએ કે ભગવાનના સાથ વગર એ બધાં સર્જન શક્ય નથી; તેની મદદથી જ મનુષ્ય બધું કરી શકે છે.
શ્રીકૃષ્ણ હંમેશાં ગાયોથી ઘેરાયેલા રહેતા અને ગાયની નિર્દોષતા તેમને ગમતી. ગાયની પાસે મનુષ્ય જેવું મગજ નથી. તેને હંમેશાં બીજાને કંઈક આપવાનું ગમે છે. આપણે ગોગ્રાસ આપીએ નહીં તોપણ એ દૂધ આપવાની ના પાડતી નથી. ગાયને કોઈ શિરપાવની પણ અપેક્ષા હોતી નથી. ગાય હોય કે બીજો કોઈ જીવ હોય, તેમની રચના કુદરતે એવી રીતે કરી છે કે મુશ્કેલ સ્થિતિઓમાં તેઓ બીજાઓની કાળજી રાખે છે. તેઓ શ્રદ્ધાનું ખરું પ્રતીક છે.
ભગવાને મનુષ્યને પણ ઘણું જ સુંદર જીવન આપ્યું છે. આપણા જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવતા હોય છે. એ બધા સમયે આપણે યાદ રાખવું જોઈએ કે ભગવાન આપણી સાથે છે. આ યાદ એટલે જ શ્રદ્ધા. જ્યારે પણ આપણને કોઈ તકલીફ પડે ત્યારે સૂર્યનો વિચાર કરવો, કારણ કે આપણે જાણીએ છીએ કે બીજા દિવસે સૂર્યોદય થયા વગર રહેવાનો નથી. આપણે ચંદ્ર સામે જોવાનું પણ શીખવું જોઈએ, કારણ કે તેના પરથી આપણને એ શીખવા મળે છે કે અંધકારમાં તેની પાસેથી પ્રકાશ મળી રહે છે. દરેક મનુષ્યે બીજા મનુષ્યના જીવનમાં અજવાળું ફેલાવવાનો પ્રયાસ કરવો જોઈએ; તેના માટે યોગ્ય સમયની રાહ જોવી જોઈએ.
માણસે સદાય સકારાત્મક અને આશાવાદી હોવું જોઈએ અને મુશ્કેલીઓને અતિક્રમી જવા માટેની તકો શોધવી જોઈએ.
વિકલાંગ બાળકોને મદદરૂપ થઈને તથા તેમને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢતાં જોઈને હું વધુ ને વધુ આશાવાદી બનતી ગઈ છું. એમને જોઈને મને હંમેશાં એમ જ લાગે છે કે મને આ તક મળી હોવાથી મારે મનુષ્ય તરીકે ભગવાનમાં શ્રદ્ધા રાખીને તે ઝડપી લેવી જોઈએ તથા તેમાં સારું પરિણામ પ્રાપ્ત કરવું જોઈએ. જો હું એમ કરી શકું તો એ મારા માટે અને બાળકો માટે બોનસ કહેવાય. જો હું એમ કરી શકું નહીં તોપણ એમાં મારે કે બાળકોએ કંઈ ગુમાવવાનું નથી.
હું એ બધિર (શ્રવણમંદ) બાળકો પાસેથી શીખી શકી છું કે મનની શુદ્ધતા અને નિર્દોષતાથી મનુષ્ય શાંતિ અને સ્થિરતા સાથે તમામ પ્રતિકૂળતાઓનો સ્વીકાર અને સામનો કરી શકે છે તથા સુંદર જીવન વ્યતિત કરી શકે છે.
હવે સમય આવી ગયો છે કે દરેક વ્યક્તિએ પોતાના વ્યવહાર બાબતે વિશ્લેષણ કરીને ગણતરીબાજ બનવાને બદલે સૌની સાથે નમ્ર વ્યવહાર કરવા વિશે વિચારવું જોઈએ. દરેકે એકબીજાને વિકાસ સાધવા માટે મદદરૂપ થવાની આવશ્યકતા છે. જીવનમાં આવતા તડકા-છાંયડા વિશે વિચાર કરીને પોતાની પાસેથી પણ ઓછામાં ઓછી અપેક્ષાઓ રાખવાનો સમય આવી ગયો છે. રોજિંદી પરિસ્થિતિમાંથી કેવી રીતે માર્ગ કાઢવો એ શીખવાનું શરૂ કરી દેવું જોઈએ.
બીજા મનુષ્યોને મદદરૂપ થવામાં, જરૂરતમંદોને સહાય કરવામાં તથા અન્ય જીવો સાથેના પોતાના દરેક વ્યવહારમાં પ્રામાણિકતા રાખવામાં જ ખરું સુખ સમાયેલું છે, એવું જ્યારે સમજાઈ જશે એ દિવસે આપણે ભયમુક્ત થઈ જઈશું, આપણામાં આત્મવિશ્વાસ જાગશે અને ચમત્કારો થવા લાગશે, કારણ કે ઈશ્વર આપણાં સારાં કર્મો નિહાળતો હશે.
હા, હું ફરી એક વખત કહું છું કે શ્રદ્ધા રાખવાથી ચમત્કારો સર્જાશે.
Comments
Post a Comment