ચાલો, આપણે શરીર, મન અને આત્માને તંદુરસ્ત બનાવીએ અને જિંદગીને માણીએ

 

|| ચાલો, આપણે શરીર, મન અને આત્માને તંદુરસ્ત બનાવીએ અને જિંદગીને માણીએ ||

શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત અને મન તંદુરસ્ત તો આત્મા તંદુરસ્ત.

હાલ કોરોનાના રોગચાળાને કારણે કપરો સમય ચાલી રહ્યો છે. આ રોગચાળાએ આપણને તંદુરસ્તી જાળવવાનું મહત્ત્વ સમજાવી દીધું છે. પૈસા અને પ્રતિષ્ઠા કરતાં આપણું શારીરિક અને માનસિક આરોગ્ય વધારે મહત્ત્વનું છે એ પણ આપણે સમજી ગયા છીએ. મન, શરીર અને આત્મા જ્યારે એક જ દિશામાં જતાં હોય ત્યારે આપણને મળતો જીવનનો આનંદ અલગ જ હોય છે. જેને સંતોષ હોય એ માણસ જીવનને જાણી અને માણી શકે છે.

પૃથ્વીના પરિભ્રમણને લીધે દિવસ-રાત થાય છે. દિવસનો સમય આપણા મગજ અને શરીરને કામ કરવા માટે હોય છે અને રાતનો સમય એમને આરામ કરાવવા માટેનો હોય છે. જો શરીરને પૂરતો આરામ મળ્યો હોય તો મન પણ સારી રીતે કામ કરી શકે છે. શરીર જેટલું કરવા દે એટલું જ કામ કરવું જોઈએ. શારીરિક આરોગ્ય સાચવ્યું હોય તો માનસિક આરોગ્ય જળવાઈ રહે છે.

ચંદ્રની કળા કૃષ્ણ અને શુક્લ એમ બન્ને પક્ષમાં વધ-ઘટ થાય છે. આપણે જોયું છે કે આપણા મોટાભાગના તહેવારો શુક્લ પક્ષમાં હોય છે, જ્યારે ચંદ્રની કળા વધતી હોય છે. એ કાળમાં ઘણી સકારાત્મકતા હોય છે.

આપણા શરીરને આરામની જરૂર હોય છે, જેથી આપણે સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરી શકીએ.

અહીં મને શ્રીકૃષ્ણનું સુદર્શનચક્ર યાદ આવે છે. જ્યારે પણ પૃથ્વી પર અધર્મ હદ બહાર ફેલાઈ જાય છે ત્યારે એ સુદર્શનચક્ર ફરે છે. તેના દ્વારા નઠારી વસ્તુઓનો નાશ થાય છે અને લોકોને ધર્મનું મહત્ત્વ સમજાય છે. આજે આપણે પ્રાર્થના કરીએ કે એ સુદર્શનચક્ર આપણી આસપાસથી નકારાત્મકતાને દૂર કરે.

કોરોના રોગચાળાએ આપણને શીખવ્યું છે કે અન્ન – જળ અને હવા આપણને ઈશ્વરે જ આપેલાં છે. આ સુંદર વિશ્વની રચના આપણા માટે જ થઈ છે, પરંતુ આપણે તેનું મૂલ્ય ભૂલી બેઠા છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે મનને જાગૃત કરીએ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ.

આપણા નકારાત્મક વિચારો, ટેક્નૉલૉજીને મનુષ્યથી વધુ અપાતું મહત્ત્વ અને આપણે હાંસલ કરેલી શક્તિથી આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. મન અને શરીરને ઘસારો લાગ્યો હોવાથી આપણે આ પરિસ્થિતિમાં મુકાયા છીએ. હવે પરિવર્તન લાવ્યા વગર છૂટકો નથી.

આ પૃથ્વી પર વિચારવાની શક્તિ ફક્ત મનુષ્યને મળેલી છે. આપણે તેના દ્વારા આત્મચિંતન કરીને સ્વની ઓળખ કરી શકીએ છીએ. હવે આપણે એ જાણી લેવું જોઈએ કે મગજને બદલે હૃદયથી કામ લેવાનો સમય આવ્યો છે. આપણે હૃદયને શુદ્ધ બનાવીને પરિવારને, સંબંધીઓ, પરિચિતો સહિત સૌ મનુષ્યોને હૂંફ આપવાની તથા પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવાની જરૂર છે.

આઠ કલાક કામ માટે છે, આઠ કલાક આરામ માટે છે અને આઠ કલાક પોતાના માટે છે એ વાતને સમજી લઈને જિંદગીને ચાહતા શીખવાની જરૂર છે. સ્વની ઓળખ કરી લેવાથી સંતોષ પ્રાપ્ત થાય છે અને પૂરતો આરામ લેવાથી શરીર અને મન તંદુરસ્ત રહે છે.

હું અહીં કમાન્ડર જે. નાથની વાત કરીશ. હું છેલ્લાં થોડાં વર્ષોથી એમના સંપર્કમાં આવી છું. તેઓ દેશ માટે લડી ચૂક્યા છે અને બે વાર મહાવીરચક્ર પ્રાપ્ત કરી ચૂક્યા છે. આજે 90 વર્ષની ઉંમરે પણ તેઓ ચુસ્તી-સ્ફૂર્તિ ધરાવે છે. તેઓ ચાલે છે ત્યારે એમનામાં આત્મવિશ્વાસ ડોકાય છે. તેમણે નમ્રતા ટકાવી રાખી છે અને હજી પણ જરૂરિયાતમંદોને મદદ કરે છે. એમણે સ્વયં-શિસ્તનું પાલન કરીને બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એમનું મન સતેજ અને આત્મા શુદ્ધ હોવાથી તેઓ નમ્ર રહી શકે છે.

મને લાગે છે કે આપણે સંગઠનશક્તિ દ્વારા તથા આપણાં શરીર અને મનની સાચી ઓળખ દ્વારા પોતાને કાર્યક્ષમ રાખી શકીએ છીએ. મન અને શરીરને એક જ દિશામાં કામ કરતાં રાખીને આપણે સાચા-ખોટાની પરખ કરતાં શીખવું જોઈએ અને જે કામ કરીએ તેમાં સકારાત્મકતા રાખવી જોઈએ.

સૌ મનુષ્યો સાથે મળીને કામ કરવા લાગે તો ઘણા મોટા-મોટા ચમત્કારો સર્જી શકાય છે. તો ચાલો, આપણે શરીર, મન અને આત્માને તંદુરસ્ત બનાવીએ અને જિંદગીને માણીએ.

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...