બીજાઓનાં સારાં કાર્યોમાંથી પ્રેરણા લો અને જરૂરિયાતમંદ લોકો માટે પ્રેરણારૂપ બનો
પ્રેરણા શબ્દમાં જ પ્રેરણા રહેલી છે. રાત્રિના સમયે દેખાતી આકાશગંગા શ્રેષ્ઠ પ્રેરણા છે. પૃથ્વી પર વિશાળ જનસમુદાય છે એ જ રીતે આકાશમાં ઘણા તારાઓની વસતિ છે. આકાશમાંના તારાઓને નામ આપવામાં આવ્યાં છે અને એના પરથી રાશિઓ પણ બની છે. દૂરબીન દ્વારા આપણે વિવિધ તારાઓને જોઈને એમની ઓળખ કરી શકીએ છીએ. આપણે ભલે અમુક જ તારાઓ જોતા હોઈએ છીએ પરંતુ અન્ય તારાઓ પણ આકાશમાં હોય છે.તેઓ ક્યારેય અન્ય તારાઓ સાથે પોતાની તુલના કરતા નથી અને ક્યારેય ચમકવાનું છોડતા નથી. તેઓ ભેગા મળીને રાત્રે તેજ ફેલાવેછે.
તેવી જ રીતે આપણે બધા આ પૃથ્વી પરના તારાઓ છીએ. કેટલાક ચમકતા તારાઓ તેમના કાર્ય, સમર્પણ, કાર્ય પ્રત્યેના જુસ્સા અને કરુણા દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં ચમકે છે, પરંતુ આપણા જેવા અન્ય તારાઓએ તેમની સાથે તુલના કરવી જોઈએ નહીં.
ભગવાને આ સૃષ્ટિ બનાવી છે અને તેઓ આપણને એક સરખી દૃષ્ટિએ જુએ છે. ભગવાન ઈચ્છે છે કે આપણે સૌ સાથે મળીને ચમકીએ અને આ સૃષ્ટિને વધુ સુંદર અને તેજસ્વી બનાવીએ.
જો આપણે પ્રેરણા લેવાનું નક્કી કરીએ તો આપણે પોતાની પાસેથી અથવા પોતાનાસાથીદાર પાસેથી અથવા આ પૃથ્વી પરની કોઈપણ વ્યક્તિ પાસેથી પ્રેરણા મેળવી શકીએ છીએ.
રાધા અને કૃષ્ણ એકબીજા પાસેથી પ્રેરણા લેતાં હતાં.આ સૃષ્ટિના રચયિતા કૃષ્ણ પોતાની લીલાઓ માટે અને ધર્મને સાચવવા માટેના યુદ્ધ માટે જાણીતા છે. તેઓ હતાશાની ગર્તમાં ડૂબી ગયેલી વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની પ્રેરણા આપવા માટે જાણીતા છે. રાધા પ્રેમ, સંભાળ તથાશ્રદ્ધા અને ધૈર્યમાં માને છે. સૃષ્ટિને બચાવવા ખાતર તેમણે પોતાના પ્રેમનું બલિદાન પણ આપ્યું. રાધા અને કૃષ્ણ એકબીજાના ગુણોથી પ્રેરિત થતાં હતાં. મને કૃષ્ણમાં શ્રદ્ધા છે. હું માનું છું કે હું એમનામાંથી પ્રેરણા લઈને બીજાઓને પ્રેરણા આપી શકું છું. સુખી જીવનની એ જ ગુરુચાવી છે.
જીવનમાં પ્રકાશમાન થવા માટે પોતાની પ્રેરણાને અનુસરવું જોઈએ. ખરા અર્થમાં, આપણે બધા જુદા-જુદા પ્રકારના છીએ. આપણી દરેકની પાસે પોતપોતાના વ્યક્તિગત ગુણો છે. આપણે ફક્ત તેના પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય અને તમે સ્વયંસ્ફુરણાને અનુસરો તો ચમત્કારો સર્જી શકો છો. તમારે કોઈનો મત જાણવાની કે પ્રતિક્રિયા જોવાની જરૂર નથી.
મને ક્યારેય લાગ્યું ન હતું કે હું સકારાત્મકતાના ફેલાવા માટે આવી રીતે બ્લોગ લખીશ. મને અચાનક એક દિવસ વિચાર આવ્યો કે આજના મુશ્કેલ સમયમાં લોકોને કોઈ દિશા સૂઝી રહી નથી અને તેથી કોઈક દિશા મળી રહે એ જરૂરી છે અને આ બ્લોગ એ કાર્ય કરી શકે છે. આશ્ચર્યજનક રીતેદરેક બ્લોગ લખી લીધા બાદ મને બીજાઓની મદદ કરવા માટે વધુ કંઈક લખવાની પ્રેરણા મળતી રહે છે અને હું લખ્યે રાખું છું.
મનુષ્યજીવનની ગાડીને ચાલુ રાખવા માટે પ્રેરણારૂપી એન્જિન ઉત્તમ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં યુવાવર્ગના ઘણા એવા લોકો સાથે કામ કર્યું છે, જેઓ અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજની ઝડપી ગતિશીલ દુનિયામાં તેઓ સારી રીતે અને ટેક્નૉલૉજીની મદદથી ઝડપી રીતે કામ કરવાનું જાણે છે. મને જે કામ કરવામાં એક આખો દિવસ લાગે છે એ કાર્ય તેઓ એક કલાકમાં પૂરું કરી નાખે છે. હું એમને જોઈને પ્રભાવિત થઈ અને પ્રેરિત થઈ છું. એમનામાં નિરીક્ષણશક્તિ અને સર્જનશીલતા છે. તેઓ વિવિધ પરિસ્થિતિઓને સંભાળી લેવાની કુશળતા ધરાવે છે. મને હજી યાદ છે કે હું એક યુવાન વ્યાવસાયિકને મળી હતી.તેણે મને કહ્યું હતું કે પોતાના ક્ષેત્રમાં પાંચ વર્ષમાં કેટલી પ્રગતિ કરવી છે એના વિશે પોતે સ્પષ્ટ છે. એ દિવસે એને જોઈને મને પ્રેરણા મળી. આજે પણમારે ઘણું શીખવાની જરૂર છે.
એક બીજી ઘટનાની વાત કરું.હું યુએસએમાં મારા 10 વર્ષના ભત્રીજાને મળી.એ સમયે નવું આઈપેડ લૉન્ચ થયું હતું. મેં એને પૂછ્યું, "તને આઇપેડ વાપરતાં આવડે છે?" તેણે કહ્યું "ફઈ, ફક્ત મને તમારા ઘરનું સરનામું આપો."એણે ગણતરીની સેકંડોમાં મને ગૂગલ મૅપ પર મુંબઈમાં મારું ઘર અને તેની આસપાસની જગ્યાઓ બતાવી.હું તેની ઝડપથી દંગ રહી ગઈ. દરરોજ, દરેક ક્ષણે મળતી દરેક નવી વ્યક્તિ તમને કંઈક નવું શીખવી જતી હોય છે. આપણેએમની પાસેથી કંઈક નવું શીખવાની તક ઝડપીને વધુ સારા બનવા માટેની પ્રેરણા મેળવવી જોઈએ.
સંબંધોને ઘનિષ્ઠ બનાવવા માટેની એક અદ્ભુત રીત મારા એક મિત્રે બતાવી છે. તેનું કહેવું છે કે પરિવારના તમામ સભ્યો વચ્ચે સંવાદનો સેતુ રચાયેલો હોવો જોઈએ. એ ઘણું અગત્યનું છે. એણે બતાવેલી રીત એવી છે કે જ્યારે પણ ઘરના કોઈ સભ્ય સાથે મતભેદ થઈ જાય ત્યારે બન્નેએ સાથે બેસવું અને એક વ્યક્તિએ એક મિનિટ માટે બીજાને કોઈ પણ એક વાત કે વાર્તા કહેવી. એક જણ બોલતું હોય ત્યારે બીજું વચ્ચે બોલે નહીં. વાર્તા કહેવાતી હોય ત્યારે સાંભળનાર વ્યક્તિએ બોલનાર વ્યક્તિના ગુણોની અને શક્તિઓ-ક્ષમતાઓની નોંધ લેતાં રહેવું.
અહીં હું તમને મારા દાદાનું ઉદાહરણ આપી શકું છું.એમને ગામની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે એવું ડૉક્ટરોએ કહી દીધું. તમામ પરિવારજનોને હૉસ્પિટલમાં બોલાવી લેવાયા. દરેકે એમના મોંમાં ગંગાજળ રેડ્યું. હું ત્યાં પહોંચી અને મેં જોયું કે એમનું ડાયાબિટીસ ઘણું વધી ગયું હોવાથી તેઓ બેભાન થઈ ગયા હતા. મેં મુંબઈમાંના મારા ઓળખીતા ડૉક્ટરો સાથે વાત કરી અને એમણે કહ્યું ચિંતા કરતા નહીં. ગામના ડૉક્ટર સહકાર આપવા તૈયાર ન હતા. એ વખતે મેં મારા પરિવારજનોને સમજાવ્યા અને દાદાજીને મુંબઈ લઈ જવાનું નક્કી થયું. રસ્તાઓની સ્થિતિ સારી ન હતી, પણ અમે મુંબઈ જવાનું જોખમ લીધું. મુંબઈમાં હૉસ્પિટલમાં બધી તૈયારીઓ કરીને રખાઈ હતી. મુંબઈ પહોંચીને પંદર દિવસની અંદર તેઓ સ્વસ્થ થઈ ગયા અને તેના પછી13 વર્ષ જીવ્યા. શું તમને આ વાત માનવામાં આવશે?
ગામની હૉસ્પિટલમાં મેં સતર્કતા દાખવી અને પરિવારજનો સાથે યોગ્ય રીતે સંવાદ સાધ્યો, જેને કારણે અમે યોગ્ય નિર્ણય લઈ શક્યા અને દાદાજી વધુ 13 વર્ષ જીવી શક્યા. અમને ભગવાનમાં શ્રદ્ધા હતી અને પોતાનામાં વિશ્વાસ હતો.
કોઈપણ સંબંધમાંઆપણે એકબીજાના ગુણો અને શક્તિની કદર કરવી જોઈએ અને પોતાના માટે વધુ સારી રીતે કાર્ય કરવા તથાસમાજને મદદરૂપ થવા પ્રેરિત થઈ જોઈએ.
જે રીતે પરિવારમાં પતિ પોતાની અમુક ક્ષમતાઓથી રોજીરોટી રળે છે અને પત્ની પોતાની કાબેલિયતથી કુટુંબનું સંચાલન કરવામાં મદદ કરે છે. એ જ રીતે કોઈ પણ સંબંધમાં અથવા કોઈપણ કંપનીમાં અથવા સમુદાયમાં અથવા કોઈપણ દેશમાં વ્યક્તિઓના ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ. આ રીતે આપણે બધા તેજસ્વી તારલાઓ બની શકીએ છીએ અને જીવનને અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ.. મેં અગાઉ કહ્યું તેમ, પ્રેરણા શબ્દમાં જ પ્રેરણા રહેલી છે.
હું દરેક વ્યક્તિ પાસેથી પ્રેરણા લઈશ તો સુખી રહી શકીશ. હું પોતે પણ કોઈક માટે પ્રેરણારૂપ બની શકું છું, કારણ કે હું જાણું છું કે તેની મદદથી હું પોતે પણ દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકું છું અને પહેલાં જે હતી તેના કરતાં વધુ સારી બની શકું છું. આ દુનિયાના બધા જ ચમકતા તારાઓ માટે આ વાત સાચી છે.
ટૂંકમાં, એટલું જ કહીને વીરમું છું કે બીજાઓનાં સારાં કાર્યોમાંથી પ્રેરણા લો અને જરૂરિયાતમંદ લોકો માટે પ્રેરણારૂપ બનો.
Comments
Post a Comment