તમને વધારે વસ્તુઓ જોઈએ છે કે સારી વસ્તુઓ જોઈએછે?

 

|| તમને વધારે વસ્તુઓ જોઈએ છે કે સારી વસ્તુઓ જોઈએછે? ||

 

તમને સપ્રમાણ ખાંડ ભેળવેલી મજાની માવાની બરફી જોઈએ કે પછી માત્ર આરાના લોટમાં ખાંડ નાખીને તૈયાર કરાયેલી હોય એવી દસ બરફીઓ જોઈએ એવું કોઈ પૂછે તો તમે શું કહેશો? તમે એમ જ કહેશો કે ઓછી ગુણવત્તાવાળી વધારે વસ્તુઓ મળે એના કરતાં ઉંચી ગુણવત્તાની એક વસ્તુ મળે એ જ સારું. આ લખાણ સાથેનું કળા કરી રહેલા મોરનું ચિત્ર જુઓ. કુદરતના સૌંદર્યની વચ્ચે એ સુંદરતા કેવી સરસ રીતે ભળી ગઈ છે! ભગવાને આપણી આસપાસ ઘણી જ સુંદરતા ભરી છે. આથી આપણે એ સુંદરતાની સાથે ભળી જાય એવા સુંદર બનવાનું છે.

ઘણા તસવીરકારો અને ચિત્રકારો પ્રાકૃતિક સૌંદર્યની સરસ મજાની રચનાઓ તૈયાર કરતા હોય છે. એમાંથી અમુક ચિત્રો ખરેખર અર્થપૂર્ણ હોય છે. વાસ્તવમાં આપણે ક્યારેય જીવનની હોય, સંબંધોની હોય, ચિત્રોની હોય, ખોરાકની હોય કે બીજી કોઈ પણ વસ્તુની હોય, ગુણવત્તા તરફ ધ્યાન આપતા નથી.

મેં આ સાથે મુકાયેલા રાધાકૃષ્ણના ચિત્રની ગુણવત્તાનું પણ વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. રાધા અને કૃષ્ણ એકમેક માટે હંમેશાં હાજર રહેતાં. આ ચિત્ર ઘણું સીધુંસાદું છે પરંતુ એમાં સરસ મજાનો અર્થ સમાયેલો છે. કાદવમાં ખીલતાં કમળને રાધા-કૃષ્ણે સુંદરતા બક્ષી છે. એમના પ્રેમનું સૌંદર્ય આ ચિત્રમાં અદભુત રીતે ઝિલાયું છે. આસપાસની સુંદરતા પણ તેમાં ભળી ગઈ છે. આ બધાનો અર્થ એ જ થયો કે જો તમે શાંતચિત્તે બેસો અને વિચાર કરો તો ચિત્ર હોય કે જીવન હોય, તમને બધામાં ગુણવત્તા, સુંદરતા દેખાઈ શકે છે.

વર્ષ 2020માં બધાનાં જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. જીવવા માટે પૈસા જોઈએ એવું જ બધી જગ્યાએ ચિત્ર હતું તેમાંથી હવે સારું આરોગ્ય પણ જોઈએ એવી સ્થિતિ આવી ગઈ છે. બધાએ વિજ્ઞાન-તંત્રજ્ઞાનનો વિકાસ કરવા માટે દોટ મૂકી હતી, પરંતુ એક સમય એવો આવ્યો, જ્યારે એ બધું વામણું બની ગયું. આપણે કુદરતી આપદાઓને ક્યારેય રોકી શકીએ નહીં એ વાત હવે સમજી લેવાનો સમય આવી ગયો છે. ભગવાને અને કુદરતે આપણને સંકેત આપી દીધો છે કે પ્રકૃતિને છેડવી નહીં, તેને નુકસાન પહોંચાડવું નહીં અને જીવનની ગુણવત્તા તરફ દુર્લક્ષ કરવું નહીં. પોતાની જાત માટે તથા પરિવાર માટે પૂરતો સમય કાઢવો. સાથે સાથે બધાની જોડે સારા વ્યવહાર રાખવા અને સમાજની સાથે હળીમળીને રહેવું એ જ સંદેશ મળ્યો છે.

સામાન્ય રીતે આપણે રોજિંદી ઘરેડમાંથી સમય કાઢીને બહારગામ ફરવા જતા હોઈએ છીએ. આપણને શાંતિ મળે, કુદરતનું સાંનિધ્ય મળે અને નવી-નવી વસ્તુઓ જોઈ શકાય, નવા-નવા લોકો જોવા મળે, નવી ભાષાઓ અને ખાણી-પીણીની રીતરસમ જાણવા મળે, વગેરે બાબતો આપણા પ્રવાસ સાથે સંકળાયેલી હોય છે. આ બધાનો અર્થ એ જ થયો કે જીવનમાં ગુણવત્તાની જરૂર છે, કુદરતની જરૂર છે, બીજા મનુષ્યો સાથે હળીમળીને રહેવાની જરૂર છે, શરીરને અને મનને આરામ આપવાની જરૂર છે અને પરિવાર સાથે નિશ્ચિંત થઈને રહેવાની જરૂર છે. કોરોનાએ કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગર આપણને એ તક પૂરી પાડી છે. આપણે વધુ સારી રીતે જીવન જીવીએ, વધુ કુશળતા પ્રાપ્ત કરીએ, વધુ સંભાવનાઓનો વિકાસ કરીએ અને દરરોજ શાંતિ પ્રાપ્ત કરીએ એવો કુદરતનો અને ભગવાનનો સંકેત છે.

મેં મારી અત્યાર સુધીની પ્રૅક્ટિસ દરમિયાન 1,100 કરતાં વધુ શ્રવણમંદ બાળકોને શ્રવણયંત્રો બેસાડી આપ્યાં છે. જરૂર પડ્યે હું બધે જ મારી દીકરીઓની જોડે રહી છું અને એની સાથે સાથે મિત્રો તથા પરિવારજનો સાથે પણ મજા કરી છે. મને પ્રવાસ કરવાનું પણ ખૂબ ગમે છે અને કારકિર્દી ઉપરાંતની પ્રવૃત્તિઓમાં પણ મને ખૂબ રસ પડે છે. જો દરેક વ્યક્તિ યોગ્ય આયોજન કરે તો આ બધું શક્ય છે.

ઑડિયોલૉજિસ્ટ-સ્પીચ થેરપિસ્ટ તરીકે મને ખબર છે કે દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબનાં સેટિંગ ધરાવતું શ્રવણયંત્ર મળવું જરૂરી છે. આથી મેં ક્યારેય એ બાબતે બાંધછોડ કરી નથી. શ્રવણયંત્રમાં દરેકની આવશ્યકતા મુજબનાં સેટિંગ ઝીણવટભરી રીતે કર્યાં છે. મારે ગુણવત્તા આપવી છે, વધુ બાળકોને શ્રવણયંત્ર બેસાડી આપ્યાં એવું કહેવાનો ઘમંડ કરવો નથી. હલકી ગુણવત્તાનાં શ્રવણયંત્રો આપું તો વધારે બાળકોને શ્રવણયંત્ર બેસાડી શકાય, પરંતુ તેનો કોઈ અર્થ નથી, કારણ કે તેમ કરવા જતાં બાળકોને બરોબર સંભળાય નહીં અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવામાં પાછળ રહી જાય. દરેક કાર્યને ગુણવત્તાપૂર્ણ બનાવવાની વૃત્તિ લાંબા ગાળે સરસ મજાનાં પરિણામો આપે છે.

તમે હાલનું ઉદાહરણ જોશો તો ખબર પડશે કે ન્યૂ ઝીલૅન્ડના વડા પ્રધાને કોરોના વાઇરસના રોગચાળાની સામે લડવામાં ગુણવત્તાપૂર્ણ અભિગમ અપનાવ્યો અને નોંધનીય સફળતા પ્રાપ્ત કરી. ભૂતકાળની વાત કરીએ તો, મધર ટેરેસા, સ્વામી વિવેકાનંદ, જેવી અનેક વિભૂતિઓ યાદ આવે છે. તેનું કારણ એ કે તેમણે ઉચ્ચ વિચારો અને ગુણવત્તાપૂર્ણ કાર્યો દ્વારા સમાજની સેવા કરી હતી. બધા લોકો એ મહાન વ્યક્તિઓ જેટલું ભલે ન કરી શકે, પરંતુ પોતાનાથી થાય એટલું ગુણવત્તાપૂર્ણ કાર્ય કરી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાય એ ઉક્તિ અહીં લાગુ પડે છે.

આજની તારીખે જગતમાં કેટકેટલાય ગુનાઓ ઘડે છે. આપણાં સંતાનોને અસર કરનારી અનેક નઠારી બાબતો છે અને બૂરી આદતોને લીધે બાળકોનો વિકાસ રૂંધાય છે. મને ઘણા વખત પહેલાંની એક ઘટના યાદ આવે છે. આઠમા ધોરણમાં ભણતી એક છોકરી મારી ક્લિનિકમાં આવી હતી. એ બોલવામાં અચકાતી હતી અને એના પપ્પા એના પર એટલા માટે ગુસ્સે હતા કે એ છોકરી આખો દિવસ ફોનમાં મેસેજ લખવામાં બિઝી રહેતી હતી. મેં એ છોકરી સાથે વાત કરી. તેણે મને કહ્યું કે તેને લખવાનું ગમતું નથી. મેં તેને કહ્યું,"લખવા માટે હાથ વાપરવો પડે છે અને ફોનમાં મેસેજ કરવામાં પણ હાથ વાપરવો પડે છે. જો તારું મગજ અને હાથ બન્ને સાથે કામ કરતાં ન હોય તો તું મેસેજ પણ ટાઇપ કરી શકે નહીં."મારી આ સાદી અને સરળ વાત સાંભળીને તેને આશ્ચર્ય થયું.

જો આપણને આજે ગુણવત્તાપૂર્ણ અને આરોગ્યપૂર્ણ જિંદગી જોઈતી હોય તો આપણે સંતાનોને અલગ દૃષ્ટિથી જોતા શીખવવું જરૂરી છે. આપણે એમને દુનિયાના સૌથી વધુ શ્રીમંત માણસનો દાખલો આપવાને બદલે દિલથી શ્રીમંત હોય એવી વ્યક્તિઓનાં ઉદાહરણ આપવાં જોઈએ, જેમ કે દેશની રક્ષા કરનારા સૈનિકો. આપણે શાંતિથી રહી શકીએ એ માટે સૈનિકો સરહદ પર પ્રતિકૂળ સંજોગોમાં રહીને આપણું રક્ષણ કરે છે. તેઓ અનેક વસ્તુઓનું બલિદાન આપે છે. સંતાનોને આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું શીખવવું જોઈએ.

માણસ કેટલું લાંબું જીવે છે એ મહત્ત્વનું નથી, એ કેટલું ગુણવત્તાપૂર્ણ જીવન જીવે છે એ મહત્ત્વનું છે. આપણી દરેક રોજિંદી ક્રિયાનો કોઈ અર્થ હોવો જોઈએ. આપણે પૈસા ખાતર નહીં, પણ પોતાના સંતોષ ખાતર કામ કરવું જોઈએ.

મને ખાતરી છે કે લોકો પોતાને જે ગમે છે એ કામ કરવા લાગશે ત્યારે તેઓ જીવનને માણતા શીખશે. મેં તો એ શરૂઆત કરી દીધી છે, તમે ક્યારે શરૂઆત કરો છો?

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...