જો આપણે નીતિપૂર્વક વર્તીએ અને સકારાત્મક ઊર્જાનું સર્જન કરીએ તો ભગવાનના આશીર્વાદ મળ્યા વગર રહે નહીં
||જો આપણે નીતિપૂર્વક વર્તીએ અને સકારાત્મક
ઊર્જાનું સર્જન કરીએ તો ભગવાનના આશીર્વાદ
મળ્યા વગર રહે નહીં||
જીવનમાં નીતિમૂલ્યો અને સિદ્ધાંતોનું વર્ણન કરવું અને તેનું પાલન કરવું મુશ્કેલ છે. શિક્ષણમાં નિશ્ચિત અભ્યાસક્રમ હોય છે, ધર્મમાં કેટલાક નિશ્ચિત કર્મકાંડ હોય છે અને સમાજમાં દરેક પરિસ્થિતિને સંભાળી લેવા માટેના કેટલાક નિશ્ચિત માપદંડ અપનાવવામાં આવ્યા હોય છે.
આપણે સૌ ૐના નાદથી પરિચિત છીએ. ૐનું પ્રતીક નિશ્ચિત છે. તેના ઉચ્ચારણથી શરીરમાં ઘણા તરંગો ઉત્પન્ન થાય છે અને એનાથી સર્જાતી ઊર્જા આપણને ઈશ્વરની સમીપ લઈ જાય છે. નીતિમૂલ્યો ૐના પ્રતીક જેવાં છે. જો તમે તેનું યોગ્ય રીતે પાલન કરો તો તેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જા પેદા થાય અને આપણે આ પ્રકૃતિ તથા ભગવાન સાથેનું સંધાન ટકાવીને રાખી શકીએ.
વિજ્ઞાને પણ કહ્યું છે કે ૐના ઉચ્ચારણથી મુખ, અન્નમાર્ગ તથા શ્વસનમાર્ગમાં પ્રતિધ્વનિ (પડઘા) ઉત્પન્ન થાય છે. આપણા સમગ્ર શરીરના સ્નાયુઓ સાથે સંકળાયેલા કેટલાક સ્નાયુઓમાં કંપન થવાથી એક આંતરિક અવાજ કે નાદ ઉત્પન્ન થાય છે. મગજને ખરાબ વિચારોથી અને શરીરને તંગ થતું બચાવવા માટે ૐનું ઉચ્ચારણ ઉત્તમ મહાવરો છે.
નીતિમૂલ્યો પણ કંઈક આવી જ રીતે વર્તે છે. તમારાં નીતિમૂલ્યો જીવનમાં પ્રતિધ્વનિ સર્જે છે. તેમનું પાલન કરવાથી તમે નમ્ર બની શકો છો અને તમને અહંકાર આવતો નથી. તમે રોજબરોજની વિવિધ પરિસ્થિતિઓને શાંતિથી સંભાળી લેવા માટે પણ સજ્જ બની શકો છો.
ભગવાન કૃષ્ણની વાત કરીએ તો, તેમણે પણ પોતાની લીલાઓમાં નીતિમૂલ્યોનું પાલન કર્યું હતું. એમને ખબર હતી કે કૌરવો દ્રૌપદીને માન આપી રહ્યા નથી અને યુધિષ્ઠિર જુગઠું રમવા બેઠા છે. કૃષ્ણ આ બધું નિવારી શક્યા હોત, પરંતુ યુધિષ્ઠિરે એમને વિનંતી કરી હતી કે તેમને બોલાવવામાં આવે ત્યારે જ તેમણે આવવું.
કૃષ્ણે પાંડવોનો સાથ આપ્યો, કારણ કે તેમનાં કર્મો સારાં હતાં અને તેઓ ધર્મની રક્ષા કરતા હતા. કૃષ્ણે તેમને કહ્યું કે જો તેઓ સારાં કર્મો કરશે તો સુખેથી રહી શકશે અને સારાં કર્મો જીવનમાં નીતિમૂલ્યોના પાલનથી થાય છે.
આપણે જલદીથી પૈસા કમાવા કે બીજા લોકો રાબેતા મુજબના સમય કરતાં જલદીથી આપણું કામ પૂરું કરી આપે એ માટે ક્યારેક આપણે નીતિમૂલ્યો સાથે બાંધછોડ કરીએ છીએ. આપણાં નીતિમૂલ્યો એ બીજું કંઈ નહીં, પણ પોતાના પરિવાર અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓનું નિર્વહન છે. નીતિમૂલ્યોના પાલનથી આપણે ગૌરવ અનુભવી શકીએ છીએ અને સમાજમાં મોભો પ્રાપ્ત કરી શકીએ છીએ. નીતિમૂલ્યો કોઈના કહેવાથી નહીં, સ્વેચ્છાએ જીવનમાં ઉતારવાનાં હોય છે. બીજાઓને કોઈ પણ રીતે હાનિ થાય નહીં એવી રીતે વર્તવું એટલે નીતિપૂર્વક વર્તવું એમ કહી શકાય.
નીતિમૂલ્યો વડે જ આપણે સારા અને ખરાબ વચ્ચે તફાવત કરી શકીએ છીએ. બધાં જ પશુ-પંખીઓ આપણી જેમ વિકસીત મગજ ધરાવતાં નથી અને એકબીજાની હદમાં પ્રવેશ કરતાં નથી. તેઓ પોતપોતાનાં ઘરનું રક્ષણ કરે છે અને આપસમાં એકતા ધરાવે છે.
આધેડ વયનાં એક મહિલા મારા ક્લિનિકમાં નિયમિતપણે આવે છે. તેઓ ઘણાં મહેનતી છે. તેઓ પેટિયું રળવા માટે પોતાના વતનથી કેટલીક વસ્તુઓ મગાવીને મુંબઈમાં વેચે છે. આ કામ તેઓ નીતિપૂર્વક કરે છે. તેઓ મારી પાસે વધારે નફો લેતાં નથી. તેઓ લાંબો પ્રવાસ કરીને મારા ક્લિનિક પર આવતાં હોવાથી એક દિવસ મેં એમને 100 રૂપિયા વધારે આપ્યા. બીજી વખત તેઓ આવ્યાં ત્યારે મારા માટે પ્રસાદ લઈ આવ્યાં. મને કૃષ્ણમાં શ્રદ્ધા છે એ જાણતાં હોવાથી તેઓ મારા માટે એક મોરપીંછ પણ લઈ આવ્યાં. આ રીતે તેમણે મેં આપેલા પૈસા કરતાં વધુ મૂલ્યવાન વસ્તુઓ મને લાવી આપીને સાટું વાળ્યું. તેઓ સતત દોડાદોડ કરતાં હોવા છતાં તેમના ચહેરા પર હંમેશાં સ્મિત હોય છે. મહેનતની કમાણીની ખુમારી પણ તેમના મુખ પર ચમકતી હોય છે. તેઓ જ્યારે પણ મારી ક્લિનિકે આવે ત્યારે મને પ્રભાવિત અને પ્રેરિત કરી જાય છે.
તેમને જોઈને મને એમ જ લાગે કે તેઓ ભગવાનનું માણસ છે, જે બીજાઓને ખુશ કરવામાં માને છે. મેં જોયું છે કે નીતિમૂલ્યોથી વર્તનારા લોકો મહદ્ અંશે આધ્યાત્મિક હોય છે. ભગવાન પોતાની સાથે હોવાથી પોતાને કંઈ નહીં થાય એવી તેમનામાં શ્રદ્ધા હોય છે. આ બહેનની આધ્યાત્મિક ઉંચાઈ અને તેમની નમ્રતા એ જ તેમની સફળતા છે.
હાલમાં તેમણે ભગવાનની પૂજા માટેની આવશ્યક સામગ્રીનું પાર્સલ મારા મોકલાવીને ફોન પર મને જાણ કરી. મેં તેની કિંમત પૂછી તો તેમણે કહ્યું કે પાર્સલ પહોંચી ગયા પછી પૈસા અકાઉન્ટમાં જમા કરી દેજો. આવી સચ્ચાઈ અને પ્રામાણિકતા ખરેખર પ્રશંસનીય છે.
પંદર વર્ષના એક શ્રવણમંદ કિશોરની વાત કરું. એ પોતાના માટે નવાં હિયરિંગ એઇડ (શ્રવણયંત્રો) લેવા માટે મારી ક્લિનિકમાં આવ્યો હતો. એ શ્રવણયંત્રો એને અમારા તરફથી આપવામાં આવી રહ્યાં હતાં. યોગાનુયોગે, એ દિવસે મારો જન્મદિવસ પણ હતો. કેટલાક લોકો મને ફૂલ આપીને શુભેચ્છાઓ આપી રહ્યા હતા એ એણે જોયું. હું એનાં શ્રવણયંત્રો લેવા માટે મારા રૂમમાં ગઈ. બહાર આવીને જોયું તો એ દેખાયો નહીં. એ મને શુભેચ્છાઓ આપવા માટે ફૂલ લેવા નીચે ગયો હતો. ઉંમરમાં એ ભલે નાનો રહ્યો, પરંતુ એનામાં કૃતજ્ઞતાનું નીતિમૂલ્ય હતું. પરિપક્વતા માટે કોઈ નિશ્ચિત ઉંમર હોતી નથી. તમે પોતાના આસપાસના વાતાવરણમાંથી એ શીખતા હો છો. મનુષ્યની નીતિમત્તા આ રીતે જ કેળવાતી હોય છે. કાળક્રમે એ જીવનનો ભાગ બની જાય છે.
મને એવું લાગે છે કે નીતિપૂર્વક કામ કરનારા લોકો હંમેશાં સકારાત્મક ઊર્જા પેદા કરતા હોય છે અને એવા લોકો જ કાયમ ખુશ-સુખી રહી શકે છે. એ લોકો જીવનમાં દરેક કામ પ્રેમપૂર્વક કરે છે તથા પોતાના કામ પ્રત્યે નિષ્ઠાવાન હોય છે અને બીજાઓને પ્રેરણા આપતા હોય છે. ઉપરાંત, તેઓ મદદ કરનારા, શાંત અને વિશ્વાસુ હોય છે. તેઓ સર્જનશીલ હોય છે અને કોઈને નુકસાન થાય નહીં એવી તકેદારી લેતા હોય છે. તેઓ જવાબદારીને પ્રાથમિકતા આપે છે અને નિઃસ્વાર્થપણે કામ કરતા હોય છે. તેઓ બધા પ્રત્યે કરુણાવાન હોય છે. તેમની ઉત્પાદકતા અને સક્રિયતા પણ વધારે હોય છે.
જો આપણે બધા નીતિપૂર્વક વર્તીએ અને આવી સકારાત્મક ઊર્જાનું સર્જન કરીએ તો ભગવાનના આશીર્વાદ મળ્યા વગર રહે નહીં. તેના વડે જીવન સુખમય બની જાય.
-------------------------
Comments
Post a Comment