ચાલો, વિભૂતિઓ પાસેથી પ્રેરણા લઈને પોતાનું નવઘડતર કરીએ


||ચાલો, વિભૂતિઓ પાસેથી પ્રેરણા 

લઈને પોતાનું નવઘડતર કરીએ||

આજે આપણે સકારાત્મકતાના પ્રસાર માટેનું 25મું પગલું ભરી રહ્યા છીએ. આ વિચારનું બીજ 8 જૂન 2020ના રોજ રોપાયું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ દરેક લેખમાં નવા વિચારો અને નવી વિભાવનાઓને સમાવી લેવાની જરૂર વર્તાઈ, કારણ કે તેના દ્વારા જ જીવનમાં સકારાત્મકતા અપનાવવા માટે બધાને પ્રેરિત કરી શકાય.

નવસર્જન, નવી શોધ અને પ્રેરણા એ ત્રણ શબ્દો દ્વારા આપણે આપણી નિયતિ અને સ્વપ્નને સાંકળી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ પુષ્પ ખીલેલું જોઈએ ત્યારે તરત જ આપણા મનમાં વિચાર આવે છે કે એને પૂરતો સૂર્યપ્રકાશ મળ્યો હશે, વિકસવા માટે પૂરતી જગ્યા મળી હશે અને સાથે સાથે યોગ્ય માટી અને પાણી મળ્યાં હશે. એ બધાની મદદથી પુષ્પ તેની આસપાસની જગ્યાને સુંદર બનાવે છે અને ત્યાં સુવાસ પ્રસરાવે છે. પુષ્પો સુંદર દેખાય છે કારણકે તેમાં સુંદર રંગો હોય છે. આપણે એ પુષ્પની જેમ જ ખીલવાના અને સુવાસ ફેલાવવાના વિચારને અપનાવીએ તો કેવું! ચાલો, આપણે એક સુંદર ફૂલની જેમ ખીલીએ અને ફોરમ ફેલાવીએ.

આપણે જ્યારે ભગવાન કૃષ્ણને યાદ કરીએ છીએ ત્યારે આ સૃષ્ટિના નિર્માતા તરીકે નહીં, પરંતુ એમની લીલાઓને કારણે યાદ કરીએ છીએ. એમણે જીવનમાં અનુભવાતી તમામ લાગણીઓનું નિરૂપણ પોતાના જીવન દ્વારા કર્યું છે. એમણે આપણને તમામ રસનો અનુભવ કરાવ્યો છે અને તમામ લાગણીઓનો પણ અનુભવ કરાવ્યો છે. બાળકૃષ્ણ તરીકે તેઓ સૌને વહાલા હતા અને સખા તરીકે એમણે મિત્રો સાથે આનંદ કર્યો, લડાઈ-ઝઘડાઓ કર્યા અને વીરતા દાખવી. એમણે પોતાના જીવન દ્વારા જે વસ્તુ યોગ્ય છે તેનો બોધ આપ્યો. એમણે કર્મ વિશે ઉપદેશ આપ્યો તથા ધર્મ વિશે પણ માર્ગદર્શન કર્યું અને મહાભારતના યુદ્ધમાં સારથિ તરીકેની ભૂમિકા દ્વારા માર્ગદર્શન કર્યું. જ્યારે પણ જરૂર પડી ત્યારે તેમણે રક્ષક તરીકેની અને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે યોગ્ય માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી. એમણે પ્રેમનો પ્રકાશ ફેલાવનાર વ્યક્તિ અને સમર્પણભાવ ધરાવતા પ્રેમી તરીકેનું સ્વરૂપ પણ આપણને દેખાડ્યું. સાથે સાથે સમાજના નિયમોનું પાલન ગૌરવપૂર્વક અને આદરપૂર્વક કરનાર વ્યક્તિ તરીકે તથા જીવનમાં બલિદાન અને ત્યાગ કરનાર વ્યક્તિ તરીકે પણ આ પૃથ્વી પર વસવાટ કર્યો. ચાલો, આપણે એમના જીવનમાંથી નવસર્જન કરવાની, પોતાની જાતને નવા સ્વરૂપે જોવાની અને એમની ક્રિડાઓમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાની શરૂઆત કરીએ.

કૃષ્ણ આપણને આશીર્વાદ આપતાં કહે છે કે આપણે પોતાની જીવનકથાનું સર્જન પોતાની ઇચ્છા મુજબ કરી શકીએ છીએ. મનુષ્યનું જીવન સુંદર, અર્થપૂર્ણ, સાહસી, ઉત્પાદક અને સાથે સાથે સર્જનાત્મક છે અને એને ઘડવાનું કામ દરેક વ્યક્તિનું પોતાનું છે.

એક વખત મેં એક શ્રવણમંદ મહિલાને પૂછ્યું કે એ જીવનમાં શું બનવા માગે છે. એનો જવાબ હતો, ''હું એવું જીવન જીવવા માગું છું જેમાં મારે એક મહિલા તરીકે કોઇપણ વ્યક્તિની સામે ઝૂકવું ન પડે.'' આ યુવતીનો આત્મવિશ્વાસ ખરેખર અદ્ભુત હતો. જીવનના પડકારોનો સામનો કરવાની તેનામાં હિંમત જોવા મળી હતી. આજે એ મહિલા આન્ત્રપ્રેન્યોર છે અને સફળતાપૂર્વક પોતાનો બિઝનેસ ચલાવી રહી છે. શ્રવણમંદ વ્યક્તિઓની સાથે કામ કરતાં કરતાં મને પણ વધુ ને વધુ પ્રેરણા મળતી રહી છે. એમની પાસેથી એ શીખવાનું છે કે જીવનમાં આશાવાદી કેવી રીતે રહેવું અને કેવી રીતે સકારાત્મક વિચાર અને વર્તન દ્વારા પોતાનું જીવન ગાળવું. ઑડિયોલૉજી અને સ્પીચ થેરપી શું છે એના વિશે એક સમયે મને કંઈ જ ખબર ન હતી, પરંતુ મારી કારકિર્દી એવી ઘડાઈ કે આજે હું સમગ્ર વિશ્વમાં શ્રવણમંદ વ્યક્તિઓ માટે કામ કરનારી અને એમના માટે આવશ્યક પગલાં ભરવાના સૂચન કરનારી વિશ્વના 10 અગ્રણી વ્યક્તિઓની સમિતિની સભ્ય છું. આજે હું કહી શકું છું કે પોતાની ઈચ્છાશક્તિના જોરે અને પ્રામાણિકતા દ્વારા તથા ભગવાન કૃષ્ણ (ઈશ્વર)માં શ્રદ્ધા રાખીને કામ કરીએ તો બધું શક્ય છે.

ઇતિહાસ હોય, કોઈ પૌરાણિક વાર્તા હોય કે મહાભારત હોય, દરેકમાં કહેવાયું છે કે તમામ વસ્તુઓ એક પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. આપણે જીવનના દરેક ડગલે ને પગલે કંઈકને કંઈક શીખતાં રહેવાનું છે. ભીષ્મ પિતામહે કોઈ કારણસર પોતાના જીવનનું બલિદાન આપવું પડ્યું હતું. કર્ણ અત્યંત બુદ્ધિશાળી અને તેજસ્વી હોવા છતાં તેમણે પોતાની મૈત્રીનો ભોગ આપવો પડ્યો હતો. દ્રૌપદીએ પણ ઘણાં કષ્ટ સહન કરવાં પડ્યાં હતાં. યુધિષ્ઠિર ધર્મમાં અડગ હોવા છતાં જુગારની બદીમાં ફસાયા. કૃષ્ણે પોતાના શસ્ત્રનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હોવા છતાં અર્જુનના વિજય માટે તેનો ઉપયોગ કરવો પડ્યો. તમે ઇતિહાસ પર એક નજર કરશો તો જોઈ શકશો કે દરેક સંજોગમાંથી કંઈક ને કંઈક શીખવાનું હોય છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને આપણું અસ્તિત્વ ટકાવવા માટે જ ઈશ્વરનું અસ્તિત્વ છે. જો આવું જ હોય તો પછી મનુષ્યે શું કામ ચિંતા કરવી જોઈએ!

કેટલાક લોકોને અવાજ સુધારવા માટેનું શિક્ષણ આપતી વખતે મને એક મહિલાનો અવાજ ઘણો જ સારો લાગ્યો. મેં એ અવાજનું રેકર્ડિંગ કરી લીધું, પરંતુ એ જ્યારે સામાન્ય રીતે લોકો સાથે વાત કરતી હોય ત્યારે તેનો અવાજ સાવ અલગ લાગતો. મેં એને પૂછ્યું કે સ્વર સુધારવા માટેની આ વર્કશોપમાં શું કામ ભાગ લીધો અને શું કામ ધીમું ધીમું બોલે છે. એનો જવાબ આશ્ચર્યજનક હતોઃ ''મારા લગ્ન એવા પરિવારમાં થયાં છે, જ્યાં મહિલાઓને બહાર કામ કરવા જવાની છૂટ નથી અને હું મને મનગમતી પ્રવૃત્તિ કરી શકતી નથી, પરંતુ મને વાતો કરવાનું ઘણું ગમે છે. આથી મને લાગ્યું કે મારો અવાજ સારો હોવો જોઈએ અને તેથી હું અહીં આવી છું.''

મેં એને કહ્યું, ''તમારો અવાજ તો ખરેખર મીઠો છે. તમે વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરી શકો છો.'' મારી વાત સાંભળીને એને પોતાની શક્તિનો પરિચય થયો અને એ વાત પર પ્રેરણા લીધા બાદ આજે એ સફળ અને ઉત્તમ વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. સાથે સાથે એ ગૃહિણી પણ છે.

ઘણીવાર આપણને પોતાની ક્ષમતાઓ અને આવડતો કે કૌશલ્યનો પરિચય હોતો નથી, પરંતુ કોઈપણ વસ્તુનો અખતરો કરવામાં કોઈ જ વાંધો નથી. આ વિશ્વમાં કશું જ અશક્ય નથી. તમારે પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે ચોક્કસપણે આગળ વધવું જોઈએ એ ઇચ્છાઓની સાથે સાથે તમારી મહેનત અને પ્રામાણિકતા તથા પોતાનામાં આત્મવિશ્વાસ હોવાં જોઈએ. પોતાના કાર્યમાં નૈતિક મૂલ્યો રાખવાથી એ કામ ફૂલેફાલે છે અને સમય જતા સફળતા અપાવે છે. જો આપણે પ્રયત્ન કરીએ તો જ સફળતા મળે. માણસે જો પ્રયત્ન જ ના કર્યો હોય તો સફળતા કેવી રીતે મળે? પ્રયત્ન કરવાથી કોઇ નુકસાન થતું નથી; અનુભવ જરૂર મળે છે.

કોઈ પણ વૈજ્ઞાનિક ક્રાંતિ કે શોધ માટે પ્રેરણાપૂર્વક સર્જન થવું જોઇએ. મહર્ષિ વેદ વ્યાસે શ્રીમદ્ ભગવદ્ ગીતા લખી. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. સ્ટીવ જોબ્સે નવસર્જન કર્યું. એ દરેક કાર્ય પ્રેરણા દ્વારા અને નવસર્જન દ્વારા શક્ય બન્યું છે. આપણે ભલે એટલું ઉચ્ચ કોટિનું કામ ન કરી શકીએ, પરંતુ કંઈક નવું તો ચોક્કસ કરી શકીએ છીએ. આવી વિભૂતિઓ પાસેથી પ્રેરણા લઈને પોતાનું નવઘડતર કરી શકીએ છીએ.

-----------------------

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...