આ વિશ્વમાં દરેક વાતનો એક નિશ્ચિત સમયગાળો છે; ઉતાવળે આંબા પાકતા નથી

   || આ વિશ્વમાં દરેક વાતનો એક નિશ્ચિત

સમયગાળો છે; ઉતાવળે આંબા પાકતા નથી ||


યુવાનનાં લક્ષણો કયાં એ વિશે હું વાંચી રહી હતી. યુવાન એને કહેવાય, જે તેજસ્વી, ધગશવાન, અસાધારણ રીતે વિચક્ષણ અને સદા સતર્ક હોય. દિલથી યુવાન એને કહેવાય, જેને જીવન પ્રત્યે લગાવ હોય અને એક યુવાન વ્યક્તિનાં બધાં જ લક્ષણો જેમાં જોવા મળે. 

યુવાન વ્યક્તિ અને દિલથી યુવાન એ બન્ને પ્રકારના માણસો આખો દિવસ સૂર્યપ્રકાશમાં ચમકતા રહેનારા સૂર્યમુખી જેવા હોય છે અને રાત્રે શાંત થઈને બીજા દિવસની સવારે ફરી પ્રવૃત્તિમય બનવાની રાહ જોતા હોય છે. આ માણસો વાતાવરણ અનુસાર પોતાને ઢાળતા હોય છે, ખુલ્લા દિલે હસી શકતા હોય છે અને જરૂર પડ્યે શાંત પણ રહી શકે છે. અંતરથી પ્રકાશમાન રહેનારી વ્યક્તિ હંમેશાં મનથી યુવાન રહી શકે છે. 
રાધા-કૃષ્ણનો પ્રેમ હંમેશાં દરેક વ્યક્તિના મનમાં યુવાન રહેશે, કારણ કે એ વિશુદ્ધ હતો અને એમાં પરસ્પરની ઊંડી સમજ હતી. તેઓ જીવનના તમામ સંજોગોમાં સતત સકારાત્મક બનીને રહ્યાં હતાં. 

મહાભારતમાં મનુષ્યના અનેક ગુણ અલગ અલગ પાત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ પ્રેમ અને પવિત્રતાના ભાવ રાધા-કૃષ્ણમાં દર્શાવવામાં આવ્યા હતા. બાળપણની ક્રિડાઓ તો કૃષ્ણની જ હોય. વિશ્વની દરેક વ્યક્તિને પોતાનો પ્રથમ પ્રેમ હંમેશાં યાદ રહે છે, કારણ કે તેમાં જ દરેકની સૌથી વધુ કોમળતા સંકળાયેલી હોય છે અને એ અનુભવ જીવનનો ઉત્તમ અનુભવ હોય છે. મારું માનવું છે કે પ્રેમમાં પડવું એ મનુષ્યના સંબંધોને સાચવવાનું શીખવા માટેનું પ્રથમ ચરણ છે. સામેવાળી વ્યક્તિની લાગણીઓનો આદર કરવો એ માનવતાનું એક મોટું લક્ષણ છે. 

આજની યુવા પેઢી ટેક્નૉલૉજિકલ યુગની છે અને તેને બધી વાતોમાં સંપૂર્ણ ચોકસાઈ જોઈતી હોય છે, પરંતુ એ શક્ય નથી. વાસ્તવમાં જીવન પડકારોથી ભરેલું હોય છે. જો તમે સંબંધો કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપશો તો જીવનમાં વધારે પડકારભર્યું લાગશે, પણ જો તમે સંબંધોને મહત્ત્વ આપ્યું હશે તો પડકાર હોવા છતાં જીવન સહેલું લાગશે. સંબંધોને મૂલ્યવાન ગણીને તેમનો આદર કરનારી વ્યક્તિ હંમેશાં મનથી યુવાન રહે છે. 
હું એક યુગલને ઓળખું છું. એ યુવક અને યુવતી સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યાં અને એમની નિકટતા વધતી ગઈ. બન્ને મૅનેજમેન્ટ ગ્રેજ્યુએટ હતાં. એક દિવસ તેમણે જીવનસાથી બનવાનું નક્કી કર્યું. યુવકે પોતે શ્રવણમંદ હોવાનું જાહેર કર્યું અને કહ્યું કે પોતે મધ્યમ વર્ગનો છે. એ સાંભળીને યુવતી કદાચ ના પાડી દેશે, એવું લાગ્યું હતું, પરંતુ ઉલટાનું એણે કહ્યું કે પોતાને પારિવારિક મૂલ્યોને મહત્ત્વ આપનારા પરિવારજનો સાથે જોડાવાનું ગમશે. 
જે પરિવાર એક સભ્યની મુશ્કેલીઓને અતિક્રમી જવા માટે સાથે મળીને કામ કરે છે એ પરિવાર હંમેશાં એકત્રિત રહે છે. એ દંપતી આજે સુખેથી રહે છે અને અન્યો માટે દૃષ્ટાંતરૂપ બન્યું છે. આજના યુવા વર્ગમાંથી કેટલા લોકો જીવનનું આ પાસું અગત્યનું ગણે છે?

પ્રેમસંબંધે બંધાયેલી અનેક વ્યક્તિઓનાં જીવન પરથી જોવા મળ્યું છે કે એકમેકને બહુ સારી રીતે સમજીને સંબંધ ટકાવી રાખનારાઓ લાંબા સમય સુધી જીવનની એકેએક પળનો આનંદ માણી શકે છે. મારા ઓળખીતા એક દંપતીનું લગ્નજીવન 60 વર્ષ ચાલ્યું છે. તેઓ આજે પણ એકબીજાની મુશ્કેલીઓને સારી રીતે સમજે છે અને ભેગાં મળીને એનો ઉકેલ લાવે છે. તેઓ મારી ક્લિનિક પર આવે છે અને વાતવાતમાં મજાક પણ કરી લેતાં હોય છે. મનથી યુવાન આ યુગલને જોઈને હું પ્રેરણા લઉં છું. 

આવાં જ એક 83 વર્ષીય આન્ટી પોતાના ચાર દીકરાઓને મળવા માટે દર વર્ષે એક વાર એકલાં જ અમેરિકા જાય છે. એમને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ મારી ક્લિનિકે આવે છે. પોતે કોઈની પણ મદદ વગર એકલાં અમેરિકા જઈ શકે એ માટે એમને સારામાં સારાં શ્રવણયંત્રો જોઈતાં હતાં. 
બીજાં એક આન્ટી 85 વર્ષે મારી પાસે આવ્યાં હતાં. એમણે પણ સારામાં સારાં શ્રવણયંત્રોની માગણી કરી, કારણ કે એમને ભજન સાંભળવાનો શોખ હતો અને તેઓ પોતે પણ ભજન લખવા અને ગાવા ઈચ્છુક હતાં. એમનો આવો ઉત્સાહ જોઈને હું અચંબિત થઈ ગઈ. આટલી મોટી ઉંમરે પણ તેઓ કંઈક નવું કરવા માગતાં હતાં. આજના યુવાનોને કહેવાનું મન થાય છે કે ઝડપી જીવન મુશ્કેલીભર્યું છે, કારણ કે તેમાં માણસ જલદી ઘરડો થઈ જાય છે. 

કોરોના રોગચાળાએ મનુષ્યોને નવસર્જન કરવાનું શીખવ્યું છે. તેણે જૂના ગુણોને નવી ટેક્નિક સાથે સાંકળીને કંઈક નવું બનાવવાનું મહત્ત્વ સમજાવ્યું છે. આમ કરવાથી જીવનમાં તાજગી આવે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સિદ્ધિઓનું મહત્ત્વ છે, પરંતુ એ સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં પરિવાર વિસરાઈ જવો જોઈએ નહીં. કરુણા, આદર, નિષ્ઠા, નવસર્જન એ બધું પણ એટલું જ અગત્યનું છે. ઝડપી જીવનને લીધે કોઈ પણ બાબતમાં ઉમંગ ઘટી જાય છે અને કદાચ ખોટી દિશામાં ભટકી જવાનું જોખમ વધી જાય છે. સ્થિરતાપૂર્વક આગળ વધીએ તો આપણામાં ધીરજ વધે છે અને આસાનીથી સાચી દિશા મળે છે. આપણે ચંદ્રને જોઈએ છીએ. શુક્લ પક્ષમાં તેની કળા ધીમે ધીમે વધે છે, એક જ દિવસમાં એકમથી પૂનમ થઈ જતી નથી. આ વિશ્વમાં દરેક વાતનો એક નિશ્ચિત સમયગાળો હોય છે; ઉતાવળે આંબા પાકતા નથી. 
આપણે બધા પોતાને તથા આસપાસના બીજા લોકોને સમજીને આજીવન મનથી યુવાન રહી શકીએ છીએ. 
-------------------------------


Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...