દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણારૂપી ચમકારો પ્રગટ કરીને જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે
||દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણારૂપી ચમકારો પ્રગટ કરીને જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે||
આકાશમાં તારા, ચંદ્ર, ગ્રહો, બધું જ પ્રકાશમાન છે, દરેકની આગવી ચમક
છે. વીજળી થાય ત્યારે પણ ભરપૂર પ્રકાશ ફેલાય છે. તમે ક્યારેય મનુષ્યનો પ્રકાશ જોયો
છે? આવતી
કાલને ઉજ્જવળ અને વધુ અર્થપૂર્ણ બનાવનારું મનુષ્યનું દરેક પગલું તેનો પ્રકાશ કે
તેની ચમક જ કહેવાય. આ વિશ્વમાં દરેક વસ્તુની પોતપોતાની ચમક હોય છે. દરેકને આશાનું
કિરણ બનવાની તક મળેલી હોય છે. આપણે મનુષ્યો પણ જીવનને વધુ ચમકાવવા માટે
કામ કરી શકીએ છીએ. એમ કરીને આપણે જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. કંઈક હાંસલ
કરવાની તમન્ના આ પ્રકાશ રેલાવી શકે છે. આપણે અંદરથી જ એ પ્રકાશપૂંજ સર્જવાનો હોય
છે. પ્રેમ અને સકારાત્મકતાથી પ્રકાશ રેલાવવો એ આજના સમયની જરૂરિયાત છે.
ભારત જેવા દેશમાં આધ્યાત્મિક પ્રકાશ હંમેશાં ફેલાયેલો રહે છે. જો તમે
જુઓ તો બધે જ કૃષ્ણનું અસ્તિત્વ દેખાય છે. અલગ અલગ સ્થળોએ કૃષ્ણનાં અલગ અલગ રૂપ
છે, જેમાં રાધાવલ્લભ, ગોવિંદ, શ્રીનાથજી, દ્વારકાધીશ, વિઠ્ઠલ, બાંકેબિહારી,
રાધામાધવ, ઉડિપી કૃષ્ણ, ગુરુવયુર પાર્થસારથિ પેરુમલ, તિરુપતિ બાલાજી, જગન્નાથ, વગેરે.
આપણે ફક્ત એ અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવાની છે. કૃષ્ણની કથા કહેનારા મહાપ્રભુજી આ
દેશમાં 84 સ્થળોએ ફર્યા હોવાનું પુષ્ટિ સંપ્રદાયમાં કહેવામાં આવ્યું છે. તેનો અર્થ
શું થયો? તેનો
અર્થ એવો થયો કે તમે જ્યાં જાઓ ત્યાં કૃષ્ણની હાજરીનો અનુભવ કરો. આ દેશમાં બધાં જ
ધર્મસ્થાનોમાં પ્રભુની હાજરી છે.
ઑડિયોલૉજિસ્ટ-સ્પીચ થેરપિસ્ટ તરીકેની મારી 29 વર્ષની કારકિર્દીમાં
દરરોજ મારી મુલાકાત નવા લોકો સાથે થાય છે. મને સમજાયું છે કે આપણું જીવન વિચારો
અને કર્મોનો સંચય છે. આપણે જાતે જ પોતાની દિશા નક્કી કરવાની હોય છે. એ કામ સારી
રીતે થઈ શકે એ માટે સકારાત્મક અને પ્રસન્ન રહેવું જરૂરી છે.
મારા દરદીઓમાંથી એક દરદી જહાજના સુકાની છે. એમને સાંભળવામાં થોડી જ
તકલીફ છે, છતાં તેઓ દર છ મહિને ચેક અપ કરાવી જાય છે. તેઓ પોતાની પાસે
શ્રવણયંત્રોની પાંચ જોડીઓ રાખે છે અને દરેકની એટલી સંભાળ લે છે કે એમને ક્યારેય
કોઈ તકલીફ થતી નથી. હું એમને વીસ વર્ષોથી ઓળખું છું. તેઓ મોજીલા સ્વભાવના છે. તેઓ
જ્યારે પણ ક્લિનિકે આવે ત્યારે વાતાવરણને જીવંત બનાવી દે છે. એમના વ્યક્તિત્વની ચમકથી
બધા અંજાઈ જાય છે અને તેઓ બધાના પ્રેરણારૂપ બની જાય છે.
ઉત્સાહ-ઉમંગથી થતા કાર્યમાં હંમેશાં નવીનતા આવે છે, તેનાથી નવસર્જન
થાય છે. શૂન્યનું સર્જન ભારતમાં થયું હોવાનું સૌ જાણે છે. આજના કપરા સમયમાં ક્યાંક
કોઈ ચમકારો દેખાય એની રાહ જોવાઈ રહી છે. કોરોનાની રસી વિશે કોઈ વાત કરવા લાગે તો
બધાના કાન સરવા થઈ જાય છે. સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવા માટે માત્ર એક ચમકારો
પૂરતો છે. કોરોનાની રસી આવો જ એક ચમકારો છે. જો આપણે બહાર કોઈ ચમકારો થવાની રાહ
જોઈ રહ્યા હોઈએ તો આપણી અંદર પણ કોઈ જ્યોત કે ચમકારો પ્રગટાવવાનું કામ કેમ કરી
શકાય નહીં? એ ચમકારો થયા બાદ
તમારા માટે કંઈ પણ અશક્ય રહેતું નથી.
હું ઑડિયોલૉજી અને સ્પીચ થેરપીના ક્ષેત્રે કામ કરવા લાગી ત્યારે મને
શ્રવણમંદ બાળકોની સમસ્યાઓની જાણ થઈ. સાથે જ મને સમજાયું કે એ દરેક બાળકની અંદર એક
ચમકારો રહેલો છે. એમને જોઈને મારામાં ચમકારો થયો અને આજે હું શ્રવણમંદતાને દૂર
કરવાના કામ માટે સમગ્ર વિશ્વમાં નિમાયેલા દસ પ્રોફેશનલ્સમાં સામેલ છું. આ બ્લોગ
લખવાનું નિમિત્ત પણ શ્રવણમંદ બાળકો જ છે. સકારાત્મકતા વિશેના આ બ્લોગ્સ કેટલા લોકો
વાંચશે એની મને ખબર નથી, પરંતુ જો હું આ વિશ્વમાં સકારાત્મકતાની એક લહેર પણ તૈયાર
કરવામાં નિમિત્ત બનીશ તો મને સંતોષ થશે. એ લહેર જાતે જ ફેલાતી જશે.
આજનાં બાળકોને ટેક્નૉલૉજીની મદદ મળી રહી હોવાથી તેઓ ઘણું ઝડપથી શીખી
જાય છે. એક સમયે લોકો પુસ્તકોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરતા. તેની પહેલાં કુદરતમાંથી જ
સીધું શીખવા મળતું. વિશ્વ જડીબુટ્ટીઓથી મેડિસિન સુધી અને માતાજીમાંથી મમ્મી અને
મોમ સુધી પહોંચ્યું છે. આમ, આ જગત પરિવર્તનશીલ છે. આપણે સકારાત્મકતા દ્વારા દરેક
મુશ્કેલીને અતિક્રમી શકીએ છીએ.
ચંદ્ર પર સર્વપ્રથમ પગ મૂકનાર, સૌરઊર્જાનો આવિષ્કાર કરનાર, વિમાન
બનાવનાર, વગેરે દરેક વ્યક્તિએ એક લહેર રચી હતી અને આપણી આજ એમના ગઇકાલના કાર્યને
આભારી છે. આપણે પોતાના અંતરાત્મામાં ચમકારો લાવનાર વ્યક્તિને અનુસરવી જોઈએ.
ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે અને દરેક મનુષ્યમાં ચમકારો રાખ્યો છે.
ફક્ત તેને પ્રગટ કરવાની જરૂર છે. આપણી પોતાની રહેણીકરણી, આદતો, વ્યવહાર એ બધું
મળીને આપણું વ્યક્તિત્વ બને છે. દરેકમાં ઘેલછારૂપી એક ચમકારો છુપાયેલો છે. આ વિશ્વમાં
સકારાત્મક પરિવર્તન લાવવા માટે એ ચમકારાનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને
મદદરૂપ થઈને આપણે આ જગતને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ છીએ. તેના માટે હૃદયમાં પ્રેમ
અને કરુણાનો ચમકારો કરવાની જરૂર છે. એક સમાજ અને દેશ તરીકે આપણે એકબીજાને સહાયરૂપ
થઈને એકત્રિત રહેવાની આવશ્યકતા છે. દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણારૂપી ચમકારો પ્રગટ
કરીને જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે.
----------------
Comments
Post a Comment