ચાલો, સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરીને દુનિયાને પોતાના માટે તથા અન્યો માટે વધુ સારી જગ્યા બનાવીએ

||ચાલો, સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરીને દુનિયાને પોતાના માટે તથા અન્યો માટે વધુ સારી જગ્યા બનાવીએ||

કોઈ પણ નવી શોધ કરવાની પ્રક્રિયા ધીમી અને ક્રમિક હોય છે. એમાં રાતોરાત સફળતા મળતી નથી. તમે સુંદર પુષ્પો ધરાવતું કોઈ ઉદ્યાન જોશો, એમ્સ્ટરડેમમાં ટ્યુલિપનાં બગીચાઓ જોશો કે પછી અમેરિકામાં ચેરી બ્લોસમ જોશો તો તમારી આંખો અને મન બન્ને ઠરશે. નાકને સરસ મજાની સુગંધ મળશે. તમને આવી જગ્યાએ ઉઘાડા પગે ચાલવાનું અને અમુક ફૂલ તોડીને તેની સાથે રમવાનું ગમશે. આપણી ઇન્દ્રિયો આવા સમયે આનંદનો અનુભવ લેતી હોય છે. આ ઉદ્યાનો બનાવવા પાછળ કેટલાય લોકોનાં સમય અને શક્તિ લાગેલાં હોય છે. જમીન ખેડવી પડે, તેમાં રોપાં વાવવાં પડે અને પાણી પીવડાવવું પડે. ઘણી બધી મહેનત કર્યા બાદ સુંદર મજાનાં પુષ્પો ઊગતાં હોય છે. છોડવાંને સારી માટી, પાણી અને સૂર્યપ્રકાશની જોડે જોડે માવજત પણ જોઈતી હોય છે.

આ જ રીતે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે. આપણા માટે હવા, પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી છે. જોકે, તેનો ઉત્તમ અનુભવ કરવા માટે આપણે પોતાની જાતને કેળવવી પડે, અંતરખોજ કરવી પડે અને સ્વની નવી ઓળખ-નવી શોધ કરવી પડે. કોરોના રોગચાળાએ મનુષ્યજાતિને સ્વની નવી શોધ કરવાનો સમય આપ્યો છે.

કૃષ્ણ ભગવાને આ પૃથ્વી પર ઘણા અવતાર લીધા. દર વખતે નવું સ્વરૂપ લીધું. મનુષ્યના કલ્યાણ માટે જ તેમણે જન્મ લીધો. જેણે સમગ્ર સૃષ્ટિની રચના કરી છે એણે પોતે જ અનેક અવતાર લેવા પડ્યા. દર વખતે નવી ખોજ કરવી પડી. દરેક જન્મ વખતે એમણે સામાન્ય મનુષ્યો જેવી જ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. દરેક વખતે તેઓ પરિવર્તન લાવ્યા, સામાન્ય માણસોને નવા નવા બોધ આપ્યા.

પુષ્ટિ સંપ્રદાયમાં કહેવાય છે, ‘પુષ્ટિ એટલે સૃષ્ટિ.’ જીવનમાં ઉતાર-ચડાવ, પ્રેમ-ઘૃણા, ગુસ્સો-સ્મિત, આનંદ-ઉદાસી, આદર-અપમાન એ બધું જ હોય છે. શ્રીકૃષ્ણચરિત્ર વાંચીએ તો ખબર પડે કે ભગવાને પણ આ બધામાંથી પસાર થવું પડ્યું હતું. આમ છતાં આપણે મનુષ્યો પ્રતિકૂળ બાબતો સહન કરવા તૈયાર નથી.

ઍપલ કંપનીએ નવા મોબાઇલ ફોનની રચના કરતાં પહેલાં અભ્યાસ કર્યો કે મનુષ્યોને ભવિષ્યમાં કયા પ્રકારના સાધનની જરૂર હશે. એમણે પોતાના સંશોધનનો ઉપયોગ કરીને નવી શોધ કરી. એમણે વધુ ખાસિયતો ધરાવતી નવી ચિપ વિકસાવી અને નવા મોબાઇલના વેચાણ માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડી. આજે એવી સ્થિતિ છે કે ઍપલનો ફોન બજારમાં આવતાંવેંત વેચાઈ જાય છે. કંપની આજે પણ સંશોધન પાછળ ખર્ચ કરે છે.

આપણા જેવા મનુષ્યો માટે સર્જન-નવસર્જન ચાલ્યા જ કરતું હોય છે. જો આવું જ હોય તો આપણે પોતે શું કામ પોતાનામાં પરિવર્તન લાવવું જોઈએ નહીં? આપણે અન્યો સાથેના વ્યવહારમાં વધુ નમ્ર બનવું જોઈએ. આપણા શરીર, મન અને આત્માની એવી ચિપ બનાવવી જોઈએ, જે સૌને ગમે અને બધાને તેની પાસે આવવાનું મન થાય. તેના દ્વારા પ્રેમ અને કરુણારૂપી આવક પણ રળી શકાય છે. આ બધું ત્યારે જ થઈ શકે, જ્યારે આપણામાં સકારાત્મકતા હોય.

કૃષ્ણ કહે છે, જો તમે શ્રદ્ધા-આત્મવિશ્વાસ રાખશો તો બધું કરી શકશો. દરેક મનુષ્યમાં ક્ષમતા છે. આપણી પરસ્પર સંબંધ રાખવાની કળા બીજા બધા જીવો કરતાં અલગ છે. આપણો જન્મ ભલે એક સમાજ કે પ્રદેશ કે દેશમાં થયો હોય, દરેકની પોતપોતાની ખાસિયતો હોય છે. આપણા દેશમાં અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, વગેરે જેવી અનોખી હસ્તીઓ છે. મનુષ્ય તરીકે તેઓ આપણા જેવા જ છે, પરંતુ એમણે મહેનત કરીને તકોનો લાભ લીધો. તેમણે પોતાના કૌશલ્યનો ઉત્તમ ઉપયોગ કર્યો.

અહીં હું મારી 29 વર્ષની કારકિર્દીનો અનુભવ કહેવા માગું છું. મેં જોયું છે કે ઘણાં બાળકો જન્મથી જ હોંશિયાર હોય છે. જો આપણે એમને યોગ્ય કેળવણી આપીએ તો તેઓ ચમત્કાર સર્જી શકે છે. મારી જાણમાં આવેલો એક છોકરો ઘણો હોંશિયાર હતો, પરંતુ બોલવામાં અચકાતો હતો. દરેક કામમાં ચોકસાઈ રાખતો, પરંતુ એને બીજાઓ સાથે વાતચીત કરવામાં ડર લાગતો. મેં એને કહ્યું, “તારી પાસે ઘણી આવડત છે. તું ખેલકૂદ શીખ, મગજને યોગ્ય દિશામાં કેન્દ્રીત કર તથા મન અને શરીરનું સંતુલન જાળવતાં શીખ.” એણે પોતાની જાતને કેળવી અને આજે એ ટેનિસ ખેલાડી છે. એનું ગણિત પણ ઘણું સારું છે અને એણે કારકિર્દીમાં ઘણી પ્રગતિ કરી છે.

મારે કામસર એકલા વિદેશ જવાનું થાય ત્યારે હું મારા સમયનો સદુપયોગ કરતી હોઉં છું. મને મનગમતું સંગીત સાંભળું, સારાં પુસ્તકો વાંચું અને દરેક જગ્યાની ખૂબીઓ જોઈને તેની નોંધ કરું. આમ, મને ક્યારેય એકલું લાગતું નથી. એક માતા તરીકે મને લાગે છે કે મારી દીકરીઓને સ્કેટિંગ, સ્વિમિંગ, ડાન્સિંગ અને કૂકિંગ બધું જ આવડવું જોઈએ. વખત આવ્યે તેઓ આ બધી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે અને પોતાનો સમય પસાર કરી શકે. હું મારા પેશન્ટ્સને પણ આવી બધી પ્રવૃત્તિઓ કરવાનું કહેતી હોઉં છું.

એક વખત મારી પાસે દુબઈથી એક મહિલા પેશન્ટ આવ્યાં હતાં. એમને લકવાને કારણે બોલવામાં લોચા વળતા હતા તેથી મારે એમને સ્પીચ થેરપી આપવાની હતી. મેં એમને થેરપી કરાવવાની સાથે સાથે ભગવદ્ ગીતા વાંચવાનું કહ્યું અને દરરોજ કંઈક વાંચવાનું અને ગીત ગાવાનું કહ્યું. આજે એમની વાચા ઘણી સુધરી ગઈ છે. તેઓ પણ દરેક પ્રવૃત્તિનો આનંદ લે છે. સકારાત્મક વૃત્તિને લીધે એમને જલદી સારું થઈ ગયું.

લોકોને પક્ષઘાત (લકવો)નો હુમલો આવે કે બીજી કોઈ મોટી બીમારી આવે ત્યારે તેઓ વિચારતા હોય છે કે એમની સાથે જ આવું કેમ થયું. આવા વિચારને લીધે એમનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. એક સમય એવો આવે છે જ્યારે ચિંતાઓ એ વ્યક્તિ પર સવાર થઈ જાય છે અને એમનો વિકાસ રૂંધાઈ જાય છે.

ઘણા વરિષ્ઠ નાગરિકો મારી પાસે આવે છે અને કહે છે કે થોડું સંભળાય છે તેથી ચાલી જશે. હું કહું છું, “શું કામ ચાલી જશે? બાળપણમાં ભણતર પાછળ સમય ખર્ચાય છે, મધ્ય વયમાં કમાવામાંથી અને પરિવારના પાલનપોષણમાંથી સમય મળતો નથી. વૃદ્ધાવસ્થામાં જ માણસને પોતાની ઈચ્છા મુજબ રહેવાનો મોકો મળે છે. આવા સમયે તમે કહો છો કે તમને બરોબર નહીં સંભળાય તો ચાલી જશે! હું કહું છું કે સાંભળવા, શીખવા અને બીજાઓને શીખવવા માટે ઘડપણ જ ઉત્તમ સમય છે.

સ્વની નવી શોધ કરવા તમારે પોતાના માટે તથા અન્યો માટે સૌથી સુંદર જગતની કલ્પના કરવી જોઈએ. દુનિયાની સાતેય અજાયબીઓ, સુંદર શિલ્પો, ઉદ્યાનો, ઐતિહાસિક સ્મારકો, ચિત્રો કે ડિઝની વર્લ્ડ, મંદિરો, વગેરે વસ્તુઓ જોશો તો ખયાલ આવશે કે એ બધાંની પાછળ કોઈકની કલ્પના રહેલી છે. કલ્પનાની સાથે મોટી સંખ્યામાં લોકોની મહેનત સંકળાવાથી સુંદર રચનાઓ થઈ. તો ચાલો, સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરીને દુનિયાને પોતાના માટે તથા અન્યો માટે વધુ સારી જગ્યા બનાવીએ.

આમ કરવા માટે આપણે સ્વની નવી ખોજ કરવી પડશે, પોતાને ખુશ કરે એવું કંઈક કરવું પડશે, મુશ્કેલીઓનો હસતા મુખે સ્વીકાર કરવો પડશે અને આત્મવિશ્વાસ સાથે તથા મજબૂત મનોબળથી સ્થિતિનો સ્વીકાર કરવો પડશે. બીજાઓ શું કહે છે તેની પરવા કર્યા વગર આત્મવિશ્વાસથી આગળ વધવું અને જીવનને ચાહવું, કારણ કે એ જ સૌથી સુંદર વસ્તુ છે.

--------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...