મહિલાઓ આ જગતને વધુ સુંદર બનાવવાનું સામર્થ્ય ધરાવે છે
|| મહિલાઓ આ જગતને વધુ સુંદર બનાવવાનું સામર્થ્ય ધરાવે છે||
એક નાનકડા બીજને
પૂરતું પાણી અને યોગ્ય જમીન તથા આબોહવા મળે તો એ મોટું વૃક્ષ બની જાય છે. એક મોટું
વૃક્ષ મનુષ્યોની ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃક્ષ
જ્યારે લોકોને ઓક્સિજન, ફળ-ફૂલ, છાંયડો, વગેરે ચીજવસ્તુઓ આપે ત્યારે એ સફળ થયું
ગણાય.
આ બ્લોગ હું જગતની
તમામ માતાઓને અર્પણ કરું છું. માતા ગર્ભમાં બાળકનો ઉછેર કરવાની સાથે સાથે એવો પણ
વિશ્વાસ રાખે છે કે એનું બાળક મોટું થઈને બીજાઓને મદદરૂપ થશે અને આ દુનિયાને વધુ
સારી બનાવવામાં યોગદાન આપશે.
ચાલો, એક સંતાનનું
પાલનપોષણ કરનાર માતાને તથા નાગરિકોને આશ્રય આપનાર માતૃભૂમિને વંદન કરીએ!
કહેવાય છે કે માણસ
જ્યારે અતિશય કપરા સમયમાંથી પસાર થતો હોય એવા વખતે માતાની સોડમાં એને અનહદ શાંતિ
મળે છે. એ જ રીતે માતૃભૂમિમાં રહીને માણસને સુખ-સુવિધાઓ તથા આત્મીયતા મળે છે.
રાધા-કૃષ્ણનું નામ
પ્રેમના પ્રતીક તરીકે લેવાય છે. રાધા સુંદરતાનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય છે.
એમનાં 32 નામો છે અને એ દરેકનો અર્થ ફક્ત 'પ્રેમ' થાય છે.
શાસ્ત્રોમાં
લખાયું છે કે કૃષ્ણનો જન્મ થયો ત્યાર સુધી રાધાની આંખો ખૂલી ન હતી. એમણે કૃષ્ણ
પ્રત્યેના પ્રેમની સુવાસ ચારેકોર ફેલાવી અને માતૃભૂમિ માટે તથા આ દુનિયાના લોકો
માટે પોતાના પ્રેમની કુરબાની આપી. કોઈને પોતાની પાસે રાખીને જ પ્રેમ થાય એવું નથી.
કૃષ્ણ રાધાની સાથે રહી શક્યા નહીં, પરંતુ એમનો પ્રેમ અકબંધ રહ્યો.
સંતાનને જન્મ
આપનાર માતા હંમેશાં પોતાના બાળક પ્રત્યે મમતા રાખશે, એના કલ્યાણ માટે એને પોતાનાથી
દૂર જતાં નહીં રોકે. સંતાન પાસે હોય કે દૂર હોય, એની મમતા એની એ જ રહેશે. માતાને
ખબર છે કે એની હૂંફ એટલી બધી છે કે બાળકને હંમેશાં એમાં સલામતી અને સાંત્વના મળશે.
રાધાએ એ પણ સંદેશ
આપ્યો છે કે પ્રાર્થનાથી દરેક વ્યક્તિ મનને સ્થિર રાખી શકે છે તથા ગુસ્સો, અહંકાર,
લોભ, વિષાદ, અસલામતી અને ડરને અતિક્રમી શકે છે.
સાધ્વી મધર
ટેરેસાએ પણ આપણને શીખવ્યું છે કે જરૂરિયાતમંદોની સેવા કરવી અને એમ કરતી વખતે ચહેરા
પર હંમેશાં સ્મિત રાખવું. એમના જેવી વિભૂતિઓ મનુષ્યજાતિને કાયમ માટે યાદ રહી જાય
છે.
દરેક મહિલામાં
પ્રેમ-સ્નેહ-મમતાની તાકાત છે. તેના દ્વારા એ સૌને સાંકળીને રાખે છે અને સ્થિરતા
પ્રદાન કરે છે. હું આ વિશ્વની તમામ મહિલાઓને સલામ કરું છું, કારણ કે કપરા સમયમાં
તેઓ સૌને સલામતી પૂરી પાડવાની શક્તિ ધરાવે છે.
મારી માતા હોય,
હું હોઉં કે બીજી કોઈ પણ માતા હોય, દરેકનો પ્રયત્ન હોય છે કે પોતાના બાળકને સારું
પોષણ અને સારા સંસ્કાર આપે. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેનું પાલનપોષણ શરૂ થઈ જાય
છે.
માતા તરીકેનો
વિશ્વાસ અંદરથી જ જન્મ લેતો હોય છે, ક્યાંયથી ઉછીનો કે ખરીદીને લાવવો પડતો નથી.
મારું કહેવું છે કે દરેક મહિલાની આ જાગરૂકતા જીવનભર ટકી રહેવી જોઈએ, કારણ કે
તેનાથી ઉન્નતિનો માર્ગ ખૂલતો જાય છે. આપણે હંમેશાં તંદુરસ્તી જાળવી રાખવી જોઈએ,
પોષક ખોરાક લેવો જોઈએ, સારા વિચારો ધરાવતાં પુસ્તકો વાંચવાં જોઈએ. આ રીતે આપણે
પોતાનાં બાળકોને પણ સાચી કેળવણી આપી શકીએ છીએ.
ખરું પૂછો તો,
કોરોનાના કપરા કાળમાં લોકડાઉન દરમિયાન મારામાં રહેલું માતૃત્વ વધુ ખીલ્યું. મને
મારી બન્ને દીકરીઓ સાથે સારી વાતો કરવાનો તથા તેમને ગરમાગરમ રસોઈ જમાડવાનો અપાર
આનંદ મળ્યો. મુશ્કેલ સમયમાં મને નવી દૃષ્ટિ મળી.
કોરોના રોગચાળાનો
સમયગાળો આકરો હોવા છતાં આપણે મહિલાઓએ ઘણી સ્થિરતા અને સાથે સાથે લવચીકતા રાખી.
આપણે ઘરની તથા ઈતર પ્રવૃત્તિઓને પૂરતો ન્યાય આપ્યો. મેં જોયું કે જેમને
ટેક્નૉલૉજીમાં કંઈ ખબર પડતી ન હતી એવી માતાઓએ પોતાનાં સંતાનોના ઓનલાઇન શિક્ષણ માટે
ફટાફટ બધું શીખી લીધું અને એમને મદદ કરી.
એક ચાલીમાં રહેતી
મારા ઘરની હેલ્પરે મને કહ્યું કે બાળકોને મોબાઇલની મદદથી ભણાવવાનું એણે શીખી લીધું
છે.
આપણે મહિલાઓ
પરિસ્થિતિ પ્રમાણે ઢળવાની લવચીકતા, અને સાથે સાથે પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનું
સામર્થ્ય પણ ધરાવીએ છીએ. મેં એ પણ જોયું છે કે ઘણી મહિલાઓ લોકડાઉન દરમિયાન નવી-નવી
વાનગીઓ બનાવવાનું શીખી તથા રોજિંદી પ્રવૃત્તિઓ ઉપરાંત આવક રળવા માટેની બીજી
નાની-મોટી પ્રવૃત્તિઓ પણ કરવા લાગી. મારું માનવું છે કે મહિલાઓએ રોજેરોજ બહેતર
બનવાનો સંકલ્પ કરીને આગળ વધવું જોઈએ. આપણે બધું કરી શકીએ છીએ એવો આત્મવિશ્વાસ જાતે
કેળવી શકીશું તો બીજાઓમાં પણ એ વિશ્વાસ જગાવી શકીશું.
મહિલા આ જગતમાં
સર્જકની ભૂમિકામાં છે. સર્જનશક્તિ મનમાં-વિચારોમાં રહેલી છે. મારી પાસે બધિર
(શ્રવણમંદ) સંતાનને લઈને આવનારી ઘણી માતાઓ શરૂઆતમાં દુઃખી હોય છે. બાળકની પંગુતાને
લીધે તેઓ વ્યથિત હોય છે, પરંતુ કેટલીક માતાઓ બાળકની તકલીફને દૂર કરવા માટે મારી
સાથે ખભેખભા મિલાવીને કામ કરવા તૈયાર થઈ જાય છે.
બાળકના વિકાસ માટે
માતા કેવા વિચાર કરે છે એ અગત્યનું છે. હું એક એવી માતાને જાણું છું, જેણે પોતાના
શ્રવણમંદ સંતાનના સારા ઉછેર માટે, તેના શિક્ષણ માટે પોતાની કારકિર્દીનો ભોગ આપ્યો.
એમને પરિવાર તરફથી કોઈ સહયોગ મળ્યો નહીં, છતાં તેઓ અડગ રહ્યાં. આજે એમનો દીકરો
એન્જિયરિંગમાં અનુસ્નાતક સ્તર સુધીનો અભ્યાસ કરીને સરકારી કંપનીમાં કામ કરે છે તથા
દર મહિને 75,000 રૂપિયા કમાય છે. એ યુવાન પોતાની માતાની ઘણી જ કાળજી રાખે છે.
સ્વજન પાછળ કુરબાની આપવાની કેળવણી એને પોતાની માતા પાસેથી મળી છે.
આવી માતાને સલામ.
મને એ અને એમના જેવી બીજી અનેક માતાઓ પાસેથી પ્રેરણા મળી છે. એક મહિલા તરીકે હું
કહેવા માગું છું કે બધી મહિલાઓ ભેગી મળીને પરિવર્તન લાવવા કટિબદ્ધ થાય. કોઈ પણ
મુશ્કેલ સમયમાંથી માર્ગ કાઢવા માટે આપણે સજ્જ છીએ.
જો આપણે
આત્મવિશ્વાસી હોઈશું તો આપણાં સંતાનો પણ આત્મવિશ્વાસી બનશે. એમને સતર્ક રહેતાં
શીખવો, એમને ભણાવો, એમને નમ્ર અને દયાળુ બનતાં શીખવો. સંતાનના વિકાસ માટે
માતા-પિતા બન્ને ભેગાં મળીને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. એમણે બન્નેએ ઘર અને
ઘરની જેમ દેશની ઉન્નતિ માટે પણ કામ કરવાનું છે.
હવે તો ઘણી મહિલાઓ
દેશના રક્ષણ માટે સૈન્યમાં પણ ભરતી થાય છે. દરેક મહિલા સરહદ પર લડાઈ ભલે ન કરે, ઘરમાં
સૈનિકનો ઉછેર તો કરી જ શકે છે અને સાથે સાથે દેશને આર્થિક અને સામાજિક રીતે વિકસીત
બનાવી શકે છે.
બાળકના માનસિક
વિકાસ માટે આપણે માતાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકીએ છીએ. આપણે એમને શિક્ષણ આપવા
ઉપરાંત ઉત્તમ વિચારપ્રક્રિયા પણ ખીલવવાની છે. શિક્ષણમાં ઉચ્ચ ટકાવારી અને પછી ઉચ્ચ
કમાણી અને ઉચ્ચ સામાજિક દરજ્જો મેળવવાની ગળાકાપ સ્પર્ધામાં આપણે સંતાનોને મૂલ્ય શીખવવાનું
ભૂલી ગયા છીએ. શિક્ષણ ઉપરાંત આદરભાવ, નિષ્ઠા, જવાબદારી, સમજણ અને સમર્પણ એ બધા
ગુણોની પણ આવશ્યકતા છે. પ્રેમપૂર્વક ઉછેર થશે તો જ એ બધા ગુણો ખીલશે. બાળક પોતાની
માતા પાસેથી જ સૌથી વધારે શીખે છે. ફક્ત માહિતી આપવી એ શિક્ષણ નથી. બાળકોને જ્ઞાન
આપવાની જરૂર છે.
હું ફરી એક વખત
તમામ મહિલાઓને, તમામ માતાઓને અને આપણી માતૃભૂમિને વંદન કરું છું. આપણે આ વિશ્વને
વધુ સુંદર બનાવવાની ક્ષમતા ધરાવીએ છીએ.
------------------------------------------
Comments
Post a Comment