બીજાઓને સુખ આપવાનું શરૂ થાય ત્યારે પોતાનું સુખ અનેક ગણું વધી જાય છે!

|| બીજાઓને સુખ આપવાનું શરૂ થાય ત્યારે

પોતાનું સુખ અનેક ગણું વધી જાય છે! ||

આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિએ એક કામ ફરજિયાતપણે કરવાનું હોય છે. એ કામ છે પોતાના માટે અને અન્યો માટે સુખનું સર્જન કરવું. આપણે આ કામ કેટલી સારી રીતે કરી શકીએ છીએ એ આપણા પોતાના પર નિર્ભર હોય છે.

દરેક વ્યક્તિ માટે સુખની વ્યાખ્યા અલગ અલગ હોય છે. મારા મતે સુખ બીજાઓને આપવાની ભાવનામાં રહેલું છે. તમે જો કોઈને સુખ આપી શકો તો પોતે પણ સુખી રહી શકો.

આપણું શરીર અગણિત શિરાઓ, ધમનીઓ અને ઘણાં બધાં હાડકાંનું બનેલું છે. પક્ષીઓનાં શરીર પણ આપણી જેમ જ કામ કરે છે, પરંતુ એમની પાસે ઉડવાની વિશેષ શક્તિ છે. શું આપણે પણ આકાશમાં ઊડી શકીએ છીએ? ‘હા, ઊડી શકીએ છીએ, પણ પક્ષીઓ જેટલું સારું નહીં,’ એવું આપણે મનુષ્યો વિચારીએ છીએ. ચાલો, એક દિવસ વિચાર કરીએ અને પક્ષીઓની જેમ જ મુક્તપણે ઊડીએ. આવી કલ્પના કરવા માત્રથી પણ ઘણો આનંદ આવે છે!

આજનાં બાળકો, ખાસ કરીને કિશોર વયનાં બાળકો બૂમરેંગ, સેલ્ફી, સ્લો મોશન પિક્ચર, વગેરે ટેક્નૉલૉજી અપનાવીને આકાશમાં ઉડવાની કલ્પનાનો અનુભવ કરે છે. એ વસ્તુને તેઓ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક અને બીજાં બધાં સોશિયલ મીડિયા ઉપર દર્શાવે છે, પરંતુ જ્યારે બીજાઓનાં પણ આવાં પિક્ચર જોવા મળે ત્યારે એમનો આનંદ ઉડી જાય છે. આજના આ સ્પર્ધાત્મક વિશ્વમાં આવી તસવીરો ફક્ત સ્મૃતિમાં રહી જાય છે. જો વાસ્તવમાં આ બાળકો ઊંચે ઊડવાનો પ્રયત્ન કરે તો તેઓ તેનો અનુભવ કરી શકે છે અને સુખનું ચિત્ર રચી શકે છે.

ભગવાન કૃષ્ણે પોતાના જીવનના દરેક કાર્યમાં સુખનું સર્જન કર્યું. ગોવાળો સાથે કરેલી માખણની ચોરી અને સુદામાના ઘરે ખાધેલા પૌઆથી માંડીને માતાપિતા - નંદ અને યશોદા સાથે કરેલાં તોફાનો નંદગ્રામમાં ગોવાળો સાથે રમેલી રમતો, ગાયોની કરેલી સેવા, રાધા સાથેનો પ્રેમ અને અર્જુનને આપેલો જીવનબોધ એ બધાં કાર્યો એમણે સુખપૂર્વક કર્યા.

જો આપણે ભગવદ્ ગીતાના અને કૃષ્ણચરિત્રના દરેક અધ્યાયનો અભ્યાસ કરીએ તો જોઈ શકાય છે કે એમાં સુખની પ્રાપ્તિની વાત કરવામાં આવી છે. એમાંની દરેક વાર્તા સંબંધને લગતી છે અને આપણી સમસ્યાઓના હલ એમાં આપવામાં આવ્યા છે. દરેક સંબંધ સમજણ અને ઊંડાણ ધરાવે છે. દરેક વાર્તામાં કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા રાખવાની વાત છે. કૃષ્ણ આપણા તારણહાર છે એવું એમાં પ્રતીત થાય છે

જો આજનો યુવાન વિજ્ઞાનના જ્ઞાનની સાથે આધ્યાત્મિક જ્ઞાન ભેળવે તો એમના જીવનમાં પરિવર્તન આવી શકે છે અને સુખની અનુભૂતિ થઈ શકે છે. આધ્યાત્મિક જ્ઞાનનો અર્થ ફકત ભજનો ગાવાં કે મંદિરમાં જવું એવો નથી થતો. એનો અર્થ એ છે કે કોઈ અગોચર શક્તિ આપણને માર્ગદર્શન આપવા માટે અને આપણી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટે માટે હંમેશાં આપણી સાથે હોય છે એ વાત સમજવી.

સંગીતના સાત સ્વર અને જીવનના સાત રંગ આપણા મગજમાં સકારાત્મક ઉર્જાનું સર્જન કરે છે. બાળપણમાં આપણે વિવિધ રંગ ઓળખવા લાગીએ છીએ અને પછી દરેક રંગને અલગ-અલગ બાબત સાથે સાંકળી લઈએ છીએ. આ જ્ઞાન દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે, પરંતુ દરેક રંગને સમજવાની દૃષ્ટિ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. અમુક લોકો લાલ રંગને ગુસ્સાના સ્વરૂપે જુએ છે, જ્યારે અમુક લોકોની દૃષ્ટિએ એમાં પ્રેમ, સૃજનાત્મકતા, ઊર્જા અને શક્તિ હોય છે. નારંગી રંગ આશા અને સ્વતંત્રતાનું પ્રતીક છે, પીળો રંગ ઉલ્લાસ, આનંદ અને સકારાત્મકતા દર્શાવે છે, જ્યારે લીલો રંગ આરોગ્ય, પ્રકૃતિ અને સમૃદ્ધિનો છે. ભૂરો રંગ આત્મવિશ્વાસ અને સફળતા દર્શાવે છે, જ્યારે જાંબુડી રંગ કલ્પનાશક્તિનો છે. ગુલાબી રંગ કૃતજ્ઞતા અને આદરની લાગણી વ્યક્ત કરે છે. આપણે બધાએ આ રંગોને એમના અસલ સ્વરૂપમાં અને બાહ્ય સ્વરૂપમાં જીવનમાં અપનાવી લેવાની જરૂર છે. એવું થાય ત્યારે જીવન રંગબેરંગી બની શકે છે. જીવનમાં વિવિધ રંગના ઉપરોક્ત ગુણોને સમાવી લેવા માટે આપણે મગજને એ દિશામાં કેળવવું પડે છે.

બોલવામાં અચકાતા કે થોથવાતા મારા દરદીઓ વિશે હું લોકોને એ સમજાવું છું કે એમની પાસે પણ સામાન્ય મનુષ્ય જેવી જ વાચા છે, પણ એમની ખરી તકલીફ એમની માનસિકતામાં છે. એ લોકો જ્યારે કોઈની સાથે વાત કરે અથવા અચાનક બોલવાનું આવે કે પરાણે બોલવું પડે ત્યારે એમનો ડર ઘણો વધી જાય છે અને બોલવામાં વધારે તકલીફ પડવા લાગે છે, તેઓ વધુ અચકાય છે. આ રીતે તેઓ ડરમાંથી બહાર આવવાને બદલે એમનામાં વધુ ને વધુ ડર ઘર કરી જાય છે અને એ એક પ્રકારનું વિષચંક્ર બની જાય છે. એમની સારવાર કરવા માટે સૌથી પહેલાં એ વિષચક્રને તોડવું પડે છે.

જો આપણું કોઈ કામ ધાર્યા પ્રમાણે થાય નહીં તો આપણી પાસે તેનો શું વિકલ્પ છે એનો વિચાર કરવો જોઈએ. આપણા માટે સારું શું છે અને ખરાબ શું છે એ સમજવું જોઈએ અને આપણું મન શું કહે છે એ સમજવું જોઈએ. આપણને દરેક બાબત માટે લાગનારા સમયનું મહત્વ સમજવું જોઈએ અને પૂરતો સમય આપવો જોઈએ. પોતાની દરેક પરિસ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવાની શીખવું જોઈએ. પોતાનામાં વિશ્વાસ રાખવો બહુ જરૂરી હોય છે

મને એવું લાગે છે કે જો આપણે સુખી રહેવું હોય તો ભૂતકાળ સાથે સમાધાન કરી લેવું જોઈએ અને મનને દુઃખ પહોચાડતા હોય એવા અનુભવોને ભૂલી જવા જોઈએ. પોતાનામાં વિશ્વાસ રાખીને પોતાનાથી થાય એટલું કાર્ય કરવું જોઈએ (અન્યો તમારા વિશે શું કહે છે એનો વિચાર કરવો નહીં). તમારા સુખનો આધાર એકલા તમારા ઉપર જ હોય છે. ક્યારેય સામાજિક દરજ્જો, શિક્ષણ અને સંપત્તિ બાબતે અન્યો સાથે પોતાની તુલના કરવી જોઈએ નહીં. પોતાની પાસે જે છે તેનાથી સંતોષ માનવો જોઈએ અને યોગ્ય દિશામાં વિકાસ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. વધુ પડતું વિચારવું નહીં. અલિપ્ત રહેતાં શીખવું અને સંજોગોને ઘણા જ ઝડપથી અપનાવી લેવા અને એમને અનુકૂળ થઈ જવું. જીવનમાં જે કંઈ થાય છે છે સારા માટે જ છે અને ભગવાન હંમેશાં પોતાની સાથે છે એવું વિચારીને દરેક કામ હસતાં-રમતાં કરવું. આ જગતમાં સ્મિત કે હાસ્ય એ ઉત્તમ ઔષધી મનાય છે.

વિવિધ રંગોની ઊંડી સમજ, પોતાની સકારાત્મક વિચારસરણી અને ઉપરોક્ત નિયમોનું પાલન એ ત્રણેય બાબતો આપણા જીવનમાં સુખ લાવી શકે છે. પોતાની પાસે જે છે એને મહત્ત્વ આપવામાં આવે તો સુખ પ્રાપ્ત થાય છે.

જ્યારે પણ કોઈ શ્રવણમંદ બાળકનાં માતા-પિતા પોતાના બાળકની તકલીફનું નિદાન કરાવવા માટે મારી પાસે આવે છે ત્યારે પૂછતાં હોય છે કે એમના બાળકની સાંભળવાની શક્તિ કેટલા ટકા ઓછી છે. સૌથી પહેલાં હું એમને એમની વિચારસરણી બદલવાનું કહું છું. શ્રવણશક્તિ કેટલા ટકા ઓછી છે એવું વિચારવાને બદલે કેટલા ટકા ઉપલબ્ધ છે અને બાળકને તંત્રજ્ઞાનની મદદથી આપણે કેવી રીતે સાંભળતું કરી શકીએ છીએ એ અગત્યનું છે. આથી જ કહેવાનું કે દરેક મનુષ્યે પોતાની પાસે જે છે એને મહત્ત્વ આપવું જોઈએ અને એના પ્રત્યે અહોભાવ રાખવો જોઈએ, જેથી સુખનું સર્જન થઇ શકે.

ઉપરોક્ત વાતોને જીવનમાં ઉતારનાર વ્યક્તિ ચોક્કસપણે સુખી થાય એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. બીજાઓને સુખ આપવાનું શરૂ થાય ત્યારે પોતાનું સુખ અનેક ગણું વધી જાય છે. સકારાત્મક ઉર્જા હંમેશાં દરેકને સ્પર્શી જતી હોય છે. સકારાત્મકતા ફેલાવવા માટે આ બ્લોગ લખીને મને ઘણો જ આનંદ અને સુખ મળ્યાં છે. મારા મિત્રો પાસેથી મળેલા સુંદર પ્રતિભાવને કારણે હું તેમની સાથે માનસિક તાદાત્મ્ય સાધી શકી છું. મારી આ સકારાત્મકતા મારા પરિવાર, મિત્રો, સહયોગીઓ સહિત ઘણા બધા લોકો સુધી પહોંચી છે અને એને કારણે હું વધુ લખવા પ્રેરિત થઈ છું. લોકોના મનમાં સકારાત્મકતા લાવવામાં યોગદાન આપ્યાનો મને સંતોષ છે

આજની તારીખે લેખનનું આ કાર્ય પોતાના માટે અને અન્યો માટે સુખનું સર્જન કરવામાં નિમિત્ત બન્યું છે. જીવનના રંગોને ચાહો, પોતાની પાસે જે છે એનો આનંદ માણો. પોતાને તથા અન્યોને સુખ મળે તે માટે યોગ્ય દિશામાં વિચારી કરો. પ્રેમ અને સુખ અન્યો સુધી પહોંચાડો. હું તમને ખાતરી આપું છું કે સુખ માટેનું આ કાર્ય તમને ચોક્કસ સંતોષ આપશે. સુખ બહારથી મળતું નથી, અંદરથી અનુભવાય છે.

---------------------------------- 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...