આપણા સંબંધોમાં વિશ્વાસ, આદર, સમજણ અને પ્રેમ હશે તો આ વિશ્વ વધારે સુંદર બનશે

|| આપણા સંબંધોમાં વિશ્વાસ, આદર, સમજણ અને પ્રેમ હશે તો આ વિશ્વ વધારે સુંદર બનશે ||

શું આપણને એકબીજાની જરૂર છે? હા, ચોક્કસ જરૂર છે. જો બે વ્યક્તિઓ એકબીજાને સારી રીતે સમજી શકે તો સારી રીતે સાથે રહી શકે છે. આ વાત ફક્ત બે પ્રેમીપંખીડાંની નથી, આપણા જીવનના દરેક સંબંધને લાગુ પડે છે. તમે આ જગતમાં પ્રેમ ફેલાવી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ તમને ચાહે ત્યારે તમે પણ જીવનને ચાહવા લાગી જાઓ છો. દરેક સંબંધમાં વિશ્વાસ, હૂંફ અને પરસ્પરની સમજણની જરૂર હોય છે.

સવારના સમયે આકાશ પ્રકાશિત હોય છે અને ખુશનુમા વાતાવરણ હોય છે. આ જ રીતે સૂર્યાસ્તના સમયે પણ આકાશ સુંદર દેખાતું હોય છે. આ દૃષ્ટિએ જોઈએ તો મજબૂત સંબંધ કોઈ પણ સમયે, એટલે કે જીવનના બધા ઉતાર-ચડાવ વચ્ચે, સુંદર રહે છે. જો કર્મચારીઓ પોતાની કંપનીને ચાહતા હોય અને સંચાલકો પણ કર્મચારીઓ પ્રત્યે સ્નેહ અને વિશ્વાસ ધરાવતા હોય તો કંપની આપસી હૂંફ, વિશ્વાસ અને સમજણ થકી વિકાસ સાધી શકે છે.

કોરોનાના સમયગાળામાં આપણે બધાએ કૌટુંબિક હૂંફનું મહત્ત્વ જોયું-જાણ્યું અને સમજી ગયા કે નિકટના સ્નેહીજનો આપણા જીવનનો અગત્યનો હિસ્સો હોય છે. ભગવાન રામે પિતાએ આપેલા વચનનો ભંગ ન થાય એ માટે વનવાસે જવાનું નક્કી કર્યું અને માતાનો આદર કરીને ભરતને રાજગાદી સોંપી દીધી. આ ભાઈઓ વચ્ચેનો પ્રેમ, માતાપિતા પ્રત્યેનો એમનો આદર તથા અયોધ્યાની પ્રજા પ્રત્યેનો એમનો સ્નેહ હોવાથી તેઓ કપરા સમયનો સારી રીતે મુકાબલો કરી શક્યા. ભગવાન કૃષ્ણનો ગોકુળવાસીઓ તથા રાધા પ્રત્યેનો પ્રેમ અપાર હતો અને તેથી જ જીવનમાં અનેક અવરોધો આવવા છતાં એમને કોઈ હાનિ ન થઈ. મુશ્કેલ સમયમાં સાથ ટકાવી રાખવાની ઈચ્છા ઘણી તાકાત આપતી હોય છે. કૃષ્ણ અને રાધાનો પ્રેમસંબંધ આજે પણ આપણને પ્રેરણા આપે છે.

કૃષ્ણ ગોકુળ છોડીને ગયા પણ રાધાએ ક્યારેય ફરિયાદ કરી નહીં. ઉલટાનું, એમણે પોતાના પ્રેમને આજીવન ટકાવી રાખ્યો. કૃષ્ણ સદેહે હાજર ન હોવા છતાં એમણે ગોકુળવાસીઓની કાળજી લીધી.

તમે જોયું હશે કે જીવનમાં અનેક લોકો તમારી પાસેથી મદદ લેવા આવતા હોય છે, પરંતુ તમે જ્યારે કોઈની મદદ માગો ત્યારે તમને મદદ કરવા સરળતાથી કોઈ તૈયાર થઈ જાય એવું ભાગ્યે જ બનતું હોય છે.

સમાજમાં હાલના સંજોગો અને આપણી પોતાની અસલામતીની ભાવનાને કારણે આપણે શંકાશીલ બની ગયા છીએ. ભગવાનની પ્રાર્થના કરીએ ત્યારે પણ આપણા મનમાં સંદેહ જાગે છે. આપણા જીવનમાં કંઈક સારું બને તો જ ભગવાનમાં આપણી શ્રદ્ધા દૃઢ થાય છે, પણ ઈશ્વરે આપણા માટે પહેલેથી હવા, પાણી અને ખોરાકની વ્યવસ્થા કરીને રાખી છે એનું શું?

એક દિવસ હું કોઈકની સાથે જીવનમાં સકારાત્મકતા રાખવા વિશે વાત કરી રહી હતી. એમણે ઊંડો નિઃશ્વાસ લેતાં કહ્યું કે એમને ઘણી આર્થિક તંગી નડી રહી છે. આત્મગૌરવને લીધે એમણે પોતાને મદદ જોઈએ છે એવું કહ્યું નહીં. મને એમની તકલીફ સમજાઈ ગઈ અને બીજા જ દિવસે મેં એમની પાસે પરોક્ષ રીતે સહાય માટેનાં કાગળિયાં મગાવી લીધાં અને એમની તાત્કાલિક જરૂરિયાત જેટલાં નાણાં એમના ખાતામાં જમા કરાવી લીધાં. એમના ચહેરા પર જોયેલો આનંદ વર્ણવવા મારી પાસે શબ્દો નથી. એ વ્યક્તિની મદદ કરીને મને ઘણો જ સંતોષ થયો. મેં કરેલી મદદ ઘણી નાની હતી, પરંતુ એને લીધે જીવનમાં ઘણી સકારાત્મકતા આવી ગઈ.

આપણા પરિવારની વાત કરીએ તો, કહી શકાય કે કપરા સમયમાં પણ એકબીજામાં વિશ્વાસ રાખીને આપણે જીવનને સરળ બનાવી શકીએ છીએ. આજના કટ્ટર સ્પર્ધાના યુગમાં આપણે ધીરજ ગુમાવી બેઠા છીએ. આપણને બધું જ ઝડપથી જોઈતું હોય છે. આપણા સંબંધો એકબીજાની શક્તિ બનવા જોઈએ, નબળાઈ નહીં.

હાલમાં મેં બે યુગલોના ઇન્ટરવ્યૂ લીધા. એમાંથી એક યુગલ શ્રવણમંદ હતું. બીજા દંપતીમાંથી પતિ સામાન્ય હતો અને પત્ની શ્રવણમંદ હતી. બન્ને પતિ-પત્ની એકબીજામાં ભરપૂર વિશ્વાસ ધરાવતાં હતાં. બન્ને જણ શ્રવણમંદ હતાં એ દંપતીએ કહ્યું, ‘‘અમારા બાળકના જન્મ પછી અમારા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે, કારણ કે બાળકનો શ્રેષ્ઠ ઉછેર કરવા માટે અમારે એકબીજાની મદદ કરવી જરૂરી બને છે.’’ બીજા દંપતીમાંથી પતિએ કહ્યું, ‘‘શરૂઆતમાં મને એને સમજવામાં તકલીફ પડતી હતી, પરંતુ હવે એકબીજા સાથે પ્રેમથી રહેવાને કારણે કામ આસાન થઈ ગયું છે. અમે બન્ને એકબીજાની ઊણપોને ચલાવી લઈએ છીએ.’’ આ યુગલો સાથે વાત કરવાથી મને પણ પ્રેરણા મળી. મને સમજાઈ ગયું કે પરસ્પરના વિશ્વાસને લીધે સંબંધ ઉત્તમ બને છે. જો સંબંધોમાં સુંદરતા હોય તો જીવન પણ સુંદર બને છે.

શ્રવણમંદ વ્યક્તિઓ સાથે કામ કરીને મને સમજાયું છે કે સંબંધોમાં સાંભળવાની કળા ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે. જો તમે સામેવાળી વ્યક્તિને થોડી મિનિટો સુધી ધીરજપૂર્વક સાંભળો તો સંબંધ મજબૂત બને છે. પોતાની વાત સાંભળવાવાળું કોઈ છે એ લાગણીને લીધે મનુષ્યના જીવનમાં ઘણી સલામતી અને સંતોષ અનુભવાય છે. મારા એક દરદી 71 વર્ષના છે. પક્ષાઘાતના હુમલાને લીધે એમણે વાચા ગુમાવી દીધી હતી. એમના પાંચ વર્ષના પૌત્રને દાદા સાથે રમવાનું અને વાતો કરવાનું ઘણું ગમે છે. અમે બાળકને સમજાવ્યું કે દાદાને બોલવામાં તકલીફ પડે છે અને જો એ ધીરજપૂર્વક એમને શીખવશે તો તેઓ ફરીથી બોલવા લાગશે. તમે નહીં માનો, પણ હકીકત છે કે આજે એ દાદા પૌત્રને કારણે ફરીથી થોડું બોલવા લાગ્યા છે અને તંદુરસ્ત બની ગયા છે. આ ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે ધીરજપૂર્વક સાંભળવાથી સંબંધો ઘનિષ્ઠ બને છે.

અહીં જણાવવું રહ્યું કે કોઈકે દાખવેલી કાળજી ચમત્કારી ઔષધિનું કામ કરે છે. આથી જ આપણે શહેરમાં ઘણા ડૉક્ટરો હોવા છતાં પોતાને જેમાં ઊંડી શ્રદ્ધા હોય અને જે ડૉક્ટર આપણાં દુઃખ-દર્દ દૂર કરવામાં ઊંડો રસ લેતા હોય એ જ ડૉક્ટર પાસે દવા લેવા જઈએ છીએ. એમણે આપેલો એક ડોઝ ખાઈને ઘણું સારું લાગવા માંડે છે. હવે તમે જ વિચારોઃ જો આપણે આપણા સંબંધોમાં એકબીજાના ડૉક્ટર થઈ જઈએ તો સંબંધ કેટલા સુંદર બની જાય? મારા ઘણા શ્રવણમંદ દરદીઓ મારા વિદ્યાર્થીઓ બની ગયા છે અને હવે તેઓ મારા મિત્ર પણ બની ગયા છે. તેઓ મારા પરિવારનો હિસ્સો બની ગયા હોય એવું લાગે છે. અમે પરસ્પર સ્નેહ અને અનુકંપા ધરાવીએ છીએ.

કોરોના રોગચાળાના સમયમાં આપણે બધા લાંબા સમય સુધી ઘરમાં રહ્યા અને એકબીજાને પૂરતો સમય આપ્યો તેથી આપણો પરસ્પરનો સ્નેહ વધી ગયો અને પરિવાર તરીકે આપણે વધુ નિકટ આવી શક્યા. તથાગત બુદ્ધ કહી ગયા છે, ‘‘કોઈ પણ પ્રકારની દુર્ભાવના કે દુશ્મનાવટ વગર સમગ્ર વિશ્વ પ્રત્યે અખૂટ પ્રેમભાવ રાખો.’’ આપણા સંબંધોમાં વિશ્વાસ, આદર, સમજણ અને પ્રેમ હશે તો આ વિશ્વ વધારે સુંદર બનશે.

---------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...