પોતાના પ્રત્યેનો અને બીજાઓ પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ આપણા જીવનને સુંદર બનાવી શકે છે
|| પોતાના પ્રત્યેનો અને બીજાઓ પ્રત્યેનો નિઃસ્વાર્થ
પ્રેમ આપણા જીવનને સુંદર બનાવી શકે છે ||
કહેવત છે કે સુંદરતા તો જોનાર વ્યક્તિની આંખમાં હોય છે. હું કહું છું કે આપણે જ્યારે જીવનને પ્રેમ કરીએ ત્યારે જીવનમાં સુંદરતા આવે છે. આ પૃથ્વી પર મનુષ્ય માટે સુંદર પ્રકૃતિ એક વરદાન છે. દરેક વ્યક્તિને તેનો અનુભવ થાય છે. કોઈ વ્યક્તિ સુંદર મહિલાની કે કોઈ ભૌતિક વસ્તુની સુંદરતાને બિરદાવતી હોઈ શકે, પરંતુ એ સુંદરતા દરેક વ્યક્તિને અલગ અલગ પ્રમાણમાં દેખાતી હોય છે, પરંતુ જ્યારે ફૂલ, પર્વતો, નદીઓ, વગેરે જેવી કુદરતી વસ્તુઓની સુંદરતાની વાત આવે ત્યારે એમાં સૌને સમાન સુંદરતા દેખાતી હોય છે. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એમાં મુખ્ય હોય છે. એ પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. શું આપણે પોતાને પણ નિઃસ્વાર્થ પ્રેમ કરી શકીએ નહીં?
આપણે જ્યારથી સમજણા થઈએ છીએ ત્યારથી કોઈ ને કોઈ જવાબદારીનો વિચાર કરતા હોઈએ છીએ. માતાપિતાને કેવી રીતે ખુશ રાખવાં, સમાજમાં ટકી રહેવા માટે કેવી રીતે સારું શિક્ષણ મેળવવું, કેવી રીતે જીવનસાથીની કે પરિવારની કાળજી લેવી, સમાજમાં કેવી રીતે રહેવું, વગેરે વગેરે. આપણે બીજું બધું કરીએ છીએ, પરંતુ પોતાને શેમાં સારું લાગે છે એનો વિચાર કરતા નથી. આપણે મોકળા મનથી શું કરી શકીએ અને કુદરતનાં પુષ્પોની જેમ ખીલી અને મહેકી શકીએ એનો વિચાર કરતા નથી.
અહીં કહેવું જરૂરી છે કે મહિલાની સુંદરતા એની સાદગીમાં રહેલી છે. ગમે તેટલો સારો બાંધો હોય, સારાં વસ્ત્રો પહેર્યાં હોય કે ઘરેણાં પહેર્યાં હોય, દરેકને મનની સુંદરતા વધારે સ્પર્શતી હોય છે. રાધા અને સીતા એ બન્ને મહાન નારીઓ ઘણી જ સુંદર હતી, પરંતુ આજે પણ એમનાં વખાણ એમના શુદ્ધ હૃદય અને એમણે આપેલા બલિદાનને કારણે થાય છે. દરેક બાળક માટે એની માતા દુનિયાની સૌથી વધુ સુંદર મહિલા હોય છે, કારણ કે એમાં એને હૂંફ અને મમતાનો અનુભવ થાય છે. માતાપિતા માટે એમની દીકરીની સુંદરતા એના સ્વભાવમાં હોય છે. સાસરિયાંને પુત્રવધૂની સેવાભાવનામાં સુંદરતા દેખાય છે અને પતિને જીવનસંગિનીના સાથમાં સુંદરતા અનુભવાય છે. આ જ રીતે સમગ્ર સમાજમાં મહિલાની સુંદરતા એની ગરિમાને કારણે હોય છે.
મનની સુંદરતાનો પરિચય ત્યારે થાય છે, જ્યારે તમે કોઈ પણ સમસ્યાનો હલ કાઢી શકો છે. અહીં એક સરસ મજાનો પ્રસંગ વર્ણવું છું. હું મારી દીકરીઓને હંમેશાં કહું છું કે એમણે ભગવાનમાં શ્રદ્ધા રાખવી. હાલમાં મારી દીકરીની સખીની મમ્મીને ભારતમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યાં હતાં. દીકરી અમેરિકામાં હોવાથી મમ્મીની તબિયત વિશે ચિંતિત રહેતી નથી. મિત્રને વ્યથિત જોઈને મારી દીકરીએ એને ભગવાનની મૂર્તિ આપતાં કહ્યું, “મારી મમ્મી મને હંમેશાં ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું કહે છે. તું પણ શ્રદ્ધા રાખ, બધું સારું થઈ જશે.” થોડા જ વખતમાં એ મિત્રની મમ્મીને સારું થઈ ગયું. આ ઘટનાની વાત મારી દીકરીએ મને કરી ત્યારે મને ઘણું સારું લાગ્યું કે મારી વાત એના મનમાં વસી ગઈ હતી.
જીવનમાં જ્યારે તમે જીવંતતાનો અનુભવ કરી શકો એ જ જીવનની સુંદરતા હોય છે. જીવંતતાનો અનુભવ કરવા માટે તમારે તમારી ઈચ્છા મુજબની પ્રવૃત્તિઓ કરવી જોઈએ અથવા તો તમને જેમાં મજા આવતી હોય એવાં કાર્યો કરવાં જોઈએ. કોઈકને બોલવાનું ગમતું હોય છે, કોઈકને રસોઈકળામાં રસ હોય છે, કોઈકને લેખન, તો કોઈકને વાંચન પસંદ હોય છે અને કોઈકને ખેલકૂદમાં રુચિ હોય છે. દરેક વ્યક્તિએ સમયમાંથી સમય કાઢીને મનપસંદ પ્રવૃત્તિ કરવી જોઈએ.
દરેક વ્યક્તિની આંતરિક શક્તિઓ અલગ અલગ હોય છે. આપણે એ શક્તિને યોગ્ય દિશામાં લઈ જઈએ તો જીવન સુંદર બને છે. આજના કપરા કાળમાં ઘણા લોકો પોતાની ક્ષમતાનો-આવડતનો ઉપયોગ ઘણી સારી રીતે કરતા હોય છે. વિજ્ઞાનની ગણતરી હોય કે પછી જ્યોતિષની ભવિષ્યવાણી હોય, બધે જ કહેવાય છે કે કોરોના વાઇરસના પાશમાંથી મુક્તિ વહેલી મળવાની નથી. આવા સમયમાં મને લાગે છે કે આપણે જીવનની સુંદરત તરફ લક્ષ આપવાની જરૂર છે. મુક્તપણે પોતાની ઈચ્છાઓને માણીને જીવનને જીવંત-ઉલ્લાસિત બનાવવાની જરૂર છે.
જીવનમાં કૃતજ્ઞતાનો ભાવ પણ સુંદરતા લાવે છે. આ મુશ્કેલ સમયમાં ચાલો આપણે પોતાની સમસ્યાઓ વિશે વિચાર કરવાનું ઘડીકવાર માટે ભૂલી જઈએ અને આપણને મળેલા આશીર્વાદને બિરદાવવાનું શરૂ કરીએ. આજે સમગ્ર વિશ્વ તકલીફમાં છે, પણ આજે આપણી પાસે વિજ્ઞાન છે, હૉસ્પિટલો છે, ટેક્નૉલૉજી છે, ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ છે. એક સો વર્ષ પહેલાં આમાંનું કંઈ જ ન હતું. આથી આપણે કૃતજ્ઞતાનો ભાવ લાવવો જોઈએ. દરેક વ્યક્તિએ કોરોના રોગચાળાના મુકાબલા માટે નિઃસ્વાર્થપણે કાર્ય કરવું જોઈએ.
ભારતની પાસે સમૃદ્ધ વારસો છે. આપણા પૂર્વજોએ શું સારું છે અને શું ખરાબ છે એ શીખવ્યું છે. ભગવાને આપણને બધું જ આપ્યું છે તેથી આપણે એમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખવો જોઈએ. આપણા ધર્મ અને સંસ્કૃતિમાં ઘણી સમૃદ્ધ પરંપરાઓ છે. આપણી રીતભાત તથા અન્યો પ્રત્યેના આદરભાવ અને લાગણીને કારણે આપણું જીવન સુંદર બને છે.
સકારાત્મકતા વિશે બ્લોગ લખીને એક વ્યક્તિ તરીકે હું પણ સમૃદ્ધ થઈ છું. મારી આંતરિક શક્તિ અને શાંત મનને લીધે હું બીજાઓ માટે સકારાત્મક તરંગો સર્જી શકું છું. દરેક બ્લોગે મારા આત્મવિશ્વાસમાં ઉમેરો કર્યો છે અને તેનાથી મારી આંતરિક શક્તિ વધી છે.
હું શ્રવણમંદ બાળકો પાસે શીખી શકી છું કે જીવનમાં આવનારા પડકારોથી ક્યારેય ગભરાઈ જવું જોઈએ નહીં. ઉલટાનું, તેનો હિંમતભેર સામનો કરવો જોઈએ. એક વૈશ્વિક બધિર દિવસે મેં મારા પાંચ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એ દરેકમાં મને એક બાબતે સરખી દેખાઈ. એ હતી સકારાત્મકતા. હું બીજા બધિરોની તથા લોકોની માનસિકતા બદલી શકું એ માટે ઇન્ટરવ્યૂ લેવા માગું છું એવું મેં જ્યારે એમને કહ્યું ત્યારે એમણે તરત જ સંમતિ આપી દીધી. નિઃસ્વાર્થ પ્રેમ કોને કહેવાય એ આપણે એમની પાસેથી શીખવાનું છે.
જીવનને સુંદર બનાવવાનું આપણું પોતાનું કામ છે. દરેક વ્યક્તિએ પહેલાં તો પોતાની નજરોમાં સુંદર બનવાનું છે. જીવનની સુંદરતા આપણા પોતાના હાથમાં છે. આપણે ખુશ હોઈએ તો આસપાસના વિશ્વમાં પણ ખુશી ફેલાવી શકીએ છીએ. પોતાના પ્રત્યેનો અને બીજાઓ પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ આપણા જીવનને સુંદર બનાવી શકે છે.
-----------
Comments
Post a Comment