ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી આપણા જીવનને નુકસાન થાય છે

 || ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી 

આપણા જીવનને નુકસાન થાય છે ||


માણસમાં સાંભળવાની શક્તિ એટલે કે શ્રવણશક્તિ ઘણી મહત્ત્વની હોય છે, પરંતુ એ શક્તિની મદદથી આપણે સુખનો પ્રસાર કરી શકીએ એ વધુ મહત્ત્વનું છે. આપણને સારું લાગે અને આપણું જીવન સલામત બને એ રીતે સાંભળવું જોઈએ એવું મારું માનવું છે. ઘણો ઉંચો અવાજ આપણી શ્રવણશક્તિને નુકસાન પહોંચાડે છે. એ જ રીતે ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી આપણા જીવનને નુકસાન થાય છે. 


કૃષ્ણના મામા કંસને આકાશવાણી સંભળાઈ હતી કે દેવકીનું આઠમું સંતાન એનો વધ કરશે, પરંતુ કંસ હંમેશાં પોતાના ઘમંડમાં રહ્યો અને પોતે જે સાંભળ્યું એને ખોટું ઠેરવવાનો પ્રયાસ કર્યો. કોરોના રોગચાળાએ બધા મનુષ્યોને એ સમજાવી દીધું છે કે ભગવાનનું અસ્તિત્વ છે અને તેઓ જ આપણા જીવનને સલામત રાખી શકે છે. આપણે એમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. ઘણા યુવાનોને ભગવાનના અસ્તિત્વ વિશે શંકા હોય છે. એમની એ શંકા વિશે મને કહેવાનું મન થાય છે કે તમે અત્યારે ભગવાન વિશે વિચાર કરવા માટે જીવતા છો એ જ દર્શાવે છે કે પ્રભુનું અસ્તિત્વ છે. એમનામાં ધ્યાન પરોવશો તો સલામત રહી શકશો. 


ચાલો, આજથી આપણે જીવનમાં ફેરફાર કરવા લાગી જઈએ. ચાલો, આપણી આસપાસની દરેક વસ્તુમાંથી કંઈક સાંભળીએ અને શીખીએ. આપણા ઘરનો પંખો કહે છે, “ઠંડક રાખો.” ઘરનું છાપરું કહે છે, “ઉંચું લક્ષ્ય રાખો.” બારીઓ કહે છે, “બહારની દુનિયા ઘણી સુંદર છે.” ટક...ટક...ટક... બોલતી ઘડિયાળ કહે છે, “જીવનની દરેક પળ મૂલ્યવાન છે, આપણે તેનો ઉત્તમ ઉપયોગ કરવો જોઈએ.” ઘરનો અરીસો કહે છે, “તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો એની પહેલાં અંતરમનને નિહાળો.” કૅલેન્ડર કહે છે, “સમય સાથે તાલ મિલાવો.” ખાસ કરીને ૨૦૨૦નું કૅલેન્ડર કહે છે, “તમારે બદલવાનો સમય આવી ગયો છે.” ઘરનો બંધ થતો દરવાજો કહે છે, “જોર લગાડો તો તમે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકશો.” છેલ્લે, ઘરની ફરસ કહે છે, “પ્રભુ સામે માથું ટેકવો અને પોતાને જે મળ્યું છે એ બદલ એમનો પાડ માનો.” આ રીતે આપણે દરેક વસ્તુમાંથી કંઈક સારું સાંભળીને જીવનને આસાન, સુખી અને સલામત બનાવી શકીએ છીએ. 


હું સાંભળવાની શક્તિને સલામત બનાવવા માટેની વર્લ્ડ હીયરિંગ ફોરમમાં સભ્ય છું. આ ફોરમ તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મદદથી હાલમાં એક લેખ પ્રકાશિત થયો હતો. એમાં અમે કહ્યું હતું કે લોકો વધુપડતા ઉંચા અવાજે સાંભળતા હોવાથી એમની શ્રવણશક્તિને નુકસાન થવાનું જોખમ રહેલું છે. ઈયરફોન ભરાવીને ઉંચા અવાજે ગીતો સાંભળવાથી કે ફોન પર મોટેમોટેથી વાતો કરવાથી કાનને નુકસાન થાય છે. લાંબા ગાળે શ્રવણશક્તિ ઘટી જાય છે. જો યુવાનો પોતાનાં માતાપિતા અને વરિષ્ઠોનું કહ્યું નહીં સાંભળે તો તેઓ પોતાની ઓળખ ગુમાવી બેસે એવી શક્યતા છે. આપણે રસ્તા પર ચાલતી વખતે પાછળથી વાગતું ગાડીનું હોર્ન સાંભળીને સચેત થઈ જઈએ છીએ એ જ રીતે આપણે આપણા સર્જનહાર પ્રભુની વાતો અને સમાજમાં આપણો સલામત રીતે ઉછેર કરનાર માતાપિતાની વાતો સાંભળવી જોઈએ. 


બાળક જ્યારે બોલવાનું શરૂ કરે છે ત્યારે અટકતું હોય છે. એનાં માતાપિતા એ બાબતે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના આધારે એ બાળકની બોલવાની શક્તિ ખીલે છે. જો માતાપિતા વધુપડતાં ચિંતાવાળા સ્વભાવનાં હોય તો તેઓ બાળકના અટકવા બાબતે ચિંતા કરવા લાગી જાય એ સ્વાભાવિક છે. તેનાથી વિપરીત, જે માતાપિતા બાળકના ઉછેરને હસતાં-રમતાં સ્વીકારતાં હોય તેઓ બાળકને સારું અને સાચું બોલવા માટે પ્રોત્સાહન આપે છે. તેથી તેમનું બાળક બરોબર બોલતાં શીખી જાય છે. 


આપણે જે રીતે સાંભળીએ છીએ, ગ્રહણ કરીએ છીએ અને પોતાનો મત તૈયાર કરીએ છીએ એ બધી બાબતોના આધારે આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આથી તમારી પોતાની અને તમારી સાથે સંકળાયેલા લોકોની સલામતી ખાતર સલામત રીતે સાંભળવાનું શરૂ કરી દો. 


શ્રવણમંદ બાળકો સાથે કામ કરવાથી મને જીવનનમાં શ્રવણશક્તિનું મહત્ત્વ વધુ સમજાયું છે. આથી એ શક્તિને નુકસાન થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું. આ બાળકો પોતાની આંતરિક શક્તિથી પણ સાંભળતાં હોય છે. આસપાસના સામાન્ય લોકો સાથે વાતચીત કરીને એમને ઘણું સારું લાગતું હોય છે. તેનાથી એમને એમ લાગે છે કે તેઓ પોતે પણ સામાન્ય છે. લોકો એમના વિશે શું બોલે છે એની એમને જરાપણ પડી હોતી નથી. એમનામાં આત્મવિશ્વાસ વધે અને પ્રગતિ થાય એવી જ વાતો સાંભળવા પર તેઓ ભાર મૂકતાં હોય છે. 


આ વિશ્વ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણે બધા મનુષ્યો સમાન હતા. પછીથી ધર્મના નામે ભાગલા પડ્યા અને રાજકારણ આવ્યા બાદ વધુ ભાગલા પડી ગયા. આજે લોકો ધનના આધારે ભેદભાવ કરવા લાગ્યા છે. ખરેખર તો આપણે એકબીજાની જરૂરિયાતોને સાંભળવાની અને સમજવાની જરૂર છે. આપણે એ કરવાની શરૂઆત કરી દઈશું ત્યારે આપણે ફરીથી મનુષ્ય બની જઈશું. ભગવાનને સાંભળીને અને આપણો અવાજ ભગવાનને સંભળાવીને (એટલે કે પ્રાર્થના કરીને) આપણે જીવનને યોગ્ય દિશા આપી શકીએ છીએ. સાંભળવામાં સલામતી રાખીને આપણે જીવનને સલામત બનાવી શકીએ છીએ. 
--------------------------


Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...