મનુષ્યે આ સૃષ્ટિમાં સારી રીતે જીવવું હોય તો પ્રેમની ભાષા સૌથી પહેલાં શીખી લેવી જોઈએ
|| મનુષ્યે આ સૃષ્ટિમાં સારી રીતે જીવવું હોય તો
પ્રેમની ભાષા સૌથી પહેલાં શીખી લેવી જોઈએ ||
મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું છે, "પ્રેમથી બધાને જીતી શકાય છે." સાપેક્ષતાનો પોતાનો સિદ્ધાંત પ્રેમની ઊર્જા સાથે સંબંધ ધરાવે છે એવું એમનું વિધાન ખરેખર આશ્ચર્ય પમાડનારું છે. મનુષ્યને સમજવા માટે પ્રેમને સમજવો જરૂરી છે, કારણ કે એ સૌથી મોટી વૈશ્વિક શક્તિ છે.
વિજ્ઞાનની ક્રાંતિ જીવનમાં ઘણો ઉંડો અર્થ ધરાવે છે. કોરોનાના રોગચાળાએ લોકોને સમજાવી દીધું છે કે મનુષ્ય ભલે વિજ્ઞાનથી ચાલતો હોય, પણ વાસ્તવમાં લાગણીઓનું જ મહત્ત્વ હોય છે.
તાજેતરમાં મેં એવા સ્થળની મુલાકાત લીધી જ્યાં 400 વર્ષ જૂનું વડનું ઝાડ છે. એ વૃક્ષ પ્રેમનું પ્રતીક છે. તેના છાંયડા નીચે દરેકને આશ્રય અને હૂંફ મળે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ પરમ કહેવાય છે. એક દિવસ ગોરી રાધાએ કાળા કાનને પૂછ્યું, "તમારી પાસે તો આટલી બધી શક્તિઓ છે અને તમે ઈશ્વર છો છતાં વર્ણે શ્યામ કેમ છો?" કૃષ્ણે જવાબ આપ્યો, "હું આંખમાં ચમકતા કાજળની જેમ ચમકવા માગું છું. મારી બાજુમાં તમે વધુ ઊજળાં દેખાશો અને લોકોને પણ ખબર પડશે કે હું તમને કેટલો પ્રેમ કરું છું અને તમારો આદર કરું છું."
શું આ વિશ્વમાં આવો પ્રેમ ખરેખર અસ્તિત્વમાં છે? આજની તારીખે આપણે સેલ્ફીના યુગમાં છીએ. આપણે બધાં કામ સ્માર્ટ ફોનથી કરીએ છીએ અને વધુ શક્તિશાળી થવા માટે રોબોટિક કૌશલ્ય પ્રાપ્ત કરવા માગીએ છીએ. વાસ્તવમાં કોઈની પાસે પ્રેમની પળની અનુભૂતિ કરવા માટે સમય નથી. આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણી આધ્યાત્મિકતા, બધું જ સ્વકેન્દ્રી બની ગયું છે. આ વિષચક્ર છે અને હવે એ અજાણતાં જ આપણી અંદર પ્રવેશી ગયું છે. હવે આપણે એ બાબતે સભાન થવાની જરૂર છે. આવા સમયમાં દરેક સમજવું જોઈએ કે પ્રેમ એ આપણા જીવનનો પ્રકાશ છે અને એ પામવા માટે હૃદયનું સાંભળવું જરૂરી છે. હૃદયમાં પ્રેમ હશે તો જીવનના માર્ગ પર પ્રકાશ રેલાશે. પ્રેમ પ્રભુનું જ સ્વરૂપ છે. પ્રેમથી જ જીવન અર્થસભર બને છે.
વાલીઓ સંતાનો પ્રત્યેના પ્રેમને લીધે જ એમના માટે કેટલી મહેનત કરતાં હોય છે! એ પ્રેમને લીધે જ તેમને જીવનના પડકારોની સામે લડવાની તાકાત મળે છે. અહીં મને એક ઉદાહરણ યાદ આવે છે. એક મહિલા ગામડેથી મુંબઈ આવી હતી. એ આઠ ચોપડી ભણેલી હતી. એના દીકરાને ઓછું સંભળાય છે એવી એને ખબર પડી. એના પતિ દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માગતા હતા. એ મહિલાએ મને આવીને કહ્યું કે અંગ્રેજી શાળામાં મૂક્યા પછી બાળકને ટ્યુશન કરાવવા માટે એની પાસે પૈસા નહીં બચે. પોતે સંતાનને અંગ્રેજી ભણાવવા સમર્થ બને એવો કોઈ ઝટપટ કોર્સ હોય તો તેના વિશે માહિતી આપવાનું એણે મને કહ્યું. એ મહિલા રેપિડેક્સ સહિત અનેક પુસ્તકો લઈ આવી અને બાળકને ભણાવી શકે એ માટે પોતે ભણી. આના પરથી કહી શકાય કે પ્રેમની પોતાની બુદ્ધિ પણ હોય છે.
આજે લગભગ બધાને, ખાસ કરીને યુવા પેઢીને બધું ઝડપી જોઈએ છીએ. કોઈનામાં ધીરજ રહી નથી. ઘણાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ઝડપથી પૈસા કમાવાની લાયમાં માણસ જીવનનો અર્થ ભૂલી જાય છે. પોતાના જીવનસાથીની ઊણપો ખબર હોવા છતાં એમને જેમ છે તેમ સ્વીકારી લેવામાં આવે એ અદભુત બાબત કહેવાય. એવી સમજ આવે ત્યારે જ માણસ જીવનનો આનંદ લઈ શકે છે. ખરેખર તો આ બાબત દરેક સંબંધને લાગુ પડે છે.
પ્રેમમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો આદર આપવાનો છે. સંબંધમાં આદર હોય તો એ લાંબો સમય ટકી શકે છે. એકબીજાની સાથે મતભેદ હોવા છતાં એને અવગણીને પ્રેમપૂર્વક સાથે રહેવામાં જ પરિવારની શક્તિ રહેલી છે. પ્રેમથી જ આપણે શાંતિપૂર્વક જીવી શકીએ છીએ. યુવા વર્ગના જે લોકો લગ્નના થોડા જ વખતમાં છૂટાછેડા લેવાનું વિચારતા હોય તેમણે લાંબું લગ્નજીવન ધરાવતાં યુગલોને મળવું જોઈએ. હું એવા એક દંપતીને ઓળખું છું, જેઓ એકબીજા સાથેના મતભેદો દૂર કરવા માટે જોક્સ કહીને પરસ્પર હસી લે છે. તેઓ એકબીજાનો આદર કરે છે.
આ પૃથ્વી પરના દરેક જીવને પ્રેમ અને કાળજીની જરૂર છે. જો મનુષ્યે આ સૃષ્ટિમાં સારી રીતે જીવવું હોય તો પ્રેમની ભાષા સૌથી પહેલાં શીખી લેવી જોઈએ.
------------------
Comments
Post a Comment