જીવનમાં આગળ વધવા માટે પોતાની નબળાઈઓને બદલે પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ

 || જીવનમાં આગળ વધવા માટે પોતાની 

નબળાઈઓને બદલે પોતાની શક્તિઓ પર ધ્યાન 

કેન્દ્રીત કરવું જોઈએ ||


આપણે કોરોનાના સમયગાળામાં સમગ્ર દુનિયામાં અનેક ફેરફારો જોયા છે. એટલું જ નહીં, આપણા રોજિંદા જીવનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. ખરું પૂછો તો, ઋતુચક્રને લીધે બધે પરિવર્તન આવતું જ હોય છે. આપણે બધા પડકારોને પહોંચી વળવાનું તથા મુશ્કેલ ઘડીઓમાંથી બહાર આવવાનું શીખી ગયા છીએ. કપરા સંજોગોએ આપણને યોગ્ય વિચાર કરવાની શીખવ્યું છે. એ યોગ્ય વિચાર એટલે પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું. 

રામાયણનો અભ્યાસ કરવાથી આપણને ખબર છે કે ભગવાન રામના જીવનમાં પણ મુશ્કેલીઓ આવી હતી. એમનો રાજ્યાભિષેક થવાની તૈયારીઓ ચાલી રહી હતી એવામાં જ એમણે વનવાસે જવાનું થયું. વનવાસમાં પણ રાવણ સીતાને ઉપાડીને લઈ ગયો હતો. રાવણ સાથે યુદ્ધ જીતીને પાછા અયોધ્યા આવ્યા, પરંતુ રાજપાટ મળવા છતાં એમણે સીતાજીને વનમાં મોકલવાં પડ્યાં. આમ, રામના જીવનના દરેક તબક્કે મુશ્કેલીઓ આવી હતી. આ જ રીતે ભગવાન કૃષ્ણના જીવનમાં પણ ડગલે ને પગલે વિપદાઓ આવી હતી. એમણે રાધાના પ્રેમનો અને વ્રજનો ત્યાગ કરવો પડ્યો હતો. તેઓ ભગવાન હોવા છતાં મહાભારતના યુદ્ધને રોકી શક્યા નહીં. 

રામ અને કૃષ્ણ પોતાના જીવન પરથી એ કહેવા માગે છે કે જીવનમાં આગળ વધવા માટે પોતાની નબળાઈઓને બદલે પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. 

દરેક વ્યક્તિની સૌથી મોટી શક્તિ ઈશ્વરમાં એની શ્રદ્ધા હોય છે. કોરોનાના રોગચાળા દરમિયાન આપણે બધાએ આ વાતનો અનુભવ કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે ઈશ્વર અણુએ અણુમાં વિરાજમાન છે. હું મારા ઉદાહરણ પરથી કહી શકું છું કે ભગવાનમાં શ્રદ્ધા રાખવાને કારણે મારા જીવનમાં મેં અનેક ચમત્કારો જોયા છે. મારા પચાસમા જન્મદિવસે હું 50 બ્લોગ્સના બનેલા પુસ્તકનું વિમોચન કરીશ એવું મેં સ્વપ્નેય વિચાર્યું ન હતું, પરંતુ ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા અને બધાના સાથ-સહકારથી એ શક્ય બન્યું. 

હાલમાં એક કરુણ ઘટના વિશે મને જાણ થઈ. એક મહિલા સાથે મારી મુલાકાત થઈ. એમનો યુવાન દીકરો થોડા મહિનાઓ પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો અને પછી એમના પતિ કોરોનાને કારણે અવસાન પામ્યા. તેઓ દરેક શબ્દે ડૂસકાં ભરી રહ્યાં હતાં. એમની દીકરી થોડા વખતથી બોલવામાં થોથવાતી હોવાથી તેઓ મારી પાસે આવ્યાં હતાં. દસ વર્ષની એ કન્યા ઘણી હોંશિયાર છે. એણે મને કહ્યું કે એને પોતાની તકલીફ વિશે ખબર છે અને એને દૂર કરવા માટે પોતે પ્રયત્ન કરશે. એ પોતાની માતા સામે લાગણીઓ છુપાવી રહી હતી. એ પરિવારને આર્થિક ભીંસ ન હતી. મેં એ મહિલાને કહ્યું કે તેમણે પોતાની શક્તિઓ પર ધ્યાન આપવું. પરિવારને નાણાંની તંગી નડતી નથી એ પણ ઘણી મોટી વાત છે. 

આ રોગચાળાએ આપણને અરીસો બતાવ્યો છે. આપણા મનમાં કોરોના વાઇરસનો ડર ઘૂસી ગયો છે. ખરું પૂછો તો, ડર વાઇરસ કરતાં વધુ ભયાનક છે. લોકોએ કોરોનાના ભયને કારણે આત્મહત્યા કર્યાના પણ દાખલા છે. આમ, તેઓ વાઇરસને કારણે નહીં, પણ ડરને કારણે મરી ગયા. આવા સંજોગોમાં આપણે પ્રેમનો સંદેશ ફેલાવવાની આવશ્યકતા છે. કેટલાય લોકો છેલ્લી ઘડીએ પ્રિયજનને જોઈ પણ શક્યા નથી. તેમની પાસે હવે ફક્ત એમની યાદ બાકી રહી ગઈ છે. જો બધા લોકો એકબીજાની શક્તિઓને પિછાણે અને એમનું મહત્ત્વ સમજે તો આ વિશ્વમાં ફરીથી ચમક આવશે. 

હાલના સંજોગોમાં નબળાઈઓ પર લક્ષ જાય એ સ્વાભાવિક છે, પરંતુ ધીમે ધીમે દરેક વ્યક્તિએ પોતપોતાની શક્તિઓ પર ધ્યાન આપીને એની નોંધ લેતાં શીખવાની જરૂર છે. મનુષ્ય મહેનત કરીને બધું પામી શકે છે, પણ જો પોતાની શક્તિઓને ઓળખવાનું આવડી જાય તો સફળતા જલદી મળે છે, જાણે કોઈ ચમત્કાર થયો હોય. 
મહાવરો કરવાથી જ માણસ પૂર્ણતા પામે છે. પોતાના જીવનમાં એનો ઉપયોગ કરવાથી અદભુત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે આપણે શારીરિક વ્યાયામ કરીએ ત્યારે શરૂઆતમાં શરીર થાકી જાય છે અને ફરીથી આરામ કરવાનું મન થાય છે, પરંતુ વખત જતાં શરીર ટેવાઈ જાય છે અને વ્યાયામમાં આનંદ આવવા લાગે છે. એક સમય એવો આવે છે જ્યારે વ્યાયામ કર્યા વગર અધૂરું લાગવા માંડે છે. 

ઉપરોક્ત વાતો પરથી કહી શકાય કે પોતાની શક્તિઓમાં અડગ વિશ્વાસ રાખવાથી ચમત્કારો સર્જી શકાય છે. ચાલો, આપણે કોરોનાના કાળમાં પણ એકબીજાને પોતપોતાની શક્તિઓની ઓળખ કરાવીએ અને આ વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવીએ. 
--------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...