આ જગતમાં ખરું ચલણ પૈસાનું નહીં, પ્રેમ અને કરુણાની શક્તિનું છે

 || આ જગતમાં ખરું ચલણ પૈસાનું નહીં, પ્રેમ અને 

કરુણાની શક્તિનું છે ||


ગૂંચવણ અને મૂંઝવણમાંથી માર્ગ કાઢવા માટેનો સૌથી સારો માર્ગ છે સંદેશવ્યવહાર, એટલે કે વાર્તાલાપ. આજે વિશ્વ ઘણું નાનું થઈ ગયું છે. પલકવારમાં વિશ્વના કોઈ પણ ખૂણે વાતચીત કરવા માટેનું તંત્રજ્ઞાન આજે ઉપલબ્ધ છે. વાર્તાલાપ કરવા માટેનાં સાધનો ઘણાં છે, પરંતુ શું વાત કરવી એની કોઈને ખબર પડતી નથી. તમે કોઈ પણ કુદરતી ઘટના કે વસ્તુ જોશો તો એમાં દરેક વસ્તુ સ્પષ્ટ હોય છે. ફક્ત મનુષ્યો જ ગૂંચવાયેલા રહે છે. 

ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલી અનેક વાતોમાં તમે જોઈ શકશો કે મનુષ્યજીવન વિશેના સ્પષ્ટ વિચારો એમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. એક વખત ભગવાન ઈન્દ્ર ક્રોધે ભરાયા હતા, કારણ કે મનુષ્યો અમુક ધાર્મિક કાર્યો કરતા ન હતા. તેમણે ભારે વરસાદ દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો. ભગવાન કૃષ્ણને ખબર હતી કે આ વિપદાનું શું પરિણામ આવશે, પરંતુ એમણે લોકોને ધાર્મિક કાર્યોનું માહાત્મ્ય સમજાવ્યું અને પોતે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉંચકીને લોકોના જીવ બચાવ્યા. કૃષ્ણે ઈન્દ્રના ક્રોધને શાંત કર્યો અને સાથે સાથે લોકોને પણ સમજાવ્યું કે અમુક કાર્યો લોકોના કલ્યાણ માટે જ હોય છે. 

ભગવાન કૃષ્ણને રાધા પ્રત્યે પ્રેમ હતો, પરંતુ એમણે પ્રેમ અને જવાબદારી એ બન્ને વચ્ચેનો તફાવત સમજાવ્યો. ઘણા લોકો પ્રેમમાં પડી જતા હોય છે, પરંતુ પોતાની જવાબદારી પ્રત્યે દુર્લક્ષ કરીએ છીએ. આ સમગ્ર સૃષ્ટિનો ક્રમ એવી રીતે ચાલે છે કે વિચારોમાં જેટલી સ્પષ્ટતા વધારે હશે એટલું વધુ સારું જીવન આપણે જીવી શકીશું. આપણા વિચારો સ્પષ્ટ હશે તો આપણને સારી તકો દેખાશે.  

આપણે ગ્રહો, તારાઓ, પ્રાણીઓ, પક્ષીઓ, એ બધાં કુદરતી તત્ત્વોનું નિરીક્ષણ કરીએ તો જોઈ શકાય છે કે બધા એક પદ્ધતિ પ્રમાણે ચાલે છે. દરેકની પોતપોતાની અલગ અલગ ક્ષમતાઓ પણ હોય છે, પણ તેઓ બધાં ભેગાં હોય ત્યારે જ તેમની શક્તિનું નિર્માણ થાય છે. મનુષ્યો પાસે સૌથી વધુ શક્તિશાળી કોઈ ચીજ હોય તો એ છે આપણું મગજ. આથી જ આ મગજમાં જેટલી સ્પષ્ટતા વધારે હશે એટલું જીવન વધુ સારી રીતે પસાર થઈ શકશે અને આપણે જે ઈચ્છીએ છીએ એ વધુ સારી રીતે કરી શકીશું. 

મારા એક બાળદરદીની મમ્મી અનુસ્નાતક હતી. એ દરદી અધૂરા મહિને જન્મેલું બાળક હોવાથી એના બધા અવયવો પૂરેપૂરા વિકસિત થયા ન હતા. બાળક સમયસર ચાલવા લાગ્યું હતું, પરંતુ એની વાચા મોડેથી ખૂલી હતી. એ મહિલા એક ડૉક્ટર પાસે ગઈ ત્યારે તેને કહેવામાં આવ્યું કે એના બાળકને કદાચ ઑટિઝમ નામની તકલીફ હશે. એ સાંભળીને મહિલા મુંઝાઈ ગઈ. એને પોતાના બાળકનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું! એ મારી પાસે આવી અને મેં એનું બાળક સાવ નોર્મલ હોવાનું કહ્યું ત્યારે પહેલાં તો એ માનવા જ તૈયાર ન થઈ. મેં કહ્યું, ''તમે એની સાથે બરોબર બોલવાનું શરૂ કરી દો. એની પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર એની સાથે વાત કરો, થોડા જ વખતમાં એની વાચા ખૂલશે.'' 

મારી વાત સાંભળીને એને ઘણું સારું લાગ્યું અને મારો આભાર માનીને એ વિદાય થઈ. આ ઘટના પરથી કહી શકાય કે સ્પષ્ટ વાર્તાલાપ અને વિચારોની સ્પષ્ટતાની મદદથી આપણે ભવિષ્યને વધુ સારી રીતે જોઈ શકીએ છીએ. ચિંતિત થઈ જવાથી બધું ધૂંધળું દેખાવા લાગે છે. મેં એને એમ પણ કહ્યું હતું કે જો બાળકને કોઈ તકલીફ હોત તોપણ એને વધુ ને વધુ સંવેદનાઓ દ્વારા વિકસિત કરી શકાય છે. બાળક જાતે બધું શીખી જતું નથી. એને અમુક વસ્તુઓ શીખવવી પડે છે. આથી જ જો માતાપિતા આત્મવિશ્વાસપૂર્વક એને તાલીમ આપે તો બાળકમાં પણ આત્મવિશ્વાસ ખીલે છે. આપણે ફક્ત પોતાની ખામીઓ અને નબળાઈઓ જાણી લઈએ તેનાથી કંઈ થતું નથી. આપણે પોતાને સુધારવા માટે પ્રયાસ કરવા પડે છે. ફક્ત ઈચ્છાશક્તિથી કામ થતું નથી, અમલ કરવો પડે છે, પોતાનાથી થાય એટલા તમામ પ્રયાસ કરવા પડે છે. 

જ્યારે કોઈ દરદી ડૉક્ટર પાસે જાય અને એમને બધી તકલીફો વિશે સાચી માહિતી આપે તો નિદાન તથા ઉપચાર સહેલાઈથી થઈ જાય છે. આ જ રીતે ગ્રાહક વેપારી પાસે જઈને પોતાની જરૂરિયાતો વિશેનો સ્પષ્ટ ખયાલ આપે તો એને જોઈતી વસ્તુ જલદીથી મળી જવાની શક્યતા રહે છે. સ્પષ્ટ વાર્તાલાપ-સંદેશવ્યવહારથી બધું સરળ બની જાય છે. જો બધા જ લોકો આટલી સ્પષ્ટતા કેળવે તો જગત કેવું સકારાત્મક બની જશે એનો વિચાર કરો. અત્યારે તો એકબીજાની હોડમાં આપણે બધાએ જીવન દુષ્કર બનાવી દીધું છે. આ સ્થિતિને બદલવાની જરૂર છે. ખરું પૂછો તો, આપણે બધા સ્પર્ધા કરીને શક્તિનો બગાડ કરી રહ્યા છીએ. સ્પર્ધામાં સંપત્તિનું સર્જન થવાને બદલે કુદરતી આપદાઓ આવી રહી છે. આ જગતમાં ખરું ચલણ પૈસાનું નહીં, પ્રેમ અને કરુણાની શક્તિનું છે. એ શક્તિનું ઝરણું વહેવા લાગશે તો આ જગત ઘણું સુંદર બની જશે. મારી 29 વર્ષની કારકિર્દીમાં મેં જોયું છે કે બીજાઓના ચહેરા પર સ્મિત લાવવાથી જે સંતોષ મળે છે એ અદ્વિતીય હોય છે. બીજાઓની સાથે સ્પર્ધા કે તુલના કર્યા વગર કે કોઈને પણ હાનિ પહોંચાડ્યા વગર જીવીએ તો દરેકનો વિકાસ થઈ શકે છે. 
-------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...