દૃષ્ટિકોણ બદલો, દુનિયા બદલાઈ જશે

 || દૃષ્ટિકોણ બદલો, દુનિયા બદલાઈ જશે ||


આંખની પણ ભાષા હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. એ ઉપરાંત દરેક વ્યક્તિનો એક દૃષ્ટિકોણ પણ હોય છે. સકારાત્મક દૃષ્ટિકોણ દ્વારા આપણે એ જોઈ શકીએ છીએ કે આપણને આ સુંદર જગતમાં જન્મ મળ્યો છે. આ બ્રહ્માંડમાં પૃથ્વી છે, આ પૃથ્વી પર ઘણા બધા દેશ છે. એ દેશોમાંથી એક દેશ ભારત છે અને ભારત સમૃદ્ધ વારસો, સાંસ્કૃતિક મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો ધરાવતો દેશ છે. ભારતીય હોવાનો મને ગર્વ છે અને એની ગરિમા જળવાઈ રહે એ મારું કર્તવ્ય છે. ભારતમાં જન્મ થયો એ મારી મહામૂલી મૂડી છે. હું આ પૃથ્વીને વધુ સારી બનાવવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરવા માગું છું. જો દરેક વ્યક્તિ આવું વિચારવા લાગે તો?

આજે ભારતને ગૌરવ અપાવનારી અનેક વ્યક્તિઓના અદભુત કાર્યો વિશે વાત કરીએ છીએ, પરંતુ સાથે સાથે દેશને નુકસાન કરનારા લોકોને પણ આપણે જોઈએ છીએ. આપણી સંસ્કૃતિ કહે છે કે આપણે અન્યોમાં રહેલા ગુણની કદર કરવી જોઈએ. અકબર બાદશાહ ઘણા શક્તિશાળી હતા, પરંતુ એમણે પણ લોકો માટેની નીતિઓ ઘડવા માટે બિરબલ જેવા બુદ્ધિશાળી રત્નની મદદ લેવી પડી હતી. તમે અકબર-બિરબલની વાર્તાઓ પર નજર કરશો તો જાણવા મળશે કે બિરબલે ક્યારેય કોઈને ઉતારી પાડ્યા ન હતા. તેમણે બાદશાહની સમસ્યાઓના હલ પોતાની કુશાગ્ર અને વિચક્ષણ બુદ્ધિથી કાઢી આપ્યા હતા. આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ભારતીય ગાંધીજી જેવા સ્વાતંત્ર્ય સેનાનીના ગુણને જોવાને બદલે એમની ટીકા કરે છે. ટીકા કરનારા આ લોકોએ ક્યારેય પોતાના જીવની પરવા કર્યા વગર કોઈના અન્યાય સામે લડવાની હિંમત કરી છે ખરી? 

ગાંધીજીએ એક વખત કહ્યું હતું, "લોકો તમારી સાથે જે વ્યવહાર કરે અથવા તમારા વિશે શું કહે એ તમે બદલી શકતા નથી, પણ તમે એમના વ્યવહાર પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપો છો એ તમારા હાથની વાત છે." આમ, આપણે પોતાને અન્યોની નજરે જોવાને બદલે પોતાનું મહત્ત્વ જાતે જ સમજવું જોઈએ.
 
દૃષ્ટિકોણ બદલવાની વાત પરથી મને મારા કાર્યાનુભવ યાદ આવે છે. આપણે ત્યાં એક સમયે દરેક પ્રકારની પંગુતા બાબતે ઢગલાબંધ ગેરમાન્યતાઓ હતી. લોકો શ્રવણમંદ વ્યક્તિઓ સાથે ઈશારાની જ ભાષામાં વાત કરતા. લોકોને એ ખબર ન હતી કે બધિર વ્યક્તિઓને સંભળાતું નહીં હોવાથી તેઓ બોલી શકતી નથી. આજે તંત્રજ્ઞાનની મદદથી બધિરોને સાંભળતાં અને બોલતાં કરી શકાય છે. તેને લીધે વર્તમાન સમયમાં બધાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. હવે ધીમે ધીમે બધાને સમજાવા લાગ્યું છે કે શ્રવણમંદ વ્યક્તિઓ સાથે સામાન્ય માણસોની જેમ જ વાત કરવાની હોય છે. એમને બરોબર સંભળાય એ માટે અત્યાધુનિક શ્રવણયંત્રો મદદરૂપ થાય છે. 

હવે અલગ અલગ પંગુતા ધરાવતાં બાળકોને સામાન્ય શાળામાં ભણાવવા વિશેની જાગરૂકતા પણ આવવા લાગી છે. શ્રવણમંદ વ્યક્તિઓ સાથેના મારા અનુભવમાં મેં જોયું છે કે ઘણી માતાઓ પોતાના શ્રવણમંદ સંતાનની માવજત માટે કુરબાની આપે છે અને તેમની પાછળ પુષ્કળ મહેનત કરે છે. પોતે અનેક મુશ્કેલીઓ વેઠીને શ્રવણમંદ સંતાનની જરૂરિયાતો પૂરી કરે છે. 

પ્રસૂતિની પીડા વેઠનારી માતા બાળકના જન્મ પછી તરત જ તેને હેતપૂર્વક સ્તનપાન કરાવવા માટે ખુશી ખુશી તૈયાર થઈ જાય છે. એ વખતે એની બધી પીડા ભૂલી જાય છે. સંતાન પ્રત્યેની આ મમતા અનન્ય હોય છે. માતાઓએ પોતાનાં બાળકોને પણ શીખવવું જોઈએ કે અન્યો સાથેના વ્યવહારમાં હૂંફ રાખવી જરૂરી છે. 
આપણે બધાએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ ધ્યેય વગરનું કાર્ય સમયનો બગાડ છે. ફક્ત દીવાસ્વપ્નો જોવાથી કંઈ થતું નથી, તેનો અમલ પણ કરવાનો હોય છે. ધ્યેયની સાથે સાથે કાર્ય કરવામાં આવે તો જ આ વિશ્વમાં પરિવર્તન આવી શકે છે. આ રીતે કાર્ય કરવાથી જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે અને પ્રગતિ કરી શકાય છે.

મને એક મહિલાનો કિસ્સો યાદ આવે છે. એના પતિના મૃત્યુ પછી એના જીવનમાં ઘણી તકલીફો આવી, પરંતુ એણે વિધવા થયાના બીજા જ દિવસથી હિંમત એકઠી કરી અને સંતાનો સામે કઠણ હૃદય કરીને રહી. તેણે હિંમત રાખી અને બાળકોને પણ હિંમતવાન બનાવ્યાં. તેણે પોતાની જાતને નબળી ગણવાને બદલે પડકારોનો સામનો કરવાનું નક્કી કર્યું, જેથી તેના જીવનમાં પરિવર્તન આવી ગયું. 

આ દુનિયામાં પરિવર્તન આવે એવું આપણે ઈચ્છતા હોઈએ તો તેની શરૂઆત પોતાનાથી કરવાની હોય છે. આ શુભ કાર્યની શરૂઆત પોતાનો દૃષ્ટિકોણ બદલવાથી થાય છે. આપણે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની દૃઢતા રાખવી જોઈએ. સાથે સાથે અન્યો પ્રત્યે કરુણા પણ રાખવી જોઈએ. છેલ્લે, આપણે જેનાથી શરૂઆત કરી એ જ વાત પર પાછા આવીને કહેવું ઘટે કે આપણને આ સુંદર વિશ્વમાં જન્મ આપવા બદલ ઈશ્વરનો પાડ માનવો જોઈએ. 
----------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...