જીવનરૂપી રમતને દિલથી રમી લો

 || જીવનરૂપી રમતને દિલથી રમી લો ||


કોઈ એક સુપ્રસિદ્ધ ખેલાડીને પ્રશ્ન પુછાયો, "તમને રમતમાં સૌથી વધુ સારું શું લાગે છે? " એમણે જવાબ આપ્યો, "મને રમવાની તક મળે એ સૌથી સારું લાગે છે." આને કહેવાય ખરી ખેલદિલી અને જીવન પ્રત્યેનો સાચો અભિગમ. 

દરેક વ્યક્તિ પ્રૌઢ થાય ત્યાર સુધીમાં જીવનમાં રમવાની અનેક તકો મળતી હોય છે, પરંતુ આપણે એકબીજાની હુંસાતુંસીમાં અને રગશિયા ગાડા જેવી જિંદગીમાં એ બાબત પર લક્ષ આપતા નથી. નકારાત્મક વિચાર કરનારા લોકો આ તકો તરફ ધ્યાન આપતા નથી અને પછી ફરિયાદ કર્યે રાખે છે કે એમને જીવનમાં કોઈ તક મળી નથી. જેઓ નાની-નાની તકોને ઝડપી લે છે તેઓ જીવનમાં ખરેખર આગળ વધી શકે છે. 

આપણો જન્મ થાય ત્યારે ઈશ્વરે માતાના દૂધના સ્વરૂપે આપણા ખોરાકની વ્યવસ્થા કરી રાખી હોય છે. મોટા થયા બાદ ભગવાન આપણને પોતાના ખોરાકની વ્યવસ્થા કરવા માટેની અનેક તકો પૂરી પાડે છે. આપણે ફક્ત એ તકોને ઓળખી લેવાની અને જીવનમાં તેને 'રમી લેવાની' જરૂર હોય છે.

અહીં ભગવાન કૃષ્ણનું ઉદાહરણ ટાંકવા જેવું છે. કાલિય નાગે જ્યારે યમુના નદીના જળને ઝેરી બનાવી દીધું ત્યારે એના દમનમાંથી લોકોને ઉગારવાનું કૃષ્ણે નક્કી કરી લીધું. એમણે ગેડીદડાની લીલા દ્વારા કાલિય નાગ સુધી પહોંચવાની તક ઝડપી લીધી અને પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડીને કાલિય નાગનું દમન કર્યું. 

કોઈકે સાચું જ કહ્યું છે કે તમારી પોતાની ખરી શક્તિ બહાર લાવવા માટે તનતોડ પ્રયાસ કરવા પડે છે. એ રીતે બહાર આવેલી હિંમતથી તમે ગમે તે કામ કરી શકો છો. હિંમત કર્યા વગર સફળતા મળતી નથી. જીવન તકોથી ભરેલું છે. તમારે તકો ઝડપીને પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરવાનું હોય છે. તક પ્રાપ્ત કરીને સફળતા કેવી રીતે મેળવવી એ કૃષ્ણના જીવન પરથી શીખવાનું છે. 

આપણે ભારતની પ્રચલિત રમત ક્રિકેટની જ વાત કરીએ. કપિલ દેવ હોય, સચીન તેંડુલકર હોય, મહેન્દ્ર સિંહ ધોની હોય કે પછી વિરાટ કોહલી હોય, એમની કારકિર્દીની શરૂઆત ક્યાંક એકાદ રમતમાં ભાગ લેવાની તકથી જ થઈ હતી. એમણે પોતાની રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને એમાંથી તેઓ આગળ વધ્યા. 
ફક્ત ક્રિકેટમાં જ તક મળે છે એવું નથી. જીવનના દરેક ક્ષેત્રમાં તક મળ્યા કરતી હોય છે. 

ખેલકૂદ આપણા જીવનમાં ઘણાં પરિવર્તન લાવી શકે છે. કોરોના કાળમાં જોવા મળ્યું છે કે શારીરિક શ્રમનું ઘણું જ મહત્ત્વ છે. શરીર ચાલતું-દોડતું રહે તો રોગપ્રતિકારકશક્તિ વધે છે. શ્રવણમંદ બાળકો સાથેનો મારો અનુભવ કહે છે કે જોશ ફાઉન્ડેશન મારફતે શાળામાં એમના માટે ખેલકૂદમાં ભાગ લેવાની તક ઉપલબ્ધ કરાવ્યા બાદ એમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેમનો આત્મવિશ્વાસ ગજબનો થઈ ગયો. એમની મગજની ક્ષમતા પણ વધી ગઈ. ટીમમાં જોડાવાથી એમનામાં સંઘભાવના જન્મી અને તેઓ એકબીજાને મદદરૂપ થવા લાગ્યાં. કોઈ પણ શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓની ખાસિયત એ હોય છે કે ખોડ હોય તેના સિવાયના એમના બધા અવયવો અને ઇન્દ્રિયો વધુ ક્ષમતાથી કાર્ય કરતાં હોય છે. આથી તેઓ તેમનો ઉપયોગ કરીને પોતાની ખામીને અતિક્રમી શકે છે. આજે આપણે એ લોકો પાસેથી શીખવાની જરૂર છે. સફળ થવા માટે સુંદર ચહેરો અને શારીરિક બળ મહત્ત્વનાં નથી. ખરું મહત્ત્વ તેજસ્વી મગજ અને કાર્યકુશળતાનું છે. 

ભગવાને આપણને આ જીવન રમી લેવાની તક આપી છે. આપણે તેનો મહત્તમ ઉપયોગ કરીને પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવાનો છે. તેના માટે કોઈની સાથે તુલના કરવાની કે પોતાની જાતને પુરવાર કરવાની જરૂર નથી. તમે પોતાને અરીસામાં જુઓ ત્યારે તમને નાનમ લાગે નહીં અને નાનમ આવે એવું કામ તમે કર્યું હોય નહીં એ અગત્યનું છે. અને હા, બીજી બધી રમતની જેમ આ રમતમાં મહત્ત્વ જીત કે હારનું નહીં, પણ પૂર્ણ શક્તિથી અને દિલથી રમવાનું છે. 
--------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...