દરેક મહિલા આ જગતમાં પરિવર્તન લાવવા માટે પોતાની શક્તિઓને વધુ ને વધુ પ્રમાણમાં ખીલવવાની તૈયારી કરે

 || દરેક મહિલા આ જગતમાં પરિવર્તન લાવવા માટે 

પોતાની શક્તિઓને વધુ ને વધુ પ્રમાણમાં 

ખીલવવાની તૈયારી કરે ||


સ્ત્રી અને પુરુષ બન્ને ભેગાં મળીને આ પૃથ્વી પર પ્રેમ અને માનવતાની લાગણીનો પ્રસાર કરે છે. એમ તો આ કામ સંયુક્તપણે થાય છે, પરંતુ મહિલાઓ એમાં વધુ યોગદાન આપતી હોય એવું પ્રતીત થતું હોય છે. ભારતની ખાસિયત છે કે મહિલાને શક્તિ, દેવી તરીકે પૂજવામાં આવે છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ’ એ ઉક્તિ સદીઓથી પ્રચલિત છે. શક્તિ સ્વરૂપી મહિલા આ જગતમાં ઘણું મોટું યોગદાન આપે છે. એક જવાબદાર મહિલા તરીકે મને લાગે છે કે જો આ વિશ્વમાં સારું પરિવર્તન લાવવું હોય તો આપણે પોતાની સાથે સાથે બીજાઓને સુખી કરવાને પણ મહત્ત્વ આપવું જોઈએ. 

દેવકી, યશોદા, રાધા, મીરા, સરસ્વતી માતા, અંબિકા દેવી, અહિલ્યાબાઈ, ઝાંસી કી રાની, જીજાબાઈ, વગેરે કેટકેટલીય માતૃશક્તિઓની ઊજ્જવળ પરંપરા આપણા દેશમાં રહી છે. ભારતીય મહિલાઓ માટે કોઈ કામ અઘરું નથી. મેં એક કન્યા તરીકે જન્મ લીધો, પરંતુ ક્યારેય ઉપેક્ષાની કે અસલામતીની લાગણી અનુભવી નથી. ઉંમર વધતાં હું આત્મવિશ્વાસ વધારતી ગઈ છું. લગ્ન થયા પછી પણ મેં ક્યારેય મારી ઈચ્છાઓ-આકાંક્ષાઓનો ત્યાગ કર્યો નથી. હું પતિ સાથે ખભેખભા મિલાવીને કામ કરવામાં માનું છું. ગૃહિણી હોવું કે વ્યાવસાયી મહિલા બનવું એ દરેકની પોતાની પસંદગી છે. હું મારાં બાળકો તથા અન્યોને માનવતાના પાઠ ભણાવવા માગું છું.
 
સ્ત્રી અને પુરુષ એ બન્નેની પોતપોતાની વિશેષતાઓ હોય છે. બાળકને જન્મ આપવાની શક્તિ મહિલા પાસે જ છે. એ પોતાની પીડા ભૂલીને સંતાનની પ્રાપ્તિના સુખનો અનુભવ કરે છે. બાળકના પોષણનો વિચાર સૌથી પહેલાં એને આવે છે. પોતાની ઈચ્છાઓને મારીને પણ એ બાળકનાં સ્વપ્ન પૂરાં કરે છે. છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય એ કહેવત પણ યથાર્થ કરનારી માતા જ હોય છે. 

મહિલાઓએ પોતાની શક્તિઓ ઓળખી લેવાની જરૂર છે. સાથે સાથે એ પણ કહેવાનું કે કોઈ વ્યક્તિ તમને પજવે તો તમારે ચિડાયા વગર તેનો સામનો કરવો અને પોતાને શેમાં સુખ મળશે એ વાતનો વિચાર કરવો. તમને સતાવનારી દરેક બાબત ખરેખર તો તમને ધીરજનો ગુણ શીખવે છે. દરેક કન્યાએ આત્મનિર્ભર બનવાનો વિચાર સૌથી પહેલાં રાખવો. પોતે દુઃખ વેઠીને પણ પારિવારિક જવાબદારીઓની નિર્વહન કરનારી મહિલા જ હોય છે. તમારું કોઈ કામ એળે નહીં જાય. તમે આ વિશ્વમાં પરિવર્તન લાવવા માટે સતત પ્રવૃત્ત રહો. 

એક મહિલા તરીકે મારું માનવું છે કે કોઈ પણ સ્ત્રીની સુંદરતા એનાં વસ્ત્રોથી કે દેખાવથી નથી હોતી, પણ એના વ્યક્તિત્વથી બને છે. ભારતીય મહિલાનું શુદ્ધ અંતઃકરણ એ તેની વિશેષતા છે. દરેક મહિલા માટે પ્રોત્સાહન બહારથી આવે એને બદલે અંદરથી પ્રગટ થવું જોઈએ. દરેકે પોતાના આદર્શ પોતે જ બનવું જોઈએ. પોતે બધું કરવા સમર્થ છે એવો ભાવ જાગવો જોઈએ. લોકો તમારા વિશે શું માને છે એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તમે પોતાના વિશે શું માનો છો. મારો અનુરોધ છે કે દરેક મહિલા પોતાના માટે સમય કાઢે અને મગજમાંથી બધી જ શંકાઓ દૂર કરે. 

કહેવાય છે કે કોઈ પણ રાષ્ટ્ર પોતાની નારીશક્તિના ખોળે વિકસે છે. જો તમે પોતાના વિશે અને માતૃભૂમિ વિશે વિશ્વાસ ધરાવતા હશો તો તમારાં સંતાનો પણ એ જ વિશ્વાસ કેળવી શકશે. માનો કે માનો, બાળકો માતાપિતાનું જોઈને જ શીખતાં હોય છે. પ્રેમ, કરુણા, બલિદાન અને માનવતા એ બધા ભારતીય સંસ્કૃતિના ગુણો છે. આપણે મહિલાઓ એ ગુણોનું સિંચન કરવાની યોગ્યતા ધરાવીએ છીએ. સંતાન ગર્ભમાં હોય એ વખતની માતાની લાગણીઓ સાથે જ બાળકનો આ વિશ્વમાં પ્રવેશ થતો હોય છે. આથી દરેક મહિલા આ જગતમાં પરિવર્તન લાવવા માટે પોતાની શક્તિઓને વધુ ને વધુ પ્રમાણમાં ખીલવવાની તૈયારી કરે એ ઈચ્છનીય છે. 
----------------


Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...