દરેક વ્યક્તિ જવાબદારીપૂર્વક વર્તે તો વિશ્વમાં સકારાત્મકતા વધે
|| દરેક વ્યક્તિ જવાબદારીપૂર્વક વર્તે તો
વિશ્વમાં સકારાત્મકતા વધે ||
ફોટોગ્રાફીના શોખીનો સૂર્યોદય અને સૂર્યાસ્તની તસવીરો અલગ અલગ સમયે અને અલગ
અલગ શૈલીમાં લેતા હોય છે. એ સારી વાત છે, પરંતુ આપણે મનુષ્યોએ કોઈ પણ પ્રકારના
ભેદભાવ વગર બધાના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો સૂર્યનો ગુણ શીખવાની જરૂર છે. સૂર્ય
અને ચંદ્ર જેવા ગુણો ધરાવતા લોકો જૂજ હોય છે અને વર્તમાન સમયમાં એવા લોકોની વધારે
જરૂર છે.
ભગવાન કૃષ્ણના અવતાર પરથી આપણને શીખવા મળે છે કે તેઓ ભક્તો માટે હાજરાહજૂર
હતા. દરેકને યોગ્ય માર્ગ ચીંધવાનું કામ એમણે કર્યું હતું. તેઓ સૌના મિત્ર અને
માર્ગદર્શક હતા. કૃષ્ણની હાજરીનો અનુભવ કરવો હોય તો તમારે પોતે જવાબદાર વ્યક્તિ
બનવું જોઈએ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે, હું તને નિષ્ફળ થવા નહીં દઉઁ,
તારે ફક્ત મારામાં શ્રદ્ધા રાખવાની જરૂર છે.
મને યાદ છે, થોડાં વર્ષો પહેલાં એક માતાપિતા પોતાના શ્રવણમંદ બાળકને લઈને મારી
ક્લિનિકે આવ્યાં હતાં. તેઓ અમેરિકાથી આવ્યાં હતાં. ત્યાં તેમના સંતાનની સારવાર
લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ એમાં કોઈ ફાયદો થયો નહીં હોવાથી તેઓ મુંબઈ આવ્યાં
હતાં. કોઈકના રેફરન્સથી તેઓ મારી ક્લિનિકે આવ્યાં હતાં. એ બાળકની સાંભળવાની ક્ષમતા
80 ટકા હતી અને એને શ્રવણયંત્ર આપ્યા વગર ચાલે એમ ન હતું. થોડા જ સમયમાં બાળક
સાંભળવા લાગ્યું અને તેણે સારી પ્રગતિ કરી. આથી તેનાં માતાએ ભારતમાં વધુ સમય
રોકાવાનું નક્કી કર્યું. પિતા કામ-ધંધા માટે અમેરિકા પાછા ફર્યા. દસ મહિના બાદ એ
મહિલા પાછાં અમેરિકા જવા તૈયાર થયાં, પણ બધાને આઘાત લાગે એવી એક ઘટના બની. તેમના
પતિએ શ્રવણમંદ બાળકને કારણે એમને અપનાવવાનો ઇનકાર કર્યો. આને કારણે એ મહિલાની હાલત
કેવી કફોડી થઈ ગઈ હશે એ વિચાર પણ કંપારી છૂટે એવો છે. બાળક નોર્મલ થયું તો પતિએ
દગો આપ્યો!
માતાપિતા સંતાનને જન્મ આપે ત્યારે બન્નેની સરખી જવાબદારી હોય છે. એ સંતાનને
કોઈ પંગુતા હોય તોપણ એને સંભાળવાની જવાબદારી બન્નેની હોય છે. આજના જમાનામાં મેં
એવાં કેટલાંક માતાપિતા જોયાં છે, જેઓ પોતાની જવાબદારીથી દૂર ભાગતાં હોય છે. તેઓ
શિક્ષિત હોય છે, પરંતુ જીવનમાં અગવડો અને તકલીફો વેઠવા તૈયાર હોતાં નથી. ખાસ કરીને
સંતાનો પ્રત્યેની જવાબદારીથી પણ તેઓ દૂર ભાગતાં હોય છે. આમ થવાનું કારણ જીવનમાં
સકારાત્મકતાનો અભાવ છે. તેની સામે ઘણાં માતાપિતા પડકારોનો સામનો કરીને સંતાનનું
જીવન સુધારવા માટે ઘણો ભોગ આપતાં હોય છે. તેઓ જીવનનું મૂલ્ય અને જીવનનો અર્થ
જાણતાં હોય છે. ભગવાને આપેલા આ જીવનમાં તમને બીજું કોઈ બચાવી શકશે નહીં, તમારે
પોતે જ પોતાનું રક્ષણ કરવાનું હોય છે. શરીર, મન અને આત્માનું સંતુલન ધરાવતી
વ્યક્તિઓ જવાબદારીપૂર્વક વર્તતી હોય છે. એવી વ્યક્તિ જ મહાત્મા ગાંધી, મધર ટેરેસા,
વગેરે જેવી મહાન બની શકે છે.
વર્તમાન યુગમાં લોકો શું કામ પોતાની જવાબદારીથી ભાગવાની કોશિશ કરે છે? લોકોને ક્યાં પહોંચવાની
ઊતાવળ છે? આપણી આસપાસ બનતી દરેક ઘટના
અને આસપાસની દરેક વ્યક્તિ બાબતે આપણે જવાબદારીપૂર્વક વર્તીશું તો જ આપણા જીવનમાં
સકારાત્મકતા આવશે.
હાલ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે યુવા પેઢી પોતાના સંબંધીઓ, આપ્તજનો
પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તતી નથી. યુવતી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે તેને
સાચવી લેવાની જવાબદારી તેના પતિની છે. માતાપિતા બન્યા પછી બધાએ સંતાનોનો ઉછેર
જવાબદારીપૂર્વક કરવાનો હોય છે. એ જ રીતે સંતાનોએ મોટાં થયા પછી માતાપિતાને સાચવી
લેવાનાં હોય છે. તેને કારણે વિશ્વમાંથી સકારાત્મક ઊર્જાનો નાશ થઈ રહ્યો છે અને
પરિણામે, ચિંતા, નિરાશા, વિષાદ, વગેરે જેવી માનસિક તકલીફો વધી રહી છે.
આજે દરેક નાગરિકે દેશના ઉત્કર્ષ માટે કામ કરવાની, દેશવાસીઓને મદદરૂપ થવાની તથા
પોતાનાં કર્તવ્યોનું પાલન કરવાની જરૂર છે. સાથે જ પોતાના આરોગ્ય અને સંપત્તિનું
જતન કરવાની પણ દરેકની જવાબદારી છે.
----------------------------
Comments
Post a Comment