પ્રેમપૂર્વક આપવામાં જ ખરું સુખ સમાયેલું છે
|| પ્રેમપૂર્વક આપવામાં જ ખરું સુખ સમાયેલું છે ||
મનુષ્યોની જેમ જ પશુ-પંખીઓ અને વનસ્પતિ શ્વાસ લે છે અને અલગ અલગ ખોરાક ખાય છે. એટલું જ નહીં, આપણી જેમ જ તેઓ પણ પ્રજોત્પત્તિ કરે છે. ફરક એટલો જ છે કે આપણે આપણાં બાળકોને બધું શીખવવું પડે છે, બીજા જીવોનાં બાળકોને એટલે કે બચ્ચાંને આપોઆપ બધું આવડી જાય છે. મનુષ્યો પોતાનાં બાળકોને જીવનનાં બધાં જ સુખ એકસાથે આપી દેવાની લહાયમાં હોય છે. પશુ-પંખીઓ પણ પોતાનાં સંતાનોને પ્રેમ કરે છે, પરંતુ એમને એમની રીતે વિકસવા દે છે.
રામાયણ અને મહાભારત વાંચતી વખતે મને વિચાર આવ્યો કે ભગવાન રામે રાવણ સાથે, કૃષ્ણે કંસ સાથે અને પાંડવોએ કૌરવો સાથે ઓચિંતું યુદ્ધ કરવું પડ્યું ન હતું. રામ, કૃષ્ણ અને પાંડવો એ બધાએ સામેના પક્ષને ધર્મનો ખરો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સમજ્યા નહીં ત્યારે આખરે યુદ્ધનો માર્ગ અપનાવવો પડ્યો હતો.
કંસને આકાશવાણી સાંભળવાને કારણે એટલો ડર પેસી ગયો હતો કે એણે દેવકીનાં સાતેય સંતાનો અને બીજા કેટલાય લોકોના જીવ લઈ લીધા. ડર બીજાઓને મારી નાખે છે, જ્યારે પ્રેમ અન્યોને જીવાડે છે. આપણે શું કરવું છે એનો નિર્ણય જાતે લેવાનો છે.
આજે મને યાદ આવે છે કે ઑડિયોલૉજી અને સ્પીચ થેરપીનો અભ્યાસ પૂરો કરીને હું નાઝરથ સ્પીકર્સ ઍકેડેમીમાં પબ્લિક સ્પીકિંગ માટે જોડાઈ ત્યારે એક વ્યાખ્યાતાએ મને વ્યક્તિત્વ વિશે વક્તવ્ય લખવા કહ્યું હતું. મેં અગાઉ સાયકોલૉજીનો વિષય લીધો હતો તેથી મેં હસતાં હસતાં આ એસાઇનમેન્ટ સ્વીકારી લીધું. મારે વ્યક્તિત્વ વિશે ચારથી પાંચ મિનિટનું વક્તવ્ય આપવાનું હતું. મેં એમાં કહ્યું હતું કે પુરુષ અને સ્ત્રી જીવનમાં અલગ અલગ શારીરિક અને માનસિક જોખમોનો સામનો કરતાં હોય છે. જીવનના અલગ અલગ તબક્કે અલગ અલગ જોખમો સામે આવે છે. એવા વખતે ડરને લીધે જોખમો વધારે મોટાં લાગે છે અને પ્રેમને લીધે તેનો સામનો કરવાની તાકાત આવે છે.
વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસપૂર્વક સંભાષણ કરવા વિશેની મારી સમજને લીધે મને ઘણી નાની ઉંમરે નાઝરથ સ્પીકર્સ ઍકેડેમીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે બોલવાનું માન મળ્યું હતું. શ્રવણશક્તિ વિશેની જાગરૂકતાનો વિષય મેં પસંદ કર્યો હતો. મને એ વખતે ઑડિયોલૉજીનો ફક્ત એક વર્ષનો અનુભવ હતો, પરંતુ હું ખ્યાતનામ હસ્તીઓના અનેક પ્રશ્નોના જવાબ આત્મવિશ્વાસપૂર્વક આપી શકતી હતી. મારા વ્યવસાય પ્રત્યેનો પ્રેમ અને મારો આત્મવિશ્વાસ એ બન્ને વસ્તુઓ મને ઘણી ઉપયોગી થઈ. મને હજી યાદ છે કે હું મહેમાન વક્તા તરીકે મંચ પર બેઠી હતી ત્યારે ઘણા લોકો મને કુતૂહલપૂર્વક જોઈ રહ્યા હતા અને વિચાર કરી રહ્યા હતા કે આ છોકરી કંઈ બોલી શકશે કે નહીં અને બોલશે તો કેવું બોલશે! જોકે, મારા ગુરુને મારા પર સંપૂર્ણ વિશ્વાસ હતો.
નાઝરથ સરે મને શીખવ્યું હતું કે જ્યારે પણ બીજા લોકોને એમ લાગે કે તમે કંઈ નહીં કરી શકો ત્યારે તમારે પોતાને જુસ્સો ચડાવવાનો અને એટલી મહેનત કરવાની કે સામેવાળો માણસ ખોટો પુરવાર થાય.
મેં જોશ ફાઉન્ડેશન શરૂ કર્યું એ અરસામાં શ્રવણમંદ બાળકોને નોર્મલ બાળકોની શાળામાં ભણવા મોકલવાનું લગભગ અશક્ય હતું. ફાઉન્ડેશને નક્કી કર્યું કે આ બાળકોને યોગ્ય શ્રવણયંત્રો આપીને તથા શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં કરીને એમનો આત્મવિશ્વાસ અને એમની ક્ષમતામાં વધારો કરવાનો છે. અમે એમને ડિજિટલ શ્રવણયંત્રો આપ્યાં અને આજે કેટલાંય બાળકો નોર્મલ શાળામાં જાય છે.
અમારી નજરની સામે આ યાત્રા કરનાર ભૂમિ નામની એક કન્યા આ વર્ષે દસમા ધોરણની પરીક્ષામાં પોતાની શાળામાં સર્વપ્રથમ આવી છે. આ કન્યાનાં માતાપિતાને પણ અમે એવો વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ પણ પોતાની દીકરી માટે કંઈ જ શક્ય નથી એવું માનતાં નથી.
ભૂમિને એક વખત એક ખ્યાતનામ ગાયક સાથે ટીવી શો પર જિંગલ ગાવા મળ્યું હતું. ટીવી પર પ્રસારણ થવાનું છે એ જાણીને ભૂમિને ડર લાગવા માંડ્યો. પોતે શોમાં ભાગ નહીં લે એવું એણે માતાપિતાને કહ્યું. એણે માતાપિતાની વાત માની નહીં ત્યારે મારે એને સમજાવવાનું આવ્યું. સામાન્ય માણસોને પણ મળતી નથી એવી તક તને મળી છે અને તારું જોઈને બીજાઓને પ્રેરણા મળશે એવું મેં એને સમજાવ્યું ત્યારે તે તૈયાર થઈ. પોતાનું પરફોર્મન્સ ઘણું સારું ગયું ત્યારે એ મારી પાસે આવીને મને ગળે વળગી પડી અને મારો ઘણો આભાર માન્યો. આમ, પ્રેમપૂર્વકની સમજાવટને કારણે ભૂમિએ અશક્યને શક્ય કરી બતાવ્યું.
આજે શ્રવણમંદ બાળકો સાથેના વર્ષોના અનુભવના આધારે હું કહી શકું છું કે બીજાઓની પાસેથી મેળવવા કરતાં બીજાઓને પ્રેમપૂર્વક આપવામાં જ ખરું સુખ સમાયેલું છે.
----------------------------
Comments
Post a Comment