અન્યોને મદદરૂપ થઈને મળતો આનંદ એ જ આપણી આંતરિક શાંતિ

 || અન્યોને મદદરૂપ થઈને મળતો આનંદ એ જ 

આપણી આંતરિક શાંતિ ||


'શાંતિ' શબ્દ કાને પડતાં જ આપણને સફેદ રંગ કે કબૂતર કે મેડિટેશન યાદ આવે છે. મારું માનવું છે કે આંતરિક શાંતિ એટલે સૂર્યની જેમ પ્રકાશિત રહેવું. પર્વત પરથી વહેતું ઝરણું નદીમાં ભળી જાય છે અને નદી સમુદ્રમાં જઈને ભળે છે. વચ્ચે માર્ગમાં આવતી અનેક વસ્તુઓ એ પ્રવાહમાં જોડાતી જાય છે. આ જ રીતે જીવનનું ઝરણું વિવિધ પ્રકારના અનુભવો અને લાગણીઓનું મિશ્રણ બનીને વહે છે.
 
મધર ટેરેસાએ કહ્યું છે, "શાંતિની શરૂઆત સ્મિતથી થાય છે." હું એમાં થોડો ઉમેરો કરીને કહું છું, "આંતરિક શાંતિની શરૂઆત કોઈને મદદરૂપ થઈને એમના ચહેરા પર સ્મિત લાવવાથી થાય છે." 
કૃષ્ણ ભગવાનની તસવીર જોઈએ તો એમનો ચહેરો હંમેશાં નિર્દોષ અને હસતો દેખાય છે. એમના સ્મિતમાં ઘણા ઉંડા અર્થ સમાયેલા છે. એમણે જીવનના તમામ પડકારોનો સામનો હસતું મોં રાખીને જ કર્યો. એમનું એ કુદરતી સ્મિત ક્યારેય ચહેરા પરથી ગાયબ થયું ન હતું. 

કૃષ્ણનો મનુષ્ય અવતાર આપણા સૌ માટે એક મહામૂલી મિરાત છે. તેમણે આંતરિક શાંતિ અને સુખનો માર્ગ બતાવ્યો છે. પરિવર્તન હંમેશાં જરૂરી છે એવું એમના જીવન પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. એમનું જીવન "સેવા પરમો ધર્મ"નો સંદેશ આપે છે.  

તમે નિર્દોષતા, શક્તિ, પ્રેમ, હિંમત, સાહસ, વિશ્વાસ, કરુણા, લવચિકતા એ બધા ગુણોને અપનાવો ત્યારે જ આંતરિક શાંતિનો અનુભવ થઈ શકે છે. 

કોરોના કાળમાં મારો અનુભવ રહ્યો છે કે બાહ્ય જગતમાં જે અંધાધૂંધી, તકલીફો, વિષમતાઓ હોય છે તેનો સામનો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે આપેલા સંદેશને જીવનમાં ઉતારીને કરી શકાય છે. આંતરિક શાંતિ બીજે ક્યાંયથી નહીં, પણ આપણા મનમાંથી જ જન્મે છે એ વાતની અનુભૂતિ ભગવદ્ ગીતાના અધ્યયન પરથી કરી શકાય છે. 

અહીં એક વાર્તા યાદ આવે છે. એક ગામમાં એક વેપારીને મોટી આર્થિક મુશ્કેલી નડી હતી. એને જીવનમાં આગળ વધવાનો કોઈ માર્ગ સૂઝતો ન હતો. એ ગામમાં એક કૃષ્ણભક્ત હતા. તેઓ ગામવાસીઓને જીવનની મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટેનું માર્ગદર્શન આપતા. આ વેપારીને સમજાઈ ગયું હતું કે એનાં પોતાનાં જ પાપ એને નડી રહ્યાં છે. એ કૃષ્ણભક્તે એક દિવસ વેપારીને બોલાવીને એમની સમસ્યા વિશે પૂછ્યું. વેપારીએ બધી વાત કરી. ભક્તે એમને આશીર્વાદ આપતાં કહ્યું, "હું તને સફળતાનાં પાંચ વર્ષ આપું છું. આ વર્ષોમાં તું જે કરવા માગે છે એ કરી શકશે અને તને સફળતા મળશે." વેપારી આટલું સાંભળીને ઘરે ગયા અને પોતાના કામે લાગ્યા. ખરેખર એમના કામમાં સફળતા મળવા લાગી અને તેઓ બીજાઓને પણ મદદ કરવા લાગ્યા. સફળતાનાં એ પાંચ વર્ષોમાં એમણે બધાં સદ્ કાર્યો કર્યાં હતાં. એમણે એટલાં બધાં સારાં કામ કર્યાં કે જીવનમાં ક્યારેય નાખુશી વર્તાઈ નહીં. આમ થવાનું કારણ એ હતું કે સફળતા મળી ત્યારે તેનાથી છકી જવાને બદલે એમણે બીજાઓને મદદ કરી. 

તમારો આત્મા હંમેશાં તમને તૂટી જવાની ક્ષણે ઝૂકી જઈને કુદરતી સૌંદર્ય માણવાનું શીખવે છે. તેનું કારણ છે કે આ જ રીતે જીવનમાં વિકાસ કરી શકાય છે. જીવનના અનુભવો અને શીખ પરથી જ આંતરિક શાંતિનો માર્ગ પસાર થાય છે. 

પ્રાચીન કાળમાં આપણા વડવાઓ વર્ષો સુધી ધ્યાનમાં બેસતા. એમનો ઉદ્દેશ્ય જીવનમાં શાંતિ મેળવવાનો રહેતો. તેઓ પૈસા કે સત્તા માટે નહીં, પણ ઈશ્વરના સાંનિધ્ય માટે તપ કરતા. આજકાલ લોકો મેડિટેશન અને યોગ કરે છે, પરંતુ એટલું કહેવાનું કે આ પદ્ધતિઓથી તમને સારું લાગી શકે છે, પરંતુ જ્યારે તમે આસપાસના લોકોને મદદરૂપ થવા લાગો ત્યારે જ ખરી આંતરિક શાંતિ મળે છે. કહેવાય છે કે જેઓ બીજાઓને સહાય કરે છે એમની મદદ ભગવાન સ્વયં કરે છે. 

મારી ક્લિનિકમાં દરરોજ પાંચ નવા દરદીઓ આવે છે. એમાં વરિષ્ઠ નાગરિકો પણ હોય છે. તેઓ કોઈ કામ ઝડપથી કરી શકે નહીં. આથી એમને સમજાવવાનું કામ ઘણી ધીરજ માગી લે છે. તેને લીધે એવું થાય છે કે એમના પછી જેમનો નંબર હોય તેઓ અકળાવા લાગે છે. ઘણા લોકો સમયના પાબંદ હોય છે, પરંતુ વિલંબ શેના માટે થયો એનું સાચું કારણ જાણવાનો પણ એમણે પ્રયત્ન કરવો જોઈએ. કેટલીક વાર એવું પણ બને છે કે વરિષ્ઠ નાગરિકો જલદી પાછા જવા માગતા હોય છે. તેઓ કહે છે, "અમને હવે જલદી જવા દો, મારે દીકરા માટે ગાડી પાછી મોકલવાની છે."

જ્યારે અમે બાળકોને શ્રવણયંત્ર લેવા બોલાવીએ છીએ ત્યારે એમના કામ તપાસવા પડે છે. કાનમાં મેલ છે કે નહીં એ તપાસી લીધા બાદ એમના કાનનું માપ લેવાનું હોય છે અને યંત્ર આવી ગયા બાદ એનું પ્રોગ્રામિંગ અને ફિટિંગ કરી આપવાનું હોય છે. ત્યાર બાદ એમને બોલવાની તાલીમ આપવામાં આવે છે. એમના વાલીઓને પણ શ્રવણયંત્રની દેખભાળ વિશે સમજ આપવાની હોય છે. જેમને કોઈના દાનથી શ્રવણયંત્ર મળ્યું હોય એ દાતાને બતાવવા માટે એમનો ફોટો પણ પાડવાનો હોય છે. આ બધું કરવામાં સમય લાગે છે અને ક્યારેક કલાકો નીકળી જાય છે. આમ છતાં બાળકો ક્યારેય ઉતાવળ કરતાં નથી કે બેચેન થતાં નથી. તેઓ પોતાનો નંબર આવે ત્યાં સુધી રાહ જુએ છે અને શ્રવણયંત્ર મળે કે તરત એમના ચહેરા પર સ્મિત આવી જાય છે. મારા માટે આ જ ક્ષણ આંતરિક શાંતિની હોય છે. 

જે કોઈ માણસને અજંપો સતાવતો હોય અને ભવિષ્યની ચિંતા હોય એમણે આવાં શારીરિક ખોડખાંપણ ધરાવતાં બાળકોને જોઈને એમની પાસેથી શીખવું જોઈએ કે ખરી આંતરિક શાંતિ કોને કહેવાય. આ બાળકો પોતાની શક્તિઓને રચનાત્મક કાર્યોમાં લગાડે છે અને જીવનની સકારાત્મકતા પર લક્ષ આપે છે. આપણે પણ આ જ રીતે સકારાત્મક તરંગો વહાવીશું તો કુદરત આપણને શાંતિ બક્ષશે. એ શાંતિ મળ્યા બાદ મેડિટેશન કરવાની પણ જરૂર નહીં રહે. 
------------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...