જો જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય તો કોઈ વસ્તુ તમને રોકી શકે નહીં
|| જો જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય તો કોઈ વસ્તુ
તમને રોકી શકે નહીં ||
આપણે બધા વિશ્વની સાત અજાયબીઓ જાણીએ છીએ. શું તમે જાણો છો, આપણી અંદર પણ સાત
અજાયબીઓ છુપાયેલી છે? એ છે શ્રવણશક્તિ, દૃષ્ટિ,
સૂંઘવાની શક્તિ, સ્વાદશક્તિ, સ્પર્શ, લાગણીઓ અને પ્રેમ. સાત અજાયબીઓમાં સામેલ
નાયગરા ધોધને આપણે પોતાની લાગણીઓ સાથે સરખાવી શકીએ છીએ. નાયગરા ધોધ શક્તિ તથા
વિકાસનું પ્રતીક છે અને ઊર્જા તથા સકારાત્મકતા દર્શાવે છે. પાણીનો પ્રવાહ હંમેશાં
આગળ વધતો રહે છે, ક્યારેય પાછળ જતો નથી. કુદરતી સૌંદર્ય આપણને એ શીખવે છે કે જો તમારે
કુદરતની સાથે સુમેળપૂર્વક જીવવું હોય તો નાયગરા ધોધની જેમ અવિરત વહેવું જરૂરી છે. સકારાત્મકતા
વિશે લખતાં લખતાં હું દરેક પરિસ્થિતિમાં સકારાત્મકતાનું ઊંડાણ જોઈ શકી છું.
નાયગરા ધોધ પરથી હું એ શીખી છું કે શક્તિશાળી વ્યક્તિ પણ પોતાના પર કાબૂ
રાખીને શાંત રહી શકે છે. આ ધોધમાં વહેતું સફેદ પાણી ઇન્દ્રધનુષી રંગો રચે છે. આપણા
શરીરમાં 70 ટકા પાણી છે અને એ સતત વહેતું રહે છે. આ જ રીતે લોહી પણ વહેતું રહે છે
અને શરીરને તંદુરસ્ત રાખે છે. રસ્તાઓ પર ભલે ખાડાટેકરા હોય, એમના અસ્તિત્વનો હેતુ
સૌને આગળ જવા માટેનો માર્ગ આપવાનો છે. 'જીવન ચલને કા નામ,
ચલતે રહો સુબહ શામ...' એ ગીત આ જ હકીકત પર પ્રકાશ
પાડે છે.
ભગવદ્ ગીતા કહે છે કે જો જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય તો કોઈ વસ્તુ તમને રોકી
શકે નહીં. આપણો ધર્મ સારાં કર્મો કરવાનો છે. આજના યુગમાં જીવનનો હેતુ જાણવો હોય તો
તમારે પોતાના કોચલામાંથી, રોજિંદા વાતાવરણમાંથી બહાર આવવું જરૂરી છે. મધ્યમ વર્ગના
પરિવારમાં ઉછરેલી અને ગુજરાતી માધ્યમમાં ભણેલી હું આજે આપ સૌ વાંચકો સાથે
સકારાત્મકતા વિશે આટલી બધી વાતો કરી શકીશ એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું.
અહીં ખાસ કહેવાનું કે જીવનમાં માઠા અનુભવ થયા ન હોય એવું નથી. મેં ઘણા ઉતાર-ચડાવ
જોયા છે, પરંતુ દરેક વસ્તુને સકારાત્મક રીતે જોવાની આદતને લીધે તથા દુનિયાનો અનુભવ
મળવાને લીધે મારી ક્ષમતા સતત વધતી ગઈ છે. સાથે જ ભગવાન કૃષ્ણમાં મારી શ્રદ્ધાએ પણ
મને બળ આપ્યું છે અને શ્રદ્ધા સતત વધતી ગઈ છે.
મારાં માતાપિતાના તથા ઈશ્વરના આશીર્વાદ અને શ્રવણમંદ બાળકોને મદદરૂપ થવાના
મારા સ્પષ્ટ લક્ષ્યને લીધે મારા જીવનનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે.
કુદરતે નાયગરા ધોધનું સર્જન કર્યું છે અને મનુષ્યે રાતના સમયે ત્યાં રંગોની
છોળો ઉડાડીને સર્જનાત્મકતા દ્વારા એની સુંદરતામાં વધારો કર્યો છે. આ ધોધને અજાયબી
બનાવવામાં મુખ્ય યોગદાન તો મનુષ્યોનું જ છે. આના પરથી કહી શકાય કે દરેક મનુષ્યની
પાસે વિચારોની શક્તિ છે. તેના દ્વારા નાયગરા ધોધના સ્થળે કરાયેલી સુંદર વ્યવસ્થાનું
સર્જન કરી શકાય છે અને અણુબોમ્બ કે ઘાતક વાઇરસ પણ બનાવી શકાય છે. આમ, પોતે સર્જક
બનવું છે કે વિધ્વંસક એનો નિર્ણય પોતે જ લેવાનો હોય છે. સકારાત્મક વિચારોથી જગતમાં
અદભુત સર્જન કરી શકાય છે.
દરેક વ્યક્તિ ઉંચા ઈરાદાઓ, મહેનત, વિવેક, કૌશલ્ય અને દૂરદૃષ્ટિની મદદથી
અવરોધોને તકમાં પરિવર્તિત કરી શકે છે.
------------------
Comments
Post a Comment