|| કોઈ પણ સંબંધનું પાવિત્ર્ય પ્રામાણિકતાથી ટકે છે ||

 || કોઈ પણ સંબંધનું પાવિત્ર્ય પ્રામાણિકતાથી ટકે છે ||


સકારાત્મકતા સંસર્ગજન્ય હોય છે એ વાંચ્યા બાદ વૃંદાવનના ગૌરાંગદાસ પ્રભુ આપણી સાથે જોડાયા છે. તેઓ પૂછે છે પ્રેમ કોને કહેવાય? પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ અલગ અલગ રીતે કરે છે. પ્રેમ ચહેરા પર વ્યક્ત થાય છે અને વર્તન દ્વારા પણ વ્યક્ત થાય છે. જો કે, અહીં કહેવું રહ્યું કે ચહેરા પરનો ભાવ થોડા સમય પછી ઓસરી જાય છે, પરંતુ સ્વભાવ અને વર્તન કાયમ રહે છે. ફક્ત ચહેરો સારો હોય એના કરતાં જેનું હૃદય સારું હોય એવા માણસ સાથે રહેવાનું બધાને ગમતું હોય છે. 

આપણે દરેક વ્યક્તિના પ્રેમ અને વર્તનને કારણે જ તેમના તરફ આકર્ષાઈએ છીએ. આપણા માટે પણ આ જ વાત લાગુ પડે છે. આ ગુણને પગલે લોકો આપણી સાથે સંબંધ રાખવાનું પસંદ કરતા હોય છે. 

પ્રેમમાં ઘણી શક્તિ હોવાનું કહેવાય છે અને એ સાચી વાત છે. તમને પ્રેમ કરનાર વ્યક્તિ તમે વગર કીધે તમારી પોતાની બની જાય છે. જે વસ્તુ માગીને લેવી પડે એને પ્રેમ ન કહેવાય. પ્રેમ અણિશુદ્ધ લાગણી છે. 

કોઈ પણ સંબંધનું પાવિત્ર્ય પ્રામાણિકતાથી ટકે છે. જો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સંડોવાયેલો હોય તો સંબંધનું માહાત્મ્ય ઘટી જાય છે. શુદ્ધ પ્રેમ હંમેશાં રોજ વધતો જાય છે અને વ્યવહારમાં તેની ફોરમ પ્રસરતી દેખાય છે. 

સંબંધ બાંધવો એક વાત છે અને એ નિભાવવો બીજી. વળી, સંબંધ કોઈની પણ સાથે બાંધી શકાય છે, પરંતુ તેને પ્રેમના સહારે ટકાવી શકાય છે. કોઈ પણ સંબંધમાં વ્યવહાર સૌથી વધારે મહત્ત્વનો હોય છે, કારણ કે તેના પરથી જ ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિ સંબંધને ટકાવી રાખવા માટે જહેમત લઈ રહી છે કે નહીં. આપણે પોતાના અનુભવે જોયું છે કે ઘણા લોકો આજીવન એટલો ને એટલો જ પ્રેમસભર સંબંધ જાળવી રાખે છે, કારણ કે તેઓ ખરા દિલથી સ્નેહી હોય છે. 

ફક્ત લોહીના સંબંધ જ ખરા સંબંધ હોતા નથી. આપણે સમાજમાં અનેક સંબંધો બાંધીએ છીએ, જેમાં પ્રેમ અને વિશ્વાસ મુખ્ય લાગણી હોય છે. સામેવાળી વ્યક્તિ ક્યારેય આપણને છેતરશે નહીં એવું આપણે દૃઢપણે માનતા હોઈએ છીએ. સહકાર અને આદર વડે આપણે એ સ્નેહ ટકાવીને રાખી શકીએ છીએ. ક્યારેક એવું પણ બને કે એ લાગણીઓ આપણા લોહીના સંબંધમાં જોવા ન મળે. એ લોકો અજાણ્યા હોય એવી રીતે વર્તન કરતા હોય છે. આના પરથી કહી શકાય કે શુદ્ધ પ્રેમ વડે સિંચાયેલો સંબંધ જ સાચો હોય છે. 

પ્રેમ અને સદ્ વ્યવહારથી તમારા મનમાં એ વ્યક્તિનું મૂલ્ય વધે છે. સંબંધ નબળો પડે એવું કોઈ કાર્ય આપણાથી થાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. તમે જેના પ્રત્યે સ્નેહ રાખો એનાથી જો એનું મૂલ્ય વધતું ન હોય તો સમજવું કે પ્રેમમાં ક્યાંક ખોટ છે. કોઈ પણ અપેક્ષા વગરનો એટલે કે નિર્વ્યાજ પ્રેમ જ સાચો હોય છે. 

સંબંધોની વાત કરીએ છીએ ત્યારે એ જાણવું જરૂરી છે કે હંમેશાં સંબંધોની કસોટી થતી હોય છે. આવા સમયે વિશ્વાસની ચકાસણી થાય છે. 

ભગવાનને જેનામાં કૃપા વરસી હોય એવું દેખાય તેને જ પ્રભુ વહાલ કરે છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણે અર્જુનનો વિષાદ અને ડર દૂર કરવા માટે ભગવદ્ ગીતા સંભળાવી. જો કે, પોતે આપેલો બોધ વ્યર્થ ગયો નથી એ જોવા માટે તેની ચકાસણી પણ કરી હતી. 

જો આપણે શુદ્ધ પ્રેમ આપીએ અને આપણા વ્યવહારમાં સકારાત્મક ઊર્જા ભરેલી હોય તો આપણે સફળ બની શકીએ છીએ. 
કોઈને પ્રેમ આપવો એ સૌથી મોટી ભેટ આપવા સમાન છે અને કોઈની પાસેથી પ્રેમ મળે એ સૌથી મોટું બહુમાન હોય છે. !!
------------------------------


Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...